Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

લોકડાઉનમાં લોકોએ હાથ ઉપર રોકડ રાખવાનું પસંદ કર્યું

૩૧ માર્ચની સામે ૮ મેના લોકોના હાથમાં ચલણ ૫.૩ ટકા વધી ૧,૨૪,૩૧૬ કરોડ રૂપિયા હતું જે આગલા વર્ષે આ જ દિવસે ૬૫,૫૫૧ કરોડ રૂપિયા જોવા મળ્યું હતું

મુંબઈ તા. ૩ : એપ્રિલ મહિનામાં દેશમાં બેન્ક થકી ઉદ્યોગોને મળતું ધિરાણ ૧.૭ ટકા ઘટ્યું હતું અને સર્વિસ સેકટરમાં તેમાં ૧૧.૨ ટકાનો ઘટાડો જોવા મળે છે. માર્ચની તા. રપથી દેશભરમાં માત્ર આવશ્યક ચીજોનાં વેચાણ સિવાય દરેક આર્થિક પ્રવૃત્તિ બંધ થઈ ગઈ હોય ત્યારે ધિરાણ ઘટે એ સ્વાભાવિક છે. જો કે વધારે ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે લોકો હાથ ઉપર રોકડ રાખી રહ્યા છે અથવા તો કરકસર કરી રહ્યા છે જેથી આવનારા આકસ્મિક સમયમાં તેનો ઉપયોગ થઈ શકે.

ભૂતકાળના રિઝર્વ બેન્કના આંકડા દર્શાવે છે કે બેન્કએ માર્ચના છેલ્લા પખવાડિયામાં કરેલું ધિરાણ એપ્રિલના પ્રથમ પખવાડિયામાં પરત આવી જાય છે. તા. ૨૦ માર્ચના પૂર્ણ થતાં પખવાડિયામાં બેન્કોએ વધારાનું ર.૬૫ લાખ કરોડ રૂપિયાનું ધિરાણ કર્યું હતું. આની સામે તા. ૮ મે સુધીમાં માત્ર ૧.૧૮ લાખ કરોડ રૂપિયાનું બાકી આગળ ધિરાણ ઘટ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં આ સમયમાં પરત આવેલી રકમ ૧.૪૬ કરોડ રૂપિયા હતી અને વર્ષ ૨૦૧૫-૧૬માં ૨.૭૫ લાખ કરોડ રૂપિયા જેટલી ઊંચી હતી. આ દર્શાવે છે કે પરત આવી રહેલી રકમનું પ્રમાણ ઓછું છે એટલે ધિરાણ મેળવનાર તેને જે ક્રેડિટ લિમિટ મળી છે તેનો લોકડાઉનમાં પૂર્ણ ઉપયોગ કરી રહ્યો છે. એવું પણ બની શકે કે તેનો ઉપયોગ ખરીદીમાં થયો હોય, ઉઘોગોએ પગાર કરવામાં કે બાકી દેવું ચૂકવવામાં કર્યો હોય. અર્થતંત્ર માટે આ નિશાની સારી છે.

એવી જ રીતે હાથ ઉપર રોકડ પણ વધી રહી છે. તા. ૩૧ માર્ચની સામે તા. ૮ મેના રોજ લોકોના હાથમાં ચલણ ૫.૩ ટકા વધી ૧,૨૪,૩૧૬ કરોડ રૂપિયા હતું જે આગલા વર્ષે આ જ દિવસે ૬૫,૫૫૧ કરોડ રૂપિયા જોવા મળ્યું હતું. જો કે હાથ ઉપર રોકડ હોવાથી જ ખરીદી વધી છે કે વપરાશ વધ્યો હોય એવું તારણ કાઢી શકાય નહીં, કારણ કે લોકડાઉનના સમયમાં  માત્ર આવશ્યક ચીજો - અનાજ, ખાઘતેલ, દૂધ, ફળ, શાકભાજી, દવાઓ જ બજારમાં વેચવી શકય હતી. અન્ય દરેક ચીજોની દુકાનો ફરજિયાત બંધ હોવાથી ગ્રાહકોએ ખરીદી કરી હોય તેવી શકયતા ઘણી ઓછી છે.

(11:20 am IST)