Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ-ગેસનાં ભાવ વધવાના એંધાણ

રાજય સરકાર ખાલી તિજોરી ભરવા પ્રજાને આપશે ડામઃ ઇંધણ પર વેટ વધારવા તૈયારીઃ એકાદ બે દિવસમાં જાહેરાત થવાની શકયતાઃ અન્ય રાજયોએ અગાઉ ભાવ વધારાનો નિર્ણય લીધેલો છે

નવી દિલ્હી, તા.૩: ગુજરાત રાજય સરકારની તીજોરીને કોરોના મહામારીના કારણે કરવામાં આવેલ લોકડાઉનથી ભારે નુકસાન થયું છે. જેની ભરપાઈ કરવા માટે સરકાર પેટ્રોલ,ડીઝલ અને ગેસના ભાવ પર વેલ્યુ એડેડ ટેકસ(વેટ) વધારવા અંગે વિચારણા કરી રહી છે. જોકે આ પગલાથી કદાચ હોબાળો મચી શકે આ વિચારીને ખૂબ જ ધીરે ધીરે આગળ વધવા અંગે વિચારી રહી છે.

મહત્વનું છે કે પોતાના ખર્ચા, કર્મચારીઓના પગાર અને પહેલાથી લીધેલા ઉધારની ચુકવણી માટે પણ રાજય સરકાર ખૂબ મોટો કર્જ લઈ રહી છે. ત્યારે સરકારને હાલ પોતાની આવક વધારવા અને ખર્ચને સરભર કરવા માટે આ એક રસ્તો દેખાઈ રહ્યો છે. જોકે તેનાથી નાગરિકોની નારાજગી વહોરી લેવાનો ભય પણ સતાવી રહ્યો છે.

આ સમગ્ર મામલે જાણકાર સૂત્રનું કહેવું છે કે, 'ગુજરાત સમાન બીજા રાજયોની તુલના કરવામાં આવે તો રાજયમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ પર લાદવામાં આવતા વેટ અને સેસ ટેકસની ટકાવારી ઘણી ઓછી છે. લોકડાઉનના કારણે રાજય સરકારની આવક બંધ થઈ જતા ઘણી રાજય સરકારોએ પોતાના રાજયમાં આ ત્રણેય વસ્તુ વસ્તુ પર વેટની ટકાવારી વધારી દીધી છે. જેથી રાજય સરકાર ગુજરાતમાં પણ આ ટેકસની રકમ વધારવા માટે વિચારાધીન છે.'

હાલ રાજયમાં પેટ્રોલ અને ડીઝલ પર ૧૭ ટકા ટેકસ અને ૪ ટકા સેસ વસૂલવામાં આવી રહ્યો છે. જયારે ગેસ પર ૧૫ ટકા વેટ લાગુ પડે છે. જોકે સૂત્રોએ જણાવ્યું કે નાગરિકોની નારાજગીને ધ્યાને રાખીને હાલ સરકાર આ વસ્તુઓ પર વેટ વધારવાની જગ્યાએ અન્ય વિકલ્પ અંગે વિચારી રહી છે. એવું પણ બની શકે છે કે પેટ્રોલ અને ડીઝલ બંને માટે અલગ અલગ ટેકસ માળખું બની શકે. આગામી ૨ દિવસમાં આ અંગે રાજય સરકાર કોઈ જાહેરાત કરી શકે છે.

(10:07 am IST)