Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ચીનનો ભારતને ખુલ્લો પડકાર : લડાખ કાંઈ ડોકલામ નથી : ભારત સામે યુદ્ધ માટે અમારી સેના સંપૂર્ણ સજ્જ : અમે યુદ્ધ માટે તૈયાર

પેંગોંગ : લડાખ સરહદે સૈન્ય ખડકી તથા આધુનિક શસ્ત્ર સરંજામથી સજ્જ થઇ ગયેલા ચીને ભારતને ખુલ્લી ધમકી આપી યુદ્ધ માટે પોતે તૈયાર હોવાનું જણાવ્યું છે.લદ્દાખની ગલવાન ઘાટી અને પેંગોંગ શો લેકની આસપાસ કારગીલની જેમ જ ખુબ જ ચાલાકીપૂર્વક હજારોની સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા બાદ ચીને ભારતને સીધો જ પડકાર ફેંક્યો છે. ચીને ભારતને ધમકી આપતા કહ્યું છે કે, લદ્દાખ કંઈ ડોકલામ નથી અને અમારી સેના ભારત સાથે પહાડોમાં યુદ્ધ લડવા માટે સંપૂર્ણ પણે સજ્જ છે. ચીને કહ્યું હતું કે, ડૉકલામ બાદ તેણે પોતાના સૈન્યમાં ટેંકથી લઈને અત્યાધુનિક ડ્રોનને શામેલ કર્યા છે.
ચીનના સરકારી સમાચારપત્ર ગ્લોબલ ટાઈમ્સના ચીની નિષ્ણાંતના હવાલાથે કહેવામાં આવ્યું છે કે, ચીને પોતાના હથિયારોના જખીરામાં ટાઈપ 15 ટેંક, Z-20 હેલિકોપ્ટર અને જીજે-2 ડ્રોન શામેલ કર્યા છે જે પહાડોમાં યુદ્ધ દરમિયાજ જીત અપાવવામાં મહત્વની ભૂમિકા અદ્દા કરશે. ટાઈપ-15 ટેંકનો ગત વર્ષે જ સેનામાં શામેલ કરવામાં આવી છે. ચીની નિષ્ણાંતે દાવો કર્યો છે કે, તિબ્બેટના પહાડોમાં વજનમાં હલકી આ તોપ ખુબ જ સરળતાથી કામગીરી કરી શકે છે. જ્યારે મોટી ટેંકોને અહીં પહોંચવામાં મુશ્કેલીઓ પડે છે. આ ટેંક દુનિયાની કોઈ પણ ટેંકને મ્હાત આપવા સક્ષમ છે.
ચીની સમાચારપત્રના દ્દાવા પ્રમાણે આ હથિયારોના જોરે ચીની સેના ઉંચાઈ ધરાવતા વિસ્તારોમાં કોઈ પણ પ્રકારના હુમલાનો જવાબ આપવા સક્ષમ છે. ચીને લદ્દાખમાં તેના સદાબહાર દોસ્ત પાકિસ્તાનની માફક જ ચાલબાજી કરી છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે ભારતીય સેનાએ એલએસીની નજીક માર્ચ મહિનામાં યોજાનારો યુદ્ધાભ્યાસ થોડા સમય માટે ટાળી દીધો હતો. તેનો લાભ ઉઠાવીને ચીની સેનાએ રણનૈતિક દ્રષ્ટિકોણથી મહત્વના એવા ભારતીય સેનાના પેટ્રોલિંગ વિસ્તારમાં આગળ વધી અહીં પોતાની સ્થિતિ મજબુત બનાવી દીધી હતી. ત્યારથી જ આ વિસ્તારમાં ભારત અને ચીન વચ્ચે તણાવ ચરમસીમાએ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:48 pm IST)