Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

મુંબઇઃ જૂન સુધી સ્થિતિ સામાન્ય થઈ શકેઃ જુલાઈમાં સ્કૂલો ખુલી શકશે

નિષ્ણાતોએ એક ગણિતીય મોડલને આધારે એવી ભવિષ્યવાણી કરી છે કે મેના પ્રથમ અઠવાડિયામાં કોવિડ-૧૯થી થતાં મોતમાં પીક આવી શકે છે

મુંબઈ, તા.૩: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોના વાયરસની સ્થિતિ જૂન સુધી સામાન્ય થઈ શકે છે. શરત એટલી જ છે કે રસીકરણ ખૂબ ઝડપથી ચાલુ રહે અને કોરોના વાયરસનો કોઈ નવું વર્ઝન ન આવી જાય. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચના વૈજ્ઞાનિકોની એક ટીમે પોતાના વિશ્લેષણ બાદ આવો દાવો કર્યો છે. મુંબઈમાં કોરોના વાયરસની બીજી લહેર અંગે ઝીંણવટપૂર્વક સંશોધન કરી રહેલા નિષ્ણાતોએ એક ગણિતીય મોડલને આધારે એવી ભવિષ્યવાણી કરી છે કે મેના પ્રથમ અઠવાડિયામાં કોવિડ-૧૯થી થતાં મોતમાં પીક આવી શકે છે. પહેલી જૂલાઈ સુધી શહેરમાં સ્કૂલો ખોલવાની સ્થિતિ આવી જશે.

દાવો કરવામાં આવ્યો છે કે ફેબ્રુઆરીમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો એક જ વેરિએન્ટ હતો. જોકે, સ્થાનિક ટ્રેન સેવા ફરીથી શરૂ કરતા જ વાયરસને ફેલાવવા માટે વાતાવરણ મળી ગયું હતું અને આ કારણે બીજી લહેર આવી ગઈ હતી. અંગ્રેજી વર્તમાનપત્ર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે નિષ્ણાતોએ ફેબ્રુઆરીની આસપાસ અર્થવ્યવસ્થા ખોલી દેવાને પણ કોવિડનું સંક્રમણ ફેલાવવાનું કારણ માન્યું છે. નિષ્ણાતોનું માનીએ તો પહેલી ફેબ્રુઆરી આસપાસ અપ્રભાવી વેરિએન્ટ ખૂબ નાના સ્તર પર ફેલાયો હતો, માર્ચના મધ્ય સુધી સ્થિતિ ગંભીર થઈ ગઈ હતી.

ગત વર્ષે મળેલા કોરોના વાયરસના વેરિએન્ટની સરખામણીમાં વર્તમાન વેરિએન્ટ ૨થી ૨.૫ ગણો વધારે સંક્રામક છે. અભ્યાસમાં માલુમ પડ્યું છે કે ઉપરના આંકડા ખોટા હોઈ શકે છે પરંતુ મુંબઈમાં સૌથી વધારે લોકો સંક્રમિત થવા પાછળ માર્ચમાં નવો વેરિએન્ટ મળવાનો દાવો સાચો હોઈ શકે છે.

સરકારી આંકડા પ્રમાણે કોવિડની બીજી લહેરથી મુંબઈમાં ૨.૩ લાખ લોકો પ્રભાવિત થયા છે. એકલા એપ્રિલમાં ૧,૪૭૯ લોકોનાં મોત થયા છે. ૧ મેના રોજ શહેરમાં ૯૦ મોત થયા હતા.

(3:37 pm IST)