Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

જુનથી અમલી આવકવેરાના 26AS ફોર્મ એટલે માહિતીની માયાજાળ

આવક અને ખર્ચ જાહેર કરવામાં ભારે ચોકસાઇ રાખવી પડશેઃ કરદાતાએ ભરેલા રિટર્ન અને ફોર્મમાં વિસંગતતા હશે તો તરત જ નોટીસ

નવી દિલ્હી તા. ૩ :.. ઇન્કમટેકસના રિટર્નમાં ચાલી રહેલા ધરખમ ફેરફારોને કારણે પ્રામાણિક કરદાતાઓને જરા સરખો પણ વાંધો આવવાનો નથી. પરંતુ કાળા નાણામાં વ્યવહાર કરીને ટેકસ ભરવાથી બચતા કરદાતાઓનું હવે ૧ જૂન બાદ નવા અમલમાં આવનાર ફોર્મ ર૬એએસને કારણે તેઓની મુશ્કેલી વધવાની છે. કારણ કે તેમાં કરદાતાએ કરેલા તમામ વ્યવહારો આપોઆપ જ આવી જવાના છે. જેથી કરદાતાએ રિટર્ન ભરવામાં આ આવક અથવા તો ખર્ચ છૂપાવ્યો હશે તો આઇટી દ્વારા નોટીસ મોકલવામાં આવશે.

કાળા નાણાંના વ્યવહારો અટકાવવા માટે ઇન્કમટેકસ વિભાગે આગામી ૧ જુનથી ર૬એએસ ફોર્મનો અમલ કરવાની છે. આ ફોર્મનો અમલ થતાની સાથે જ કરદાતાએ રિટર્ન ભરવામાં ભૂલ કરી તો નોટીસ માટે તૈયારી રાખવી પડશે. જે અંગે સીએ વિરેશ દલાલે જણાવ્યું હતું કે આ ફોર્મના કારણે ઇન્કમટેકસ ઓફીસરને તમામ વિગતો ઓનલાઇન જ મળી જશે. તેમાં કરદાતાએ કેટલા રૂપિયા કયાં ખર્ચ કર્યા. જમીન ખરીદી તો કેટલામાં ખરીદી, કેટલા રૂપિયાનો દસ્તાવેજ થયો, જંત્રીના ભાવ પ્રમાણે દસ્તાવેજ થયો છે કે કેમ અથવા તો તે સિવાયના નાણા ખેડૂતને ચૂકવ્યા હોય તેવી તમામ ઝીણવટભરી વિગતો હવે ઓનલાઇન જ મળવાની છે.  જેથી કરદાતાએ રિટર્ન ભરવામાં ખાસ તકેદારી રાખવી પડશે.

ર૬ એએસના ફોર્મમાં આ વિગતો હશે

અત્યાર સુધી કરદાતાના ટીડીએસ, ટીસીએસ, એડવાન્સ ટેકસ, સેલ્ફ એસેસમેન્ટ અને રિફંડની જ વિગતો આવતી હતી. પરંતુ ર૬એએસમાં સુધારો કરીને ૩૦ લાખથી વધુની મિલકતના વ્યવહાર, જંત્રીની વેલ્યુ ૧૦ લાખથી વધુ રોકડા સેવિંગ્સ ખાતામાં જમા કરાવ્યા હોય. બેંકમાંથી રોકડા ઉપાડયા હોય, ૮૦-જી હેઠળ દાન આપ્યું હોય. આઇટી એસેસમેન્ટની કાર્યવાહી ચાલુ છે કે નહી વિદેશ પ્રવાસ કર્યો છે કે નહીં. ક્રેડિટ કાર્ડમાંં કેટલા રૂપિયા ભરવામાં આવે છે તેવી તમામ નાની નાની વિગતોને ર૬એએસના ફોર્મમાં આવરી લેવામાં આવી છે.

(10:39 am IST)