Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

હાલના સંજોગોમાં મોટા ભાગના વાલીઓ બાળકોને સ્કૂલે મોકલવા રાજી નથી : બ્રિટન સહિતના દેશોમાં સ્કૂલો ખુલ્યા પછી પણ અડધોઅડધ ગેરહાજરી

લંડન : બ્રિટન સહિતના દેશોમાં સ્કૂલો શરૂ થઇ ગઈ છે.મોટા ભાગના વાલીઓ હજુ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા રાજી નથી. તેમને કોરોના ફેલાવાનો ડર છે.તેઓના મતે સપ્ટેમ્બર માસ  પછી જ સ્કૂલો ખૂલવી જોઈએ. વાલીઓનાં સંગઠનોએ કહ્યું કે 15 જૂન પછી સ્થિતિને જોયા પછી જ સ્કૂલ ખોલવા અંગે નિર્ણય કરવાની જરૂર હતી. આટલી ઉતાવળ સારી નથી.  બ્રિટનની પ્રાથમિક શાળાઓમાં આશરે 20 લાખ બાળકો ભણે છે. અનેક સ્કૂલોએ કહ્યું કે તે સ્કૂલ ખોલવા માટે તૈયારી કરી શક્યા નથી. અમુક સ્કૂલોએ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડી દીધી છે જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી શકાય. બ્રિટનમાં 10 અઠવાડિયાંથી સ્કૂલો બંધ હતી. બીજી બાજુ હાઉસિંગ સેક્રેટરી રોબર્ટ જેનેરિકે કહ્યું કે સ્કૂલો ખોલવી અત્યંત જરૂરી છે. બ્રિટનમાં અત્યાર સુધી 2,74,762 કેસ નોંધાઈ ચૂક્યા છે જ્યારે 38,489 લોકો મૃત્યુ પામ્યા છે.

ભારતમાં 2.13 લાખથી વધુ વાલીઓએ સ્કૂલોને જલદી ન ખોલવાની માગ કરી હતી. આ લોકોએ એવી અરજી પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં કહ્યું હતું કે જ્યાં સુધી કોરોના મહામારીની સ્થિતિમાં સુધારો ન થાય કે તેની વેક્સિન ન બની જાય ત્યાં સુધી સ્કૂલો ન ખોલવી જોઇએ. સરકારે જાહેરાત કરી હતી કે તમામ રાજ્યોમાં મહામારીનું આકલન અને ચર્ચા કર્યા પછી જુલાઈથી સ્કૂલ, કોલેજો, કોચિંગ સેન્ટર અને અન્ય શૈક્ષણિક સંસ્થાનો ખોલી શકાશે. વાલીઓએ કહ્યું કે જુલાઈમાં સ્કૂલ ખોલવી સરકારનો ખરાબ નિર્ણય હશે. આ આગ સાથે રમત કરવા જેવું હશે. વર્તમાન શૈક્ષણિક સત્ર ઓનલાઇન જારી રહેવું જોઈએ. જો સ્કૂલ દાવો કરે છે કે તે ઓનલાઇન સારું કામ કરી રહ્યા છે તો પછી તેને બાકી શૈક્ષણિક વર્ષ માટે યથાવત્ રાખવું જોઇએ. દેશમાં 16 માર્ચથી શૈક્ષણિક સંસ્થાનો બંધ છે.

(11:25 am IST)