Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

૧૧ આંકડાનો નહીં થાય તમારો મોબાઇલ નંબર

'૦' લગાડવો પડે તેવી શકયતા : ટ્રાઇના કહેવા પ્રમાણે તેણે મોબાઇલ માટે ૧૧ આંકડાની નમ્બરિંગ સ્કીમને સ્પષ્ટ રીતે રદ કરી નાખી છે

નવી દિલ્હી, તા.૩: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ જાહેરાત કરી છે કે મોબાઇલ નમ્બરિંગ સ્કીમમાં કોઈ પરિવર્તન નહીં કરવામાં આવે. ટ્રાઇએ સ્પષ્ટ કરતા કહ્યું છે કે તેણે ડાયલિંગ પેટર્નમાં થોડો ફેરફાર કરવાની ભલામણ કરી છે. તો જાણીએ ટ્રાઇની ભલામણ બાદ શું બદલાશે અને શું નહીં? આ પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે મોબાઇલ નંબર બદલીને ૧૦માંથી ૧૧ આંકડાનો કરવામાં આવી શકે છે.

ટ્રાઇએ મોબાઇલ માટે ૧૧ આંકડાના નમ્બરિંગની યોજનાની ભલામણ નથી કરી. ટ્રાઇએ કહ્યું છે કે તેણે મોબાઇલ માટે ૧૧ આંકની નમ્બરિંગ સ્કીમને સ્પષ્ટ રીતે રદ કરી નાખી છે.

ભારતમાં મોબાઇલ માટે ૧૦ આંકડાની સ્કીમ ચાલુ રહેશે.

આ બદલાવ આવી શકે

TRAIએ ફિકસ્ડ લાઇનથી કોલ કરતી વખતે મોબાઇલ નંબરની આગળ '૦' લગાવવાની વાત કરી છે. હાલમાં ફિકસ્ડ લાઇન કનેકશનમાં ઇન્ટર-સર્વિસ એરિયા મોબાઇલ કોલ્સ માટે મોબાઇલ નંબર પહેલા '૦' લગાવવો પડે છે. જયારે મોબાઇલમાંથી લેન્ડલાઇન પર '૦' લગાવ્યા વગર કોલ કરી શકાય છે.

ટ્રાઇનું કહેવું છે કે ડાઇલિંગ પેટર્નમાં આ બદલાવ ભવિષ્યની જરૂરીયાતને પૂરી કરવા માટે છે, જેનાથી મોબાઇલ સેવાઓ માટે ૨૫૪૪ મિલિયન વધારાના નંબર ઉપલબ્ધ થઈ શકશે.

ટ્રાઇએ પોતાની ભલામણમાં કહ્યું છે કે ફિકસ્ડ-ટૂ-ફિકસ્ડ, મોબાઇલ-ટૂ-ફિકસ્ડ અને મોબાઇલ-ટૂ-મોબાઇલ કોલ્સ માટે ડાયલિંગ પ્લાનમાં કોઈ પરિવર્તન કરવાની જરૂર નથી.

મોબાઇલ નંબરને ૧૧ આંકડાનો કરવાની ભલામણ દરમિયાન મોટાભાગના દૂરસંચાર ઓપરેટરોએ મોબાઇલ નંબરોને ૧૧ આંકનો કરવાનો વિરોધ કર્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે મોબાઇલ નંબર ૧૧ આંકડાનો કરવાથી સોફ્ટવેર અને હાર્ડવેરમાં મોટાપ્રમાણમાં ફેરફાર કરવાની જરૂર પડશે. પરિણામસ્વરૂપ વધારે ખર્ચ કરવો પડશે. સાથે જ ગ્રાહકો માટે અસુવિધા અને મૂંઝવણની સ્થિતિ ઊભી થશે.

(4:16 pm IST)