Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ત્રણમાંથી એક લઘુ ઉદ્યોગને તાળું મારવું પડે એવી સ્થિતિ

ઓલ ઈન્ડિયા મેન્યુફેક્ચર્સ એસોસીએશન દ્વારા સર્વે : ૩૨ ટકા કારખાનેદારે જણાવ્યું કે બેઠા થવામાં છ માસ જશે

નવી દિલ્હી, તા. ૩  : કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનમાં મસમોટી રાહતો સાથે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં માનવ જીવન થોડા અંશે ધબકતું થયું છે. ત્યારે લોકડાઉનમાં સારી એવી છુટછાટ અપાઈ હોવા છતાંય દેશભરમાં એક તૃત્તિયાંશ એટલે કે ૩૩ ટકાથી વધુ સ્વ રોજગાર એકમો અને નાના તેમજ મધ્યમકક્ષાના ઉદ્યોગો તાળા ખોલીને વ્યાપાર શરૂ કરવાની સ્થિતિમાં રહ્યા નથી. એટલું જ નહીં લગભગ કાયમી ધોરણે બંધ રાખવાની નાજુક સ્થિતિમાં પહોંચી ગયા છે. દેશના નવ ઔદ્યોગિક એકમોની સાથે મળીને ઓલ ઈન્ડિયા મેન્યુફેક્ચર્સ એસોસીએશન(AIMO) દ્વારા તાજેતરમાં એક સર્વે કરાયો હતો. જેમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. એસોસીએશનનો સર્વે એમએસએમઈ, સ્વ-રોજગાર, કોર્પોરેટ સીઈઓ અને કર્મચારીઓ પાસેથી કુલ ૪૬,૫૨૫ જેટલા પ્રત્યુત્તરો પર આધારિત છે. સર્વેની કામગીરી ગત તા.૨૪મી મેથી ૩૦મી મે દરમિયાન ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી કરવામાં આવી હતી.

          સર્વે મુજબ ૩૫ ટકા નાના અને મધ્યમકક્ષાના ઉદ્યોગકારો અને ૩૭ ટકા સ્વ-રોજગાર ઉત્તરદાતાઓએ જણાવ્યું કે તેમનો વ્યાપાર ફરીથી બેઠો થઈ શકશે નહીં. જ્યારે ૩૨ ટકા એમએસએમઈએ જણાવ્યું કે તેમને રિકવરી કરવામાં જ છ માસ લાગી જશે. માત્ર ૧૨ ટકાએ જ ત્રણ માસમાં આ કામ પુર્ણ થવાની આશા વ્યક્ત કરી હતી. સર્વેક્ષણમાં એ વાત જાણવા મળી કે કોર્પોરેટ સીઈઓ વ્યાપાર શરૂ કરવા માટે આશાવાદી છે અને તેમણે પણ ત્રણ માસમાં રિકવરીની આશા રાખી છે. ભારતમાં પણ દુનિયાના અન્ય કેટલાક દેશોની જેમ સખ્તાઈ સાથે અને લાંબા સમયગાળા માટે લોકડાઉનનો અમલ કરાયો. એટલું જ નહીં ત્રીજા ચરણ બાદ થોડાઘણાં અંશે આર્થિક ગતિવિધિઓને ફરીથી પાટા પર લાવવા માટે ધીમા પગલે રાહતો આપવામાં આવી હતી. મહારાષ્ટ્ર, ગુજરાત, તામિલનાડુ અને દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં કોરોનાનો કહેર જૈસે થેની સ્થિતિમાં રહેતા વ્યાપાર ધંધાને પુનઃ ધમધમતા કરવાની દિશામાં પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.

નેશનલ સ્ટેટિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ગત સપ્તાહે જાહેર કરાયેલા જીડીપીના આંકડા મુજબ, દેશનો વિકાસ દર ૨૦૧૯ - ૨૦માં ૧૧ વર્ષના સાવ તળિયે ૪.૨ ટકા પર આવી ચૂક્યો છે. આરબીઆઈએ તાજેતરમાં કહ્યું છે કે ૨૦૨૦-૨૧માં વૃદ્ધિ દર નકારાત્મક કેટેગરીમાં હોઈ શકે છે. એસોસીએશનના સર્વેમાં એ વાત પણ જાણવા મળી કે માત્ર ૩ ટકા એમએસએમઈ, ૬ ટકા કોર્પોરેટ અને ૧૧ ટકા સ્વ-રોજગાર ઉત્તરદાતાઓએ જણાવ્યુ કે હાલના સંકટથી તેઓ બાકાત રહેશે અને પ્રદર્શન પણ શ્રેષ્ઠ રહેશે. આ એ શ્રેણીના વ્યાપાર-ધંધાના સંચાલકો હતા કે જેઓ લોકડાઉન દરમિયાન જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનો પુરવઠો પુરો પાડવા સાથે સંકળાયેલા હતા.

સર્વેના તમામ પ્રશ્નોના ઉત્તરોનો તાળો મેળવતા જોવા મળ્યું કે ૩૨ ટકા લોકોએ જણાવ્યુ કે તેઓ પોતાના ઉદ્યોગને બેઠો કરી શકશે નહીં. એથી તેઓ કામ પણ શરૂ કરી શકશે નહીં. ૨૯ ટકાએ જણાવ્યું કે નવેસરથી સમગ્ર કામકાજ શરૂ કરવામાં છ માસનો સમય લાગી શકે છે.

દેશભરમાં નાના અને મધ્યમકક્ષાના ઉદ્યોગોની સંખ્યા છ કરોડથી પણ વધારે છે. જેના માધ્યમથી સરેરાશ ૧૧ કરોડથી વધુ લોકોને સીધી રોજગારી પુરી પાડે છે. આવા ઉદ્યોગોની મૂડી તળિયાઝાટક થવાની સાથે અને બજારમાં માગ ઘટતા સાવ તંગ સ્થિતિમાં છે. દેશના કુલ ઉત્પાદનના લગભગ ૪૫ ટકા, નિકાસના ૪૦ ટકા, રાષ્ટ્રીય જીડીપીના લગભગ ૩૦ ટકા યોગદાન આવા નાના અને મધ્યમકક્ષાના કારખાના કે એકમોને આભારી છે.

(7:51 pm IST)