Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ઓટો સર્વિસિંગઃ સેનિટાઇઝિંગના નામે લોકડાઉનમાં થયેલી ખોટની વસૂલાત!

જે સર્વિસ સેન્ટર પહેલા ઘરેથી કાર ફ્રીમાં લઇ જતા હતા તેઓ હવે તેના રૂ.૩૦૦૦ પડાવવા લાગ્યા : ટુ કે ફોર વ્હીલર્સની સર્વિસ માટે વસૂલવામાં આવતા નવા-નવા ચાર્જ

અમદાવાદ, તા.૩: લોકડાઉનમાં ઓટો ક્ષેત્રને ધંધામાં જે ફટકો પડયો તે સરભર કરવા હવે સર્વિસ માટે આવતા ગ્રાહકો પાસેથી પહેલા કયારેય ન લીધા હોય તેવા ચાર્જીસ વસૂલવાનું શરૂ કર્યું છે. કેટલાય ટુ અને ફોર વ્હીલર્સના સર્વિસ સેન્ટર્સે વ્હીકલની સર્વિસ પહેલા સેનેટાઈઝ કરવાના, દ્યરે કે ઓફિસથી વ્હીકલ સર્વિસમાં લઈ જવાના નાણાં ઉદ્યરાવાનું ચાલુ કરી દીધું છે. એટલું જ નહીં વ્હીકલ સર્વિસમાં લઈ જતા અને સર્વિસ કરાવે ત્યારે એમ બેવાર વોશિંગ કરવાનું ભારણ પણ ગ્રાહકના માથે નાંખવામાં આવ્યું છે. આ ઉપરાંત સર્વિસ સેન્ટરના સ્ટાફને દરરોજ કપડા ધોવાના, ગ્લોવ્ઝ, બુટ, મોજા પહેરવાના, સાથો-સાથ સર્વિસ સેન્ટરમાં વાપરવામાં આવતા સાધનોને સેનેટાઈઝ કરવાના નામે વ્હીકલ રિપેરિંગ કે સર્વિસિંગમાં નવા જ ચાર્જીસ ઉમેરી દેવાયા છે.

દેશભરમાં બે મહિના લોકડાઉનના લીધે લોકોના વેપાર ધંધા બંધ રહ્યા હતા. ૧લીથી તે ખોલવામાં આવ્યાં છે. બીજી તરફ વ્હીકલ કંપનીઓ દ્વારા વાહનોની સર્વિસ માટે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેમાં ફોર અને ટુ વ્હીલર વાહનોની સર્વિસ માટે આવે એટલે તુરત સેનિટાઈઝ કરવાના રહેશે. વ્હીકલને બેવાર વોશિંગ કરવાના, વ્હીકલ સર્વિસ માટે જો લેવા જવાનું થાય તો તેનો ચાર્જ ગ્રાહક પાસે વસૂલવાનો રહેશે. ઉપરાંત સર્વિસ સેન્ટરના સ્ટાફે બુટ, મોજા અને હાથમાં ગ્લોઝ ફરજિયાત પહેરવાના. સર્વિસમાં વાપરવામાં આવતા સાધનોને બેવાર સેનિટાઈઝ કરવાનું રહેશે. જેના લીધે ફોર વ્હીલરમાં વાહન સર્વિસ માટે દ્યરે થી લઈ જાય તેના રૂ.૨૯૦ અને સેનિટાઈઝ કરવાના રૂ.૧૯૦ વસૂલવાનું ચાલુ કર્યુ છે. જયારે ટુ વ્હીલરમાં પ્રાઈવેટ સર્વિસ સેન્ટરો દ્વારા સેનિટાઈઝના રૂ.૫૦ અને બેવાર વોશિંગના રૂ.૧૦૦ લેવાનું ચાલુ કરી દીધું છે.

બે માસ વાહનો પડી રહેતા બેટરી ઊતરી ગઈ

લોકડાઉનને લીધે મોટાભાગના વાહનો બે માસ પડી રહ્યા હતા. લોકડાઉન ખૂલતા અનેક લોકોએ પોતાના વાહન ચાલુ કરવા જતા બંધ થઈ ગયાનું બન્યું હતું. વાહન પડી રહેવાથી બેટરી ઉતરી ગઈ હતી. જેના લીધે બેટરી બદલાવાનો વારો આવ્યો છે. આમ મોટાભાગના વાહન ચાલકોને બે માસ વાહન પડી રહેતા બેટરી બદલાવાનો વારો આવ્યો છે.

(11:33 am IST)