Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

દિલમાં અજવાસ છે...શિર્ષક હેઠળ સંજય ગોરડીયા, જય વસાવડા અને હિમાલી વ્યાસ નાયકે વર્ણવ્યા અનુભવો

ગુજરાતના સ્થાપના દિને 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ-ગુજરાત્રી' પ્રસ્તુત 'અકિલા ડિજીટલ' પર ત્રણ ગુજરાતી હસ્તીઓની ગોષ્ઠી કોરોના કાળમાં ડરો નહિ, સાવચેત રહો-ખુશ રહો,આવનારા દિવસો સારા જ હશેઃ વેકસીન એ જ વિકલ્પ-પ્લાઝમા ડોનેટ કરો

'ગુજરાત્રી' ટીમના નિમીષભાઇ ગણાત્રા, હિરેન સુબા, વિરલ રાચ્છ અને મિલિન્દ ગઢવીના કાર્યક્રમને ઓનલાઇન મનભરીને માણ્યો અસંખ્ય લોકોએઃ વિરલ રાચ્છનું અદ્દભુત સંચાલન : મારા અનુભવથી મને એવું લાગ્યું કે હ્યુમન કેરથી મોટી કેર બીજી કોઇ નથી...દર્દીને જો આઇસોલેટ કરી દે તો તેમાં પરિચીત ચહેરા ન હોય, સ્પર્શ ન હોય, તમારી સંભાળ લે તેવું કોઇ ન હોય તો તકલીફ પડતી હોય છેઃ અમે ખુબ સાવચેત રહીને મારા પિતા સંક્રમિત હતાં તેમને સાજા કર્યા હતાં: જય વસાવડા : વેકસીન બોગસ છે એવું ન કહો... વેકસીન લો અને વિજ્ઞાન સાથે રહો, અજ્ઞાન સાથે નહિઃ સંજય ગોરડીયા : કોરોના હવાથી નથી ફેલાતો, મને કંઇ ન થાય એવી 'હવા'થી ફેલાય છેઃ વિરલ રાચ્છ : ૩૨ વર્ષની જિંદગીમાં મેં કદી પણ મારી હેલ્થ પર ધ્યાન નહોતું આપ્યું એટલુ ધ્યાન મેં કોરોના થયાના ૧૪ દિવસમાં મારા પર આપ્યું હતું: તમે ઘરે બેઠા ખોટા વિચારો ન કરો, આગળના સમયમાં શું કરશો એ વિચારોઃ ઘરે બેઠા બીજાને મદદ પણ કરી શકોઃ હિમાલી વ્યાસ નાયક :કલાકારોએ પણ થર્ડ લાઇન કોરોના વોરીયરનું કામ કર્યુ છેઃ કોવિડ જ્યારથી શરૂ થયો ત્યારથી લોકોને ઘરે બેસાડી રાખવામાં મનોરંજન આપવામાં કલાકારોનો પણ મોટો ફાળો છેઃ હિમાલી

દિલમાં અજવાસ છે...કાર્યક્રમમાં જોડાયેલા કલાકાર સંજય ગોરડીયા, લેખક-વસાવડા અને વેર્સેટાઇલ ગાયીકા હિમાલી વ્યાસ નાયક સાથે શોના સંચાલક વિરલ રાચ્છ જોઇ શકાય છે

રાજકોટ તા. ૩: કોરોનાકાળમાં લોકડાઉનમાં પણ 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ-ગુજરાત્રી' ડિજીટલ પ્લેટફોર્મ પર લોકોને સતત મનોરંજન કરાવતું રહ્યું છે. શનિવારે તા. ૧ મેના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિતે 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ અને ગુજરાત્રી' એ 'અકિલા ડિજીટલ' પ્લેટફોર્મ પર 'દિલમાં અજવાસ છે' શિર્ષક હેઠળ ત્રણ ગુજરાતી હસ્તીઓને રજૂ કરી હતી. આ ત્રણેયએ હાલના કોરોનાકાળની કપરી સ્થિતિમાં પોતાને કોરોના થયો ત્યારે શું કર્યુ, કેવી સાવચેતીઓ રાખી, શું કરવું જોઇએ, શું ન કરવું જોઇએ...આગામી સમય કેવો હશે? એ સહિતની નોખી-અનોખી વાતો વિરલ રાચ્છ સાથેની ગોષ્ઠીમાં રજૂ કરી હતી. એકાદ કલાકના આ કાર્યક્રમને અસંખ્ય ચાહકોએ મન ભરીને માણ્યો હતો. ત્રણ ગુજરાતી હસ્તીઓમાં અભિનેતા કલાકાર, લેખક અને વર્સેટાઇલ ગાયીકા એવા સંજય ગોરડીયા, જય વસાવડા તથા હિમાલી વ્યાસ નાયકે જણાવ્યું હતું કે કોરોનાકાળમાં ડરો નહિ, સાવચેત રહી ખુશ રહી સમય વિતાવો, આગામી સમય ચોક્કસ સારો જ હશે, વેકસીનેશન એ જ વિકલ્પ છે, પ્લાઝમા ડોનેટ પણ કરો અને બીજાને મદદરૂપ પણ બનો. ત્રણેય મહાનુભાવોએ હાલના પડકાર અને સંઘર્ષ સમયના પોતાના અનુભવોની વાતો વાગોળી હતી.

વિરલ રાચ્છે કાર્યક્રમની શરૂઆતમાં ત્રણેય માનવંતા મહેમાનો ગુજરાતી રંગભુમિના ખુબ મોટા કલાકાર-નિર્માતા શ્રી સંજય ગોરડીયા, લેખક-વકતા શ્રી જય વસાવડા અને વર્સેટાઇલ ગાયીકા ગુજરાતનું ગોૈરવ એવા હિમાલી વ્યાસ નાયકને આવકારી 'દિલમાં અજવાસ છે' કાર્યક્રમની શરૂઆત કરી હતી. વિરલ રાચ્છે જણાવ્યું હતું કે આજે ગુજરાત સ્થાપના દિવસ છે ત્યારે 'અકિલા'ને એમ લાગ્યું કે હાલમાં આપણે કપરા કાળ અને સંઘર્ષના દોરમાંથી પસાર થઇ રહ્યા છીએ ત્યારે લોકોને કંઇક એવું આપી કે જે તેમને ઉપયોગી થાય. ગુજરાતી કલાકારો કે જે પોતે કોરોનાથી સંક્રમિત થયા હતાં અથવા તો તેમના સ્વજન પણ સંક્રમિત થયા હતો તો તેમણે એ સમયમાં શું કર્યુ? બીજાને શું પ્રેરણા આપી શકે? તેમના અનુભવમાંથી બીજા લોકો પણ કંઇક સારુ જાણી શકે અને કોરોનાને હરાવી શકે, કોરોનાથી દૂર રહી શકે તેવો પ્રયાસ કરીએ. આ પ્રયાસના ભાગ રૂપે જ 'દિલમાં અજવાસ છે' કાર્યક્રમ આપ્યો હતો.

ત્રણ ગોૈરવવંતા ગુજરાતીઓ જેમાં એક કે જેઓ પરિચયના મોહતાજ નથી તેવા તખ્તા, સિનેમાના અભિનેતા, નિર્માતા સંજય ગોરડીયા (મુંબઇ), ગુજરાતી જ્યાં બોલાય છે, લખાય છે, ટીનએજરથી માંડી સિનીયર સિટીઝન સોૈમાં જાણીતા છે એવા જય વસાવડા તથા અકિલાના અનેક કાર્યક્રમોમાં  ભાગ લઇ ચુકેલા ગુજરાતી સંગીતના ખુબ જાણીતા વર્સેટાઇલ ગાયીકા મુળ અમદાવાદના મુંબઇ સ્થાયી થયેલા હિમાલી વ્યાસ નાયક સાથેની વિરલ રાચ્છની ગોષ્ઠી અહિ રજૂ છે. 

સોૈને સતત ખીલખીલાટ હસાવનારા સંજયભાઇ ગોરડીયા વેકસીનેશન પછી સંક્રમિત થયા હતાં. તેમનો વિડીયો ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ ટ્વિટ કર્યો હતો. સંજયભાઇ કોરોનાથી સંક્રમિત કઇ રીતે થયા? તેની વાત તેમના જ શબ્દોમાં જાણીએ-હું યશરાજ ફિલ્મ્સની એક ફિલ્મમાં એકટીંગ કરુ છું, એમાં કોર્ટનો સિન હતો. જુના જમાનાની હકડેઠઠ લોકો સાથેની કોર્ટ બતાવવાની હતી. જેમાં ૩૦૦ જુનિયર આર્ટીસ્ટ અને ૧૫ અમે બીજા આર્ટીસ્ટ હતાં. આ ઉપરાંત ક્રુ મેમ્બર્સ અલગ. પાંચ દિવસ શુટીંગ હતું. એ પુરૂ થયું અને હું ઘરે આવ્યો, ૨૪મીએ હું ઘરે ગયો. ૨૫મીએ ઓફિસે ગયો અને ૨૬મીએ શુટીંગ થવાનું હતું. ત્યાં મને મેસેજ આવ્યો કે શુટીંગ પાછળ ઠેલાયું છે કારણ કે ઘણા બધાને કોવિડ આવ્યું છે.

મને સવારથી થોડુ તાવ જેવું હતું, હું ઓફિસમાં સવા કલાક સુઇ ગયો હતો. ત્યાં મને મેસેજ આવ્યો અને મારી શંકા સાચી ઠરી કે કંઇક ગરબડ છે. એ પછી મેં પેથોલોજી લેબમાં ફોન કર્યો. પણ ફોન લાગ્યો નહિ. ડોકટરને ફોન કર્યો. એમણે બીજી લેબનો નંબર આપ્યો. ફોન લાગ્યો અને બપોરે કરેલો ફોન સાજે સાડા આઠે માણસ સેમ્પલ લેવા આવ્યો. બીજા દિવસે સવારે આઠે ફોન આવ્યો કે સંજયભાઇ તમને કોરોના છે, તમે આઇસોલેટ થઇ જાવ. રિપોર્ટ બે દિવસ પછી આપીશ. એ સાથે જ હું આઇસોલેટ થઇ ગયો. ફેમિલી ડોકટર કિર્તી પટેલે દવાઓ લખી મોકલી, એ પછી જીણો જીણો તાવ ચાલુ હતો. દવાઓ ચાલુ કરી પછી સિટી સ્કેન, ડી ડાઇમર સહિતના ટેસ્ટ કરાવ્યા.

આ બધુ કરાવવા પાછળનું કારણ એ હતું કે આપણે ઉંઘતા ન ઝડપાઇએ. હું જો બેદરકાર રહ્યો હોત કે આપણને કોરોના ન થાય, લોકો વ્હોટ્સએપ પર લખે મોકલે અને લોકો માને પણ ખરા કે વિદેશનું કોૈભાંડ છે. ભણેલો ગણેલો માણસ પણ ખોટી વાતમાં આવી જાય તેવા ધૂપ્પલ ચલાવે છે. મને સમયસર ખબર પડી ગઇ કે મને કોરોના છે.

હું, મારા વાઇફ, દિકરો અને ૮૫ વર્ષના મારા બા છે. આ ત્રણેયના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતાં. કારણ કે હું સમયસર આઇસોલેટ થઇ ગયો હતો. દવાઓ લેવાની લેવાની અને લેવાની જ. સીટી સ્કેન એટલા માટે જરૂરી છે કે કોરોના વાયરસ છાતીમાં કેટલા અને કેટલે સુધી ઘુસી ગયા છે. હું નસીબદાર હતો કે ડોકટર મિત્રોએ બાર કલાકમાં જ કઇ દીધું કે હું કોરોનાગ્રસ્ત છું. સ્હેજ પણ તમને તકલીફ જેવું લાગે તો સમય બગાડવો નહિ, કોરોના છે તેમ સમજી દવા ચાલુ કરી દેવાની આવું મારુ સજેશન છે.

સંજયભાઇએ પોતાના અનુભવો વાગોળતા આગળ કહ્યું હતું કે- ૧૪ દિવસ મેં જલ્સા કર્યા છે. જેલમાં કેદીને થાળી નાંખે એમ મારી પત્નિ મને જમાડતી, મારી ભુખ બરાબરની વધારે ઉઘડી હતી. ઘણાની સ્મેલ જતી રહે, ભુખ બંધ થઇ જાય, પણ હું નસિબદાર હતો કે દિવસમાં હું ચાર વખત ખાતો હતો. બીજુ વીસ દિવસ પહેલા મેં વેકસીન લીધું હતું. એટલે મારી ઇમ્યુનિટી સિસ્ટમ સારી હતી. વેકસીન બોગસ છે એવું બકબક ન કરો, વેકસીન લો, વિજ્ઞાન સાથે રહો, અજ્ઞાન સાથે નહિ.

ગોષ્ઠી આગળ વધતાં વકતા, લેખક જય વસાવડાએ પોતાના અનુભવો જણાવતાં કહ્યું હતું કે-મારા ફાધરને દિવાળી વખતે કોરોના આવ્યો હતો. કોરોના વિશે જનરલ નોલેજ તો અત્યારે જનરલથી સ્પેશિયલ થઇ ગયું છે. દરેક માણસ કોરોના સ્પેશિયલ થઇ ગયો છે. આ ખાવ, આ ન ખાવ, ન પીવો...એવું કહેનારાને પણ કોરોના થાય છે. મેં નાનકડી ફોર્મ્યુલા અનુભવ અને ઓબ્ઝર્વેશનને આધારે બનાવી છે.

છેલ્લા એક વર્ષમાં સારા ડોકટરે જેટલા કોરોના પેશન્ટ જોયા હોય એટલા પેશન્ટ મેં પણ જોઇ લીધા છે. કુટુંબમાં પણ કોઇને કોરોના થાય તો એ મને પકડે છે. હું બધાને મદદ કરવાનો પ્રયાસ કરુ છું. પ્લાઝમા માટે એક વાંચકનો અમેરિકાથી ફોન આવ્યો, એમના બા જામનગર હતાં. તેમને મારા મિત્રની મદદથી મેં મદદ કરાવી હતી.

મારા ફાધરને ફેફસાની તકલીફ પણ હતી. તેમને હેવી કોરોના આવ્યો હતો.  સોૈ પહેલા તેમની આંખ લાલ થઇ ગઇ હતી, ઉધરસ આવવા મૉડી હતી. એ પછી અમને ખબર પડી કે મેડિકલ આસીસ્ટન્ટ તરીકે આવતાં વ્યકિતમાંથી આ સંક્રમણ આવ્યું હતું. 

મેં સોૈ પ્રથમ મારા મારા ફેમિલી ડોકટર  ચિરાગ માત્રાવડીયા કે જે સોૈરાષ્ટ્રની સાન જેવા છે તેમને ફોન કરી કહેતાં જ તેમણે મને પ્રોટોકોલ મોકલ્યો. જેમાં એન્ટી બાયોટીક, વિટામીન સી, તાવ ઉતારવાની દવા, ફેબી ફલુ સહિતની દવા હતી.  મારા મામા, તેમના દિકરા, વાઇફ સહિતને બીજે મોકલ્યા. પરંતુ હું અને મામી ઘરે જ રહ્યા. કારણ કે મારા પિતાને અમારે જમાડવા પડે, પથારીમાંથી ઉઠાડવા પડે. પહેલી દવાનો ડોઝ સવારે નવ વાગ્યે શરૂ કર્યો એ સાથે જ તેમને નબળાઇ જણાવા માંડી. એક સમય એવો પણ આવ્યો કે અમે બબ્બે રાત સુઇ ન શકયા. પરંતુ અમે મુંજાયા નહોતા, માસ્ક પહેરીને અમે એમને ઉંચકયા, સાવચેતી રાખી, ડર્યા નહોતાં.  એમને પોઝિટિવ હતો છતાં અમે તેમના સંપર્કમાં રહેતાં હતાં. સાબુથી હાથ ધોતા, માસ્ક પહેરતા, ૧૦ રૂપિયાની સાબુની ગોટીથી હાથ ધોવાની તસ્દી પણ લોકો લેતાં નથી. પણ હકિકતે આવી તકેદારી જ તમને બચાવી શકે છે. દર્દીને સાથે રહીને અમે તેમને સાજા કર્યા. કારણ કે માસ્ક-સેનીટાઇઝરનું અમે પાલન કર્યુ હતું.

મારા અનુભવથી મને એવું લાગ્યું કે હ્યુમન કેરથી મોટી કેર બીજી કોઇ નથી...દર્દીને જો આઇસોલેટ કરી દે તો તેમાં પરિચીત ચહેરા ન હોય, સ્પર્શ ન હોય, તમારી સંભાળ લે તેવું કોઇ ન હોય. એના કરતાં પરિચીતો દર્દીની નજર સામે જ હોય તો તે પણ એક થેરાપી છે. તે પણ કોરોનામાં દર્દીને જલ્દી સાજા થવામાં ઉપયોગી નીવડે છે. જય વસાવડાએ કહ્યું હતું કે વેકસીન એ જ વિકલ્પ છે. બધાએ વેકસીન લેવી ખુબ જ જરૂરી છે.

એ પછી વિરલ રાચ્છે વર્સેટાઇલ ગુજરાતી ગાયીકા હિમાલી વ્યાસ નાયક પોતે સંક્રમિત થયા ત્યારે શું કર્યુ? તેનો અનુભવ શું કહે છે? તે વિશે પુછતાં હિમાલી વ્યાસ નાયકે કહ્યું હતું કે-અમે એક ચાન્સ લીધો હતો, અમુક સમય પછી બધા કેરલેસ થઇ ગયા હતા. હું અને ચિંતન ફરવાના ખુબ શોખીન. ચિંતનને પહાડોમાં ફરવું ખુબ ગમે છે. જેથી અમે સિક્કીમ નોર્થ ઇસ્ટ. નાના ગ્રુપ સાથે ગયા. માત્ર દસ-પંદર એકટીવ કેસ સિક્કીમમાં હતાં. જેથી અમને હતું કે નહિ વાંધો આવે. અમે બધુ ખુબ કુદરતી જગ્યાઓ કે જે પોતે જ કવોરન્ટાઇન જેવી છે.

ટૂર પુરી કરી અમે પાછા આવવા એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ફલાઇટ મોડી થઇ હતી. એ કારણે એરપોર્ટ પર ખુબ વધુ પ્રમાણમાં લોકો એકઠા થઇ ગયા હતાં. મને  ત્યાંથી ઇન્ફેકશન લાગ્યું. સ્મેલ અને ટેસ્ટ સો ટકા જતાં રહ્યા ને ખબર પડી કે આરટીપીસીઆર કરાવવા પડશે. જે પોઝિટિવ આવ્યો. હું, બ્રધર ઇન લો અને ચિંતન કવોરન્ટાઇન થઇ ગયા. પરંતુ ચિંતનનો વેકસીનનો ફર્સ્ટ ડોઝ એણે થોડા દિવસો પહેલા જ લીધો હોઇ તે સંક્રમિત થયો નહોતો. અમારા ફેમીલી ડોકટરની મદદથી સારવાર ચાલુ થઇ. દવાઓ આપી. ખુબ સપોર્ટ ચિંતને બે પેશન્ટ સાચવ્યા, ખુબ કાળજી. રસોઇ બનાવવાથી માંડી  ઘરના તમામ કામ. અમે પોત પોતાના રૂમમાં હતાં.

હિમાલીએ કહ્યું કોરોના થયો ત્યારે હું હતાશ નહોતી થઇ, બીજા ખોટા વિચારો નહોતી આવવા દેતી. સંજયભાઇના નાટકો, જયભાઇના વકતવ્યની સતત લીંક આવતી હતી એ જોતી હતી. સારી ફિલ્મો જોઇ. ખુબ પ્રેરણા મળતી. વાંચન પણ ખુબ રાખ્યું...ખુબ સારી બૂક વાંચી. મારી બહેને આપી હતી. દસ જ દિવસમાં સિમ્પટન  પુરા થયા હતાં. ૩૨ વર્ષની જિંદગીમાં મેં કદી પણ મારી હેલ્થ પર ધ્યાન નહોતું આપ્યું. એટલુ ધ્યાન મેં આ દિવસોમાં આપ્યું હતું. મારી બહેન યોગા ટ્રેનર છે તેની મદદથી યોગા પણ રેગ્યુલર કર્યા, જેના કારણે ઓકિસજન ડાઉન ન થયું. રિકવરી ફાસ્ટ થઇ.

પરિવારજનો મમ્મી, પપ્પા, ચિંતન સહિત સતત મને મદદરૂપ થયા. નવા પ્રોજેકટ પર પણ વિચાર કરતી હતી. સાજા થતાં જ ફરી કામ પણ શરૂ કર્યુ હતું. આવતા દિવસોમાં શું કરવું એનો સતત વિચાર કરતી હતી, હવે શું કરવું તે વિચારીને સમય પસાર કરતી હતી. ખુબ સંગીત સાંભળ્યું.ં ચાર દિવાલોની અદર એ બધુ થઇ શકયું જે સામાન્ય દિવસોમાં નહોતું થઇ શકતું.

એક મિત્રએ ખુબ સારી વાત કરી કે ફ્રન્ટલાઇન કોરોના વર્કર ડોકટર્સ-નર્સિંગ સ્ટાફ એમ બધાના આપણે ખુબ આભારી છે. તો કલાકારોએ પણ થર્ડ લાઇન કોરોના વોરીયરનું કામ કર્યુ છે. કોવિડ જ્યારથી શરૂ થયો ત્યારથી લોકોને ઘરે બેસાડી રાખવામાં મનોરંજન આપવામાં કલાકારોનો પણ મોટો ફાળો છે.

હિમાલી કહે છે હાલના સમયમાં તમે ઘરે બેસીની મદદ કરી શકો. એનજીઓ, સંસ્થાઓને પણ મદદ કરી શકો. ઓકિસજન સિલિન્ડર, ભોજન પહોંચાડતી સંસ્થાઓને તમે મદદ કરી શકો. યુવાનો કે જે સંક્રમિત થયા પછી સાજા થયા હોય તેણે ચોક્કસ પણે પ્લાઝમા ડોનેટ અને રકત દાન કરવા જોઇએ.

વિરલ રાચ્છે ગોષ્ઠી આગળ વધારતાં શ્રી સંજય ગોરડીયાને પુછ્યું હતું કે-કલાકાર-નિર્માતા તરીકે ભવિષ્ય કેવું લાગે છે? આગામી સમય માટે તૈયારી કેવી રીતે કરો છો?

જવાબમાં સંજય ગોરડીયાએ કહ્યું હતું કે-આવનારા વખતમાં નાટકો વધુ સારા બનશે, સારા બનાવવા જ પડશે. કારણ કે જે સોશિયલ ગ્રુપો છે એ અમુક પ્રકારના ટીપીકલ નાટકો જોવા ટેવાયેલા હોય છે. હવે પછી સોશિયલ ગ્રુપો ઓછા થઇ જશે. એટલે નિર્માતા, દિગ્દર્શક, કલાકારોએ વધુ મહેનત કરવી પડશે. મેં ત્રણ નાટકોની વાર્તા કોરોનાકાળમાં ઘડી કાઢી છે. આ નાટકો કેવા હશે, રૂપરંગ શું હશે? તેની સતત મારી જાત સાથે ચર્ચા કરુ છું. લોકડાઉન ખુલે એ સાથે નાટકો રજૂ કરવાના છે. સોૈથી મહત્વની વાત એ છે કે ખુશ રહો. ભવિષ્યમાં શું થશે? કંઇક થયું તો? આવુ બધુ વિચારો નહિ, આગળ બધુ સારુ જ થવાનું છે એમ વિચારો. મને પણ આવા વિચારો આવે છે. પરંતુ હું એમ વિચારુ છું કે આગળનું ભવિષ્ય વધુ સારુ છે. આજનો દિવસ ખુશ રહો, બીજાને ખુશ રાખો. તો તમે કોરોનામાં પણ સારા રહી શકશો.

જય વસાવડાએ કહ્યુંહતું કે-અત્યારે બધુ સ્ટોપ છે, નોર્મલ થતાં ખુબ સમય લાગશે. હજુ ઘણો સમય લાગશે. પહેલા જેવું નોર્મલ થતાં બે અઢી વર્ષ થશે. દુનિયા બદલાશે, ડિજીટલ એન્ટરટેઇનમેન્ટનો વ્યાપ વધશે. ઝડપથી ટોળે વળવાના દ્રશ્યોમાં સમય લાગશે. આખા વર્લ્ડમાં ઓનલાઇન કામ વધશે. એજ્યુકેશનના ફંડા બદલાઇ જશે. પરિક્ષાઓમાં ઓનલાઇન વધશે. ઘણું બદલાશે. આજે કવોરન્ટાઇન શબ્દ ગુજરાતીઓના મોઢે ચડી ગયો. ઝડપી લાઇફ જલ્દી પાછી નહિ આવે. જિંદગીમાં જે પરિસ્થિતિ આવે તેનો ઉપયોગ કરવો પડે. હું બહારનું બહુ ખાતો હવે ઘરનું બહુ ભાવે છે. મારું અગિયાર કિલો વજન ઘટાડ્યું છે.

છેલ્લે વિરલ રાચ્છે ગુજરાત્રી ટીમના નિમિષભાઇ ગણાત્રા, હિરેન સુબા અને મિલિન્દ ગઢવી વતી ત્રણેય મહાનુભવોનો આભાર માની ફરી નવી હસ્તીઓની સાથે અકિલા ડિજીટલ પર ઝડપથી પાછા આવશે તેમ જણાવી 'દિલમાં અજવાસ છે' કાર્યક્રમનું સમાપન કર્યુ હતું.

૧૮ વર્ષની ઉપરના યુવાનો વેકસીન લેવા જાય ત્યારે ખાસ તકેદારી રાખેઃ સંજય ગોરડીયા

કલાકાર સંજયભાઇ ગોરડીયાએ કહ્યું હતું કે-ગુજરાતમાં ૧૮ ઉપરનાનું વેકસીનેશન ચાલુ થયું છે. પણ તકલીફ છે કે વેકસીનેશનના સ્થળે સોશિયલ ડિસ્ટન્સ પળાતું નથી. બે માસ્ક અને ફેસ શીલ્ડ પહેરો. જો તમે વેકસીનેશનના સ્થળે બેદરકાર રહેશો તો વેકસીનની સાથે કોરોના પણ ઘરે લઇને આવશો.. કોરોના થયો હતો તો હોમ આઇસોલેશનમાં ઢીલા ન પડી જતાં. મોળા નહિ પડવાનું, ડિપ્રેશ નહિ થવાનું, જે ગમે તે કરો...૧૪ દિવસ મારા કયાં નીકળી ગયા એ ખબર ન પડી.

મેં પણ પ્લાઝમા ડોનેટ કર્યુ છે, તમે પણ કરજોઃ વેકસીન લેતાં પહેલા રકતદાન અચુક કરજોઃ વિરલ રાચ્છ

.વિરલ રાચ્છે કાર્યક્રમના સમાપન વખતે જણાવ્યું હતું કે-હિમાલીબેન, સંજયભાઇ અને જયભાઇએ પોતાના અનુભવને આધારે કહ્યું છે કે જીવન પ્રત્યેનો અભિગમ રાખો, સિરીયસ રહીને પણ ખુશ રહો. પોઝિટિવિટીને મહત્વ આપો. અકિલાના માધ્યમથી હું કહીશ કે પ્લાઝમા ડોનેટ કરો...મેં પણ કર્યુ છે. વેકસીલેશન પહેલા પ્લાઝમા ડોનેટ કરો, બ્લડ ડોનેટ પણ કરી દો. જાગૃત નાગરિક તરીકે સજાગ રહો. ગુજરાતના સ્થાપના દિવસના રોજ પોતાના ક્ષેત્રમાં ખુબ સારું કામ કરી ચુકેલા ત્રણ મહાનુભાવોનો હેતુ એ જ હતો કે કોરોના દરેકને થાય છે, એનાથી ડરી જવું નહિ પણ સાવચેત ચોક્કસ રહેવું. આપત્તી આવી પડે તો કઇ રીતે તેને જોવી એ આ ત્રણેયએ જણાવ્યું છે, સમજાવ્યું છે.

(2:30 pm IST)