Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

છેલ્લા એક વર્ષમાં ત્રાસવાદી હુમલાના ૧૧ ષડયંત્ર ફ્લોપ

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની મોટી સફળતા : છેલ્લા ચાર મહિનાના ગાળામાં જ દિલ્હી પોલીસના ચાર મોટા ઓપરેશન : ખૂંખાર આતંકવાદીઓને પકડી પડાયા

નવી દિલ્હી, તા. ૨  : દિલ્હી પોલીસની એન્ટી ટેરર યુનિટની સ્પેશિયલ સેલે છેલ્લા એક વર્ષના ગાળામાં ૧૧ આતંકવાદી હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવી દીધા છે. સ્પેશિયલ સેલ દ્વારા કુલ ૧૧ મોટા ઓપરેશન ચલાવવામાં આવ્યા છે જેમાંથી છેલ્લા ચાર ઓપરેશન ચાર મહિનામાં હાથ ધરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના આ ઓપરેશન દિલ્હી સુધી મર્યાદિત ન હતા બલ્કે જમ્મુ કાશ્મીર, નેપાળ સરહદ અને પૂર્વોત્તર ભારત સુધીના ઓપરેશનનો સમાવેશ થાય છે. કેટલાક શકમંદોની ધરપકડ પણ કરવામાં આવી ચુકી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પુલવામા ત્રાસવાદી હુમલાના મજબૂત પુરાવા એકત્રિત કરવામાં પણ મદદ કરી છે. જમ્મુ કાશ્મીરમાં ઇસ્લામિક સ્ટેટના મોડ્યુઅલને તોડી પાડવામાં મદદ કરી છે. પાટનગરની પોલીસની આમા ચાવીરુપ ભૂમિકા રહી ચુકી છે. મણિપુરમાં સક્રિય બંડખોરો સામે પણ આક્રમક કાર્યવાહી રહી છે. દિલ્હી પોલીસ દ્વારા હુમલા સાથે સંબંધિત અનેક મહત્વપૂર્ણ ઇન્પુટ પણ સુરક્ષા સંસ્થાઓને આપ્યા છે. સજ્જાદ ખાન હુમલાના માસ્ટરમાઇન્ડ મુદસ્સીર ખાનની ધરપકડ પણ કરવામાં આવી ચુકી છે. દિલ્હી પોલીસે પુલવામા હુમલામાં સામેલ સજ્જાદ અહેમદ ખાનને લાજપત રાય માર્કેટમાંથી પકડી પાડ્યો છે. તે કારોબાર કરીને પોતાની ઓળખ છુપાવીને દિલ્હીમાં હતો. તેની ધરપકડ બાદ તપાસ સંસ્થાનઓ પુલવામા હુમલા સામેલ  તમામ આતંકવાદીઓની ઓળખ કરવામાં અને ધરપકડ કરવામાં મદદ મળી હતી. આ ઉપરાંત માર્ચના મહિનામાં દિલ્હી પોલીસે હિઝબુલના બે મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. સ્પેશિયલ સેલે પ્રજાસત્તાક દિવસના થોડાક દિવસ પહેલા જ જૈશના આતંકવાદીઓ અબ્દુલ લતીફ ગની અને હિલાલ અહેમદ ભટ્ટને પકડી પાડ્યા હતા. આ બંને આતંકવાદી પાટનગરના ભરચક વિસ્તારવાવાળા વિસ્તારમાં ગ્રેનેડ હુમલાની તૈયારીઓ કરી રહ્યા હતા. આ બંને આતંકવાદીઓની પુછપરછ હજુ પણ ચાલી રહી છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં દિલ્હી પોલીસ જમ્મુ કાશ્મીર પોલીસની સાથે મળીને મોટુ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં ઇસ્લામિક સ્ટેટના ત્રાસવાદીઓને પકડી પાડવામાં આળ્યા હતા. સાથે સાથે તેમના મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ઇસ્લામિક સ્ટેટના ત્રણ આતંકવાદી તાહિર અલી ખાન, હારિક મુસ્તાક ખાન અને આસીફ સુહેવને પકડી પાડવામાં આવ્યા હતા. ત્રણેય આતંકવાદી બંકર બનાવીને છુપાયેલા હતા. ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં પણ દિલ્હી પોલીસે સિમીના આતંકવાદી અબ્દુલ સુભાન કુરેશી અને ઇન્ડિયન મુઝાહિદ્દીનના આરીઝ ખાનને પકડી પાડ્યા હતા. આ પહેલા અનેક મોટી સફળતા હાંસલ કરવામાં આવી હતી. ઇન્ડિયન મુઝાહિદ્દીનને લઇને હજુ પણ ઉંડી તપાસ ચાલી રહી છે.

(12:00 am IST)