Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

દેશમાં કોરોના સંક્રમણના ખતરા અંગે ૭૦ જિલ્લા અને ૧૨ હોટ સ્પોટમાં સર્વે : આવતા સપ્તાહે પરિણામો જાહેર થશે

નવી દિલ્હી તા. ૩ : ભારતમાં કોરોના સંક્રમિત લોકોનો આંકડો બે લાખ થઇ ગયો છે ત્યારે આઇસીએમઆર દેશના ૭૦થી વધારે જિલ્લાઓ અને ૧૨ હોટ સ્પોટ વિસ્તારોમાં એક સેરોલોજી ટેસ્ટ કરી રહી છે. જેથી જાણ થઇ શકે કે આ ખતરનાક વાયરસ કેટલી વસ્તીમાં ફેલાઇ ચૂકયો છે. જો કે હજી દેશમાં કોરોના કેસનું ચરમ દુર હોવાનું કહેવાઇ રહ્યું છે.

લગભગ ૩૪ હજાર લોકો પર કરાયેલ આ ટેસ્ટ પોતાના અંતિમ તબક્કામાં છે. આઇસીએમઆરના સીનીયર વૈજ્ઞાનિક ડોકટર નિવેદિતા ગુપ્તા અનુસાર આ પરિક્ષણના પરિણામો આ સપ્તાહના અંત સુધીમાં મળી જવાની આશા છે. ટેસ્ટ માટે દેશના ૭૧ જિલ્લાઓ અને મુંબઇ, ચેન્નાઇ વગેરેના હોટસ્પોટ વિસ્તારોના સ્વસ્થ અને સામાન્ય લોકોના સેમ્પલો લેવામાં આવ્યા છે. ટેસ્ટ દ્વારા લોકોમાં કોરોના વાયરસ વિરૂધ્ધ એન્ટીબોડીનું ટેસ્ટીંગ કરવામાં આવશે. એટલે કે એ જાણવાનો પ્રયત્ન થશે કે કેટલા લોકોના શરીરમાંથી આ વાયરસ પસાર થઇ ચૂકયો છે. સાથે જ આ ટેસ્ટીંગના આંકડાઓથી એ પણ જાણવામાં મદદ મળશે કે આ વાયરસ કઇ રીતે ફેલાઇ રહ્યો છે.

દેશમાં કોરોનાના વિસ્તરણની તપાસ માટે કરવામાં આવેલ આ સૌથી મોટો ટેસ્ટ છે. આ પહેલા પણ આઇસીએમઆરે આવા જ સેરોલોજી ટેસ્ટ ડેન્ગ્યુ અને નિપાહ વાયરસ માટે પણ કર્યા હતા. એ મહત્વપૂર્ણ છે કે કોરોના વાયરસથી સાજા થયા પછી માણસના શરીરમાં તેના વિરોધી એન્ટી બોડી બની જાય છે. લોહીમાં ઇમ્યુનોગ્લોબીનના પ્રમાણના આધારે તેની ભાળ મેળવી શકાય છે. વૈજ્ઞાનિકો સ્વીકારે જ છે કે એવા ઘણા લોકો હશે જેઓ કોરોના સંક્રમિત થયા હશે અને સાજા થઇ ગયા હશે અને તેમને ખબર પણ નહીં હોય.

જોકે ડો. નિવેદિતાએ ચોખવટ કરી કે લક્ષણ વગરના લોકોથી આ રોગ ફેલાવાની શકયતા ઓછી છે. સાથે જ અત્યાર સુધીના તેના પ્રસારમાં એ જોવા મળ્યું કે જે લોકોમાં તેના લક્ષણો વધારે હોય છે તેમના છીંકવા, ખાંસવા અથવા નજીકના સંપર્કથી જ સંક્રમણ વધારે ફેલાય છે.

(2:53 pm IST)