Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ચીને સીમા પર સૈનિકોનો જમાવડો કર્યો, વાતચીત જારી છેઃ રાજનાથ

ભારત ક્યારેય કોઈની સામે નમવાનું નથીઃ રક્ષામંત્રીઃ કોરોના પ્રકોપ વચ્ચે પાકના લાભ ઊઠાવવા સંદર્ભે પાડોશી દેશને જડબાતોડ જવાબ આપવા રક્ષામંત્રીની સિંહ ગર્જના

નવી દિલ્હી, તા. ૨: ચીન અને નેપાળ સાથેના સરહદને લગતા વિવાદને રાજકીય રંગ ન આપવાની વાત કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે કરી છે. કારણ સરહદની સુરક્ષા દરેક ભારતીયથી જોડાયેલો મામલો છે. રક્ષામંત્રીએ વધુમાં જણાવ્યું કે ચીન સાથે અમારી વાતચીત ચાલી રહી છે. કેન્દ્ર સરકાર પાસે ચીન સાથેના તમામ મુદ્દાને હલ કરવા માટેનું પૂરતું મિકેનિઝ્મ છે. અને અમે તેના માધ્યમથી જ વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ચીન સાથેના વિવાદ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપે તાજેતરમાં આપેલા નિવેદન પર રાજનાથ સિંહે કહ્યું કે ભારત ચીન સાથે વાતચીત કરી રહ્યું છે. ભારત કોઇની સામે નમવાનું નથી. ભારત ક્યારેય પણ કોઇની સામે નતમસ્તક ના થયું છે, ના થશે. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન હચમચી ગયું છે, તે સવાલના જવાબમાં રાજનાથે કહ્યું કે પાકિસ્તાને ભારતના પગલા અંગે ખુશ થવું જોઇએ કે તેમના પડોશમાં કડક નિર્ણય લેનારી મજબુત નેતૃત્વવાળી સરકાર છે. આ ઉપરાંત કોરોના વાયરસ પર રાજનાથ સિંહે કહ્યું કે તે એક વૈશ્વિક મહામારી છે. તમામ દેશોએ સાથે મળીને તેનો સામનો કરવો જોઇએ. કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે પાકિસ્તાન કોઇ રીતનો ફાયદો ઉઠાવશે કે કેમ તે સવાલના જવાબમાં તેમણે કહ્યું કે જો કોઇ આવું કરશે, તો તેને જડબાતોડ જવાબ મળશે. આ ઉપરાંત વિપક્ષ કોંગ્રેસની નિવેદનબાજી પર રાજનાથ સિંહે કહ્યું કે કોંગ્રેસના લોકો અમને મજૂરોની મદદ કરવા માટે કહે છે ત્યારે તેમણે પોતાને પણ વિચારવું જોઇએ કે આટલા વર્ષો દેશની સરકાર ચલાવી, તેમ છતાં દેશના લોકોની સ્થિતિ આટલી ખરાબ કેમ છે? કોંગ્રેસ પાર્ટીએ લોકોને ગરીબીમાં નાંખ્યા છે. રક્ષા મંત્રીએ કહ્યું કે ભાજપ-એનડીએ સરકારે કોરોના સંકટના સમયમાં ગરીબોને મદદ કરી છે અને તેમને ભોજન પણ પુરું પાડ્યું છે. રાજનાથ  સિંહ કહ્યું કે અમે લોકડાઉન પણ ઉતાવળમાં નહોતું લાગુ કર્યું હતું અને અનલોકમાં પણ કોઈ ઉતાવળ કરાશે નહીં. અમે અનલોક-૦૧ને લઇને પૂરી રીતે તૈયાર છીએ.  ચીન ઉપરાંત નેપાળ સાથે પણ સરહદી વિવાદ ચાલી રહ્યો છે, તે અંગે રક્ષામંત્રીએ નેપાળને અમે અમારા નાના ભાઇ જેવો માનીએ છીએ. એક ઘરમાં બે ભાઇઓ વચ્ચે વિવાદ થાય, તો કંઇ સંબંધો ના તોડાય. રક્ષામંત્રી રાજનાથ સિંહે પીઓકેને લઇને કહ્યું કે ભારતની સંસદમાં અનેકવાર આ મામલે પ્રસ્તાવ રજૂ થઈ ચૂકયો છે કે પાક અધિકૃત કાશ્મીરને ભારતમાં સામેલ કરો. પાક અધિકૃત કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. આ મામલે આપણે રાહ જોવી જોઇએ. રક્ષામંત્રીએ પુલવામા-૨નું કાવતરું રચનારા પાકિસ્તાની મામલે કહ્યું કે આ મામલે સરહદ પર ભારતીય જવાનો જડબાતોડ જવાબ આપી જ રહ્યા છે.

(12:01 am IST)