Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

વેઇટીંગ ટીકીટ કેન્સેલેશનથી રેલ્વેને દરરોજ બે કરોડની આવક

કન્ફર્મ ટીકીટ ઉપર જ મુસાફરીની મંજુરી રેલ્વેને ફળી

રાજકોટ, તા., ૩: કોરોના સંકટ વચ્ચે મુસાફરોની આવ-જા માટે ૧ લી જુનથી દેશભરમાં ર૦૦ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. આ ટ્રેનોના બુકીંગ માટે કન્ફર્મ ટીકીટ સાથે આરએસી અને વેઇટીંગ ટીકીટ પણ ઇસ્યુ કરવામાં આવતી હતી. હવે નવા નિયમ મુજબ કન્ફર્મ ટીકીટ ઉપર જ મુસાફરીને મંજુરી આપવામાં આવતા અગાઉ ઇસ્યુ કરવામાં આવેલી ટીકીટો પૈકી આરએસી અને વેઇટીંગ ટીકીટ મુસાફરો દ્વારા કેન્સલ કરવાનું શરૂ થતા રેલ્વેને દરરોજ લગભગ બે કરોડની આવક થઇ રહી છે.

વેઇટીંગ ટીકીટ ઉપર મુસાફરીને મંજુરી નથી તો ટીકીટ શા માટે ઇસ્યુ કરવામાં આવે છે? આ પ્રશ્ન વિષે રેલ્વે અધિકારીઓનું કહેવું છે કે, વેઇટીંગ ટીકીટ મુસાફરોની સુવિધા માટે આપવામાં આવતી હતી. બીજી તરફ રેલ્વે મુસાફર સંઘનું કહેવું છે કે વેઇટીંગ ટીકીટના પૈસાથી રેલ્વે પોતાની તીજોરી ભરી રહી છે. જયાં સુધી વેઇટીંગ ટીકીટ કેન્સલ થતી નથી ત્યાં સુધી આ ટીકીટના પૈસાનો રેલ્વે ઉપયોગ કરે છે. ટીકીટ કેન્સેલેશન ઉપર ચાર્જ પણ વસુલવામાં આવે છે. દરેક ટ્રેન દીઠ દરરોજ ર૦૦ વેઇટીંગ ટીકીટ માની લઇએ અને એક ટીકીટનું સરેરાશ મુલ્ય પ૦૦ રૂપીયા ગણીએ તો રેલ્વેને દરરોજ ર કરોડની આવક થઇ રહી છે.

(2:50 pm IST)