Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

એશિયાના સૌથી મોંઘા છૂટાછેડા : ચીની પત્નિને વળતરરૂપે ચુકવ્યા ૨૪ હજાર કરોડ

વેકસીન બનાવતી કંપનીના પ્રમુખ થયા છૂટાછેડા : પતિના ભાગમાં પત્નીથી ઓછી સંપત્તિ

નવી દિલ્હી તા.૩ : ચીનમાં એશિયાનાં સૌથી મોંઘા છૂટાછેડા થયાનું સામે આવ્યું છે. વેકસીન (રસી) બનાવનાર કંપની શેઝેન કંગતાઈ બાયોલોજીકલ પ્રોડકટ કંપનીના ચેરમેન ડયૂ વેઈમિનના પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા છે. આ છૂટાછેડા પછી તેમણે પોતાની પત્ની યુઆન લિપીંગે પોતાની કંપનીના ૧૬.૧૩ કરોડ શેર આપ્યા છે. હવે આ શેર ટ્રાન્સફર થયા પછી લિપીંગ દુનિયાની સૌથી ધનાઢય મહિલાઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે. એક રિપોર્ટ અનુસાર, સોમવારે શેરબજાર બંધ થયા પછી આ શેરની કિંમત ૩.૨ અરબ ડોલર એટલે ૨૪,૦૦૦ કરોડ રૂપિયા હતી. જયારે ડયૂની કુલ સંપતિ ઘટીને લગભગ ૩.૧ અરબ ડોલર એટલે કે ૨૩,૨૫૦ કરોડ રૂપિયા થઈ ગઈ છે.જેમાં ગિરવે મુકેલા શેરોની સંખ્યા સામેલ નથી.

૪૯ વર્ષીય યુઆન મૂળ કેનેડીયન છે અને ચીનના રોઝેનમાં રહે છે તે વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૮ સુધી પોતાની પતિની કંપનીમાં ડાયરેકટર પદ પર રહી ચૂકી છે. હાલમાં તે બેજીંગ મિનહાઈ બાયોટેકનોલોજી કંપનીમાં વાઈસ જીએમનાં પદ પર કામ કરી રહી છે. તેણે બેજીંગ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં બેચલરની ડિગ્રી પ્રાપ્ત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કંગતાઈ કંપનીના શેરમાં છેલ્લા કેટલાંક વર્ષોથી નોંધપાત્ર તેજી નોંધાઈ છે. કંપનીએ કોરોના વાયરસની રસી બનાવવાના પોતાના પ્રયત્નોની જાહેરાત કરતાં ફેબ્રુઆરી માસ પછીથી કંપનીના શેરોમાં સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે.

જયારે યુઆનનાં પતિ ૫૬ વર્ષીય ડયૂનો જન્મ ચીનના જીયાંગ્શી પ્રાંતમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. કેમેસ્ટ્રીમાં ડિગ્રી હાંસલ કર્યા પછી તેમણે વર્ષ ૧૯૮૭માં એક કિલનીકમાં કામ શરૂ કર્યુ હતું અને વર્ષ ૧૯૯૫માં એક બાયોટેક કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે જોડાયા હતા. વર્ષ ૨૦૦૯માં કંતગાઈએ મિનહાઈ કંપનીનું અધિગ્રહણ કર્યું અને તે કંપનીના ચેરમેન બન્યા. મિનહાઈની સ્થાપના ડયૂએ વર્ષ ૨૦૦૪માં કરી હતી.

(2:55 pm IST)