Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

વિદેશમંત્રી જયશંકરને ગુજરાતથી રાજ્‍યસભામાં મોકલવા તૈયારી

વિદેશમંત્રીના હોમ સ્‍ટેટ તામિલનાડુમાંથી પહેલા મોકલવાનો વિચાર હતો પરંતુ રાજકીય સમીકરણો બદલાતા ગુજરાત ઉપર નજર

નવી દિલ્‍હી, તા. ૩ :. વિદેશ મંત્રી એસ. જયશંકર હાલ એક પણ ગૃહના સભ્‍ય નથી. તેમનુ હોમ સ્‍ટેટ તામિલનાડુ છે. પહેલા ભાજપ તેમને તામિલનાડુમાંથી રાજ્‍યસભામાં મોકલવા વિચારતુ હતુ પરંતુ હવે ભાજપે તેમને ગુજરાતમાંથી રાજ્‍યસભામાં મોકલવાનું નક્કી કર્યુ હોવાનું જાણવા મળે છે.

અત્રે એ નોંધનીય છે કે કેન્‍દ્રની મોદી સરકારમાં તામિલનાડુનું અન્‍ના ડીએમકે સામેલ થયુ નથી. ત્‍યાંથી ૨૪ જુલાઈએ રાજ્‍યસભાની ૪ બેઠકો ખાલી થાય છે. ૨૨ વિધાનસભાની પેટાચૂંટણીમાં ૧૩ બેઠક અન્‍ના ડીએમકે એ ગુમાવી છે તેનો અર્થ એ થયો છે કે અન્‍ના ડીએમકે એ ડીએમકેને બેઠક આપવી પડશે. તેને એક બેઠક અગાઉની સમજુતી મુજબ પીએમકેને આપવાની છે. જો એક બેઠક જો ભાજપને આપે તો અન્‍ના ડીએમકે પાસે માત્ર એક જ જગ્‍યા રહે અને સંસદમાં તેનુ પ્રતિનિધિત્‍વ ઘટીને ૧૧નું થઈ જાય.

આ સંજોગોમાં ભાજપની ડીમાન્‍ડ તે માની શકે તેમ નથી તેથી ભાજપે હવે ગુજરાત ભણી નજર દોડાવી છે અને વિદેશ મંત્રી જયશંકરને કદાચ ગુજરાતથી રાજ્‍યસભામાં મોકલે તેવી શકયતા છે. અત્રે એ નોંધનીય છે કે, અમિત શાહ અને સ્‍મૃતિ ઈરાની ગાંધીનગર અને અમેઠીની બેઠક જીતી ગયા છે. આ બન્ને રાજ્‍યસભાના સાંસદ હતા હવે આ બન્નેની જગ્‍યા ખાલી પડી છે તેથી જયશંકરને ગુજરાતથી રાજ્‍યસભામાં મોકલી શકાય છે.

 

(10:52 am IST)