Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

દેશમાં કોરોના વાયરસના દર્દીઓની રિકવરીના દરમાં નોંધપાત્ર સુધારો

છેલ્લા ૨૪ કલાકમાં ૮૯૦૯ નવા કેસ, ૨૧૭ લોકોનાં મોત : દેશમાં ૨૪ કલાકમાં ૪૭૭૬ લોકો સ્વસ્થ : ભારતમાં કોરોના વાયરસનો રિકવરી રેટ ૪૯ ટકા સુધી પહોંચ્યો : રિકવરીનો કુલ આંક ૧૦૦૩૦૩ થયો

નવી દિલ્હી, તા. ૩ : વિશ્વભરમાં કોરોનાનો કહેર જારી છે ત્યારે ભારતમાં પણ આ મહામારીએ ચિંતા વધારી દીધી છે. જોકે, આતમામની વચ્ચે ભારતની વસતીને જોતા દેશમાં વાયરસના સક્રિય કેસનું પ્રમાણ અન્ય દેશોની સરખામણીએ ઓછું છે અને  સામે રિકવરી રેટમાં ધીરે ધીરે ખૂબજ સારો સુધારો થઈ રહ્યો છે. એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૪૯ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૭૭૬ લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૧૦૦૩૦૩ સુધી પહોંચી ગયો છે. બીજી તરફ કોરોના વાયરસનો આતંક ઘટવાની જગ્યાએ વકરવા માંડ્યો છે.  દેશમાં છેલ્લા બે મહિના કરતા પણ વધારે સમયથી લોકડાઉન લાગુ હોવા છતા પણ કોરોના વાયરસના સંક્રમણનો આંકડો બે લાખને ઓળંગી ગયો છે.

             સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે બુધવાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને ૨૦૭૬૧૫ સુધી પહોંચી ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૯૦૯ નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૭ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૫૮૧૫ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે બુધવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૧૦૧૪૯૭ એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૭૨૩૦૦ કેસ નોંધાયા છે જ્યારે ૨૪૬૫ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૨૪૫૮૬ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૧૯૭ લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં ૨૨૧૩૨ કેસ નોંધાયા છે જ્યારે ૫૫૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં ૧૭૬૩૨ લોકો સંક્રમણમાં આવ્યા છે ૧૦૯૨ લોકોના મોત થયા છે. દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૬૩૭૮૬૬૦ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૩૮૦૨૩૭ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૨૭૨૯૫૨૭ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૩૨૬૮૮૯૬ કેસ એક્ટિવ છે. ભારત દેશમાં સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં સાતમાં ક્રમાંક પર પહોંચી ગયો છે. જ્યારે સ્વસ્થ્ય થયેલા દર્દીઓની યાદીમાં ભારત અમેરિકા, બ્રાઝીલ, રશિયા, જર્મની, ઈટાલી, સ્પેન, ઈરાન, તુર્કી બાદ નવમાં ક્રમ પર છે.

(7:51 pm IST)