Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

મહારાષ્ટ્રમાં વાવાઝોડુ 'નિસર્ગ' ત્રાટકયું : વૃક્ષો-થાંભલાઓ જમીનદોસ્ત

રાયગઢ-અલીબાગ સહિતના વિસ્તારોમાં ૧૨૦ કિમીની ઝડપે પવન ફુંકાયોઃ આંધી-તુફાન સાથે ઈમારતો હલબલી ઉઠીઃ ભારે વરસાદ ખાબકયોઃ દરીયામાં ભયાનક મોજા ઉછળ્યા : NDRFની ટીમો રાહત-બચાવ કાર્યમાં લાગીઃ મુંબઈના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદઃ વાવાઝોડુ વિનાશ નહી વેરેઃ હાઈટાઈડનો ખતરોઃ ૧ લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયાઃ દરીયા કિનારે ૧૪૪ની કલમઃ બાંદ્રા-વર્લી સિલીંક બંધ કરાયોઃ ફુંકાતો ભારે પવન : મુંબઈ આવ-જા કરતી ૩૧ જેટલી ફલાઈટો રદ કરવામાં આવીઃ મુંબઈ-ગુજરાત વચ્ચે દોડતી ટ્રેનોના સમય ફેરવાયાઃ વાવાઝોડાની અસર સ્વરૂપ સૌરાષ્ટ્ર-ગુજરાતના તાપમાનમાં ઘટાડો

મુંબઈ, તા. ૩ :. વાવાઝોડુ નિસર્ગ ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે આજે બપોરે અલીબાગના કિનારે ત્રાટકયુ છે. જેને કારણે દરીયામાં ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ભયંકર ઝડપે પવન ફુંકાતા અનેક સ્થળે વૃક્ષો જમીનદોસ્ત થયા છે તો અનેક છત્તો હલી ગઈ છે. વિજળી અને ટેલીફોનના થાંભલાઓનો સોથ વળી ગયો છે. વાવાઝોડાની અસર સ્વરૂપ કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જો કે મુંબઈવાસીઓ માટે ખતરો ઓછો થઈ ગયો છે.

મળતા અહેવાલો મુજબ વાવાઝોડુ નિસર્ગ મહારાષ્ટ્રના કિનારે ટકરાયુ છે. રત્નાગીરી, સિંધુદુર્ગ, અલીબાગ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને પવન ફુંકાય રહ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ચક્રવાતી વાવાઝોડુ ૧૨૦ કિમીની ઝડપે ફુંકાયુ છે. મુંબઈના મોટા ભાગના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. બપોર બાદ મુંબઈમાં વાવાઝોડુ ટકરાઈ શકે છે. જો કે તબાહી ઓછી થવાની સંભાવના છે.

વાવાઝોડુ નિસર્ગ આજે સવારે ૧૧.૩૦ કલાકે રાયગઢમાં લેન્ડપોલ થયુ છે જેને કારણે ભારે વરસાદ અને પવન ફુંકાય રહ્યો છે. મહારાષ્ટ્રના દરીયા કિનારાના વિસ્તારોમાં વૃક્ષો ધરાશયી થયા છે અને થાંભલાઓ જમીન દોસ્ત થયા છે.

વાવાઝોડુ નિસર્ગે રાયગઢ જિલ્લામાં કહેર વર્તાવ્યો છે. જિલ્લામાં ભારે નુકશાની થયાનુ જણાય છે. અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. દરીયામાં ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે.

એનડીઆરએફની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. વિજળી વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. વાવાઝોડાની પ્રક્રિયા ૩ કલાક ચાલવાની છે.

દરમિયાન મુંબઈમાં વાવાઝોડાની અસર સ્વરૂપ લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાના કારણે બાંદ્રા-વર્લી સિલીંક પર ટ્રાફીક અટકાવી દેવાયો છે. મુંબઈ ઉપરાંત થાણે, રત્નાગીરીમાં પણ વરસાદ પડી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કિનારે દરીયો ગાંડોતૂર થતા કિનારે લાંગરેલા વહાણો હલી રહ્યા છે. હાઈટાઈડની પણ ચેતવણી આપવામાં આવી છે. મુંબઈમાં ૮૦ હજાર લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. શહેરમાં ૧૪૪મી કલમ લાગુ છે. લોકોને ઘરની બહાર નહિ નિકળવા જણાવાયુ છે. નૌકાદળની ટીમો પણ એલર્ટ કરી દેવામાં આવી છે.

(3:01 pm IST)