Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

કોરોનાને કારણે મૃત્યુ પામેલા ૫૦ ટકા દર્દીઓની ઉંમર ૬૦ વર્ષથી ઉપર

'કોરોના વાયરસનો વૈશ્વિક મૃત્યુદર ૬.૧૩ ટકાની સરખામણીમાં આપણા દેશમાં મૃત્યુદર ૨.૮૨ ટકા જેટલો છેઃ જે દુનિયામાં સૌથી ઓછો છે

નવી દિલ્હી, તા.૩: ભારતની કુલ વસ્તીના ૧૦ ટકા વૃદ્ઘો છે. દેશમાં કોવિડ-૧૯થી થયેલા મોતમાંથી ૫૦ ટકા મૃતકો વૃદ્ઘો હતા, તેમ કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું હતું. આ સિવાય કોવિડ-૧૯થી મૃત્યુ પામેલા ૭૩ ટકા દર્દીઓને અન્ય તકલીફ પણ હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ભારત કોવિડ ૧૯ના સારવારનું સંચાલન કરવામાં સક્ષમ છે અને અન્ય દેશોની સરખામણીમાં મૃત્યુદર પણ ઘટાડી શકે છે.

૬૦થી ૭૪ વર્ષની ઉંમરના લોકો-જેઓ કુલ વસ્તીના ૮ ટકા છે, તેઓ કોવિડ-૧૯થી થયેલા મૃત્યુના ૩૮ ટકામાં સામેલ છે. જેમની ઉંમર ૭૪ ઉપર છે-જેઓ કુલ વસ્તીના ૨ ટકા છે, તેઓ કોવિડ-૧૯થી થયેલા મૃત્યુના ૧૨ ટકામાં સામેલ છે. દેશમાં કોરોના વાયરસથી વધુ ૨૧૯ લોકોના મોત થતાં મૃત્યુનો આંકડો ૬ હજારને પાર પહોંચ્યો છે. તેમજ ૮,૧૭૧ નવા કેસો સાથે દેશમાં સંક્રમિતોની સંખ્યા ૧.૯૮ લાખ થઈ છે, ત્યારે કેન્દ્રએ આ એનાલિસિસ જાહેર કર્યું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે, દેશની કુલ વસ્તી, મૃત્યુદર અને સંક્રમિત દરને પ્રતિ લાખ અથવા મિલિયનને ધ્યાન લીધા વગર ભારતની આઈસોલેશન સંખ્યા જોવા માટે પૂરતી નથી. કોરોના વાયરસના મામલે દેશ વિશ્વમાં સાતમાં નંબર પર પહોંચી ગયો છે, તે અંગે પ્રતિક્રિયા આપતાં તેમણે આ વાત કરી હતી.

'કોરોના વાયરસનો વૈશ્વિક મૃત્યુદર ૬.૧૩ ટકાની સરખામણીમાં આપણા દેશમાં મૃત્યુદર ૨.૮૨ ટકા જેટલો છે. જે દુનિયામાં સૌથી ઓછો છે. સમયસર કેસોની ઓળખ અને યોગ્ય કિલનિકલ મેનેજમેન્ટના કારણે આપણે આમ કરવામાં સફળ રહ્યા', તેમ અગ્રવાલે કહ્યું. તેમણે તેમ પણ કહ્યું કે, ભારતમાં કોવિડ-૧૯ના મૃત્યુદર પ્રતિ લાખે ૦.૪૧ છે, જે વૈશ્વિક સ્તરે ૪.૯ છે.

અગ્રવાલે જણાવ્યું હતું કે, વધારે જોખમ ધરાવતા લોકો માટે જરૂરી પગલા લેવામાં આવ્યા છે, આ સિવાય જેમને કોવિડ ૧૯ના લક્ષણો દેખાતા હોય તેમને પણ તાત્કાલિક સારવાર લેવાની સલાહ આપવામાં આવી છે. આ સિવાય સરકારે તેમ પણ કહ્યું કે, કોરોનાના મોતનું કોઈ અંડર રિપોર્ટિંગ કરવામાં આવ્યું નથી અને રાજયો પણ તે બાબતનું સંપૂર્ણ ધ્યાન રાખી રહ્યા છે.

ICMRના એક અધિકારીએ કહ્યું કે, તમામ મૃત્યુને કોરોનાથી થયેલા મોતને સામેલ કરી શકાય નહીં અને તેથી જ હોસ્પિટલોમાં જે લોકોના મોત થયા છે, તેમને તેમની મેડિકલ કંડીશનના આધારે અલગ રાખવામાં આવ્યા છે.

(4:22 pm IST)