Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

લોકડાઉનઃ દીકરીના લગ્નમાં ના આવી શકયા મા-બાપઃ મુસ્લિમ દોસ્તે કર્યુ કન્યાદાન

પૂજા સાથે તેમના લોહીના સંબંધો ભલે ના હોય, પરંતુ માણસાઈનો ધર્મ બધાથી ઉપર છે

લુધિયાણા, તા.૩: લોકડાઉન દરમિયાન એક મુસ્લિમ કપલે હિન્દુ યુવતીના માતા-પિતા બનીને તેનું કન્યાદાન કર્યું હોવાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. યુવતીના માતાપિતા લોકડાઉન લાગુ કરાયું તે પહેલા ઉત્ત્।ર પ્રદેશમાં કોઈ સંબંધીને ત્યાં ગયા હતા, અને પછી ત્યાં જ ફસાઈ ગયા. આ દરમિયાન યુવતીના લગ્નની તારીખ આવી પહોંચી હતી. તેવામાં યુવતીના પિતાના એક મુસ્લિમ દોસ્ત અને તેમની પત્નીએ આગળ આવી યુવતીના લગ્નની જવાબદારી નીભાવી લીધી હતી.

પંજાબના જાલંધર જિલ્લાના ભટ્ટિયા ગામમાં રહેતી પૂજાના લગ્ન સુદેશ કુમાર સોનુ સાથે બીજી જૂને નક્કી થયા હતા. તેના માતાપિતાએ લગ્નનની તૈયારીઓ પણ શરુ કરી દીધી હતી, અને લોકડાઉન શરુ થયું તે પહેલા તેઓ યુપીમાં આવેલા પોતાના વતન ગયા હતા. જોકે, અનેક પ્રયાસો કર્યા બાદ પણ તેઓ યુપીથી પંજાબ પોતાની દીકરીના લગ્ન પહેલા નહોતા પહોંચી શકયા.

આ દરમિયાન પૂજાના પિતા વિરદર શર્માએ પોતાના મુસ્લિમ દોસ્ત સાજિદ સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે તેઓ નથી ઈચ્છતા કે લગ્નની તારીખ નીકળી જાય. સાજિદભાઈએ પણ પોતાના મિત્રને આશ્વાસન આપતા કહ્યું કે તે પૂજાના લગ્નની જરાય ચિંતા ના કરે. આખરે તેમણે પોતાની પત્ની સાથે મળીને પૂજાના માતાપિતાની જવાબદારી નીભાવી અને હિન્દુ વિધિથી તેના લગ્ન કરાવી કન્યાદાન પણ કર્યું.

પૂજાના લગ્નમાં ૧૬ મહેમાનો આવ્યા હતા. સવારે સાડા અગિયાર વાગ્યે વિધી શરુ થઈ હતી, અને બપોર સુધીમાં લગ્ન સંપન્ન થયા હતા. વરપક્ષ તરફથી છ લોકો, અને કન્યાપક્ષ તરફથી દસ લોકો હાજર રહ્યા હતા. સાજિદભાઈના જણાવ્યા અનુસાર, પૂજા તેમને મામા કહીને બોલાવતી હતી. તેઓ તેનું કન્યાદાન કરી ગર્વ મહેસૂસ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે પૂજા સાથે તેમના લોહીના સંબંધો ભલે ના હોય, પરંતુ માણસાઈનો ધર્મ બધાથી ઉપર છે.(૨૩.૭)

 

(11:18 am IST)