Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

લોકડાઉન દરમિયાન કેરોસીનનો વપરાશ ઘટયો

જાહેર વિતરણ હેઠળ કેરોસીનની માંગમાં ૫૦ ટકાનો ઘટાડો

નવી દિલ્હી તા. ૩ : આખા દેશમાં લાગુ થયેલ લોકડાઉન દરમિયાન પેટ્રોલ - ડીઝલની સાથે સાથે કેરોસીનની માંગ પણ ઘટી છે. લોકડાઉનના લીધે ઘણાં રાજ્યોએ જાહેર વિતરણ પ્રણાલી (પીડીએસ) હેઠળ એલોટેડ કેરોસીન નથી ઉઠાવ્યું. એપ્રિલમાં કેરોસીનની માંગ ગયા વર્ષના એપ્રિલની સરખામણીમાં અડધી થઇ ગઇ હતી.  લોકડાઉનમાં માર્ચ અને એપ્રિલમાં કેરોસીનની માંગમાં જોરદાર ઘટાડો થયો હતો. માર્ચમાં ૨૦૧૯ની સરખામણીએ આ વર્ષે વપરાશ ૨૯૧ હજાર મેટ્રીક ટનથી ઘટીને ૧૫૧ હજાર મેટ્રીક ટન થયો હતો. એપ્રિલમાં તે વધુ ઘટીને ૧૨૯ હજાર એમટી થયો હતો જે ગયા વર્ષના એપ્રિલમાં ૨૫૪ મેટ્રીક ટન હતો.

આંકડાઓ અનુસાર ૨૦૧૯-૨૦માં કેરોસીનના વપરાશમાં લગભગ ૩૦ ટકાનો ઘટાડો થયો છે. ૨૦૧૮-૧૯માં કેરોસીનની કુલ ખપત ૩૪૫૯ હજાર એમટી હતી જે ૨૦૧૯-૨૦માં ઘટીને ૨૩૯૬ હજાર એમટી થઇ ગઇ કેમકે ઘણાં રાજ્યો કેરોસીન મુકત થઇ ગયા છે.

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સિવાયના બધા કેન્દ્રશાસિત પ્રદેશો કેરોસીન મુકત છે. આ ઉપરાંત દિલ્હી, આંધ્રપ્રદેશ, હરિયાણા, પંજાબ પણ કેરોસીનમુકત રાજયો જાહેર થઇ ચૂકયા છે. એપ્રિલ માસમાં સિક્કીમ, લદ્દાખ અને ઉત્તરાખંડ પીડીએસ હેઠળ એલોટેડ કેરોસીન નહોતું ઉઠાવ્યું. તો યુપી, બિહાર, ગુજરાત અને મહારાષ્ટ્રએ સ્વેચ્છાએ પીડીએસનો અમુક કવોટા જતો કર્યો હતો.

(11:23 am IST)