Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

જમ્મુ અને કાશ્મીરમાં કોરોના બેલગામઃ શ્રીનગર રેડ ઝોનમાં: તમામ જીલ્લા ઓરેન્જ કેટેગરીમાં: કાશ્મીરમાં કુલ ૨૦ હજાર અને જમ્મુમાં ૧૨ હજાર કોરોના કેસોઃ સ્થિતિ બેકાબુ

જમ્મુ : કોરોનાને કારણે જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ વધુ પડતી બગડતી જાય છે. મૃત્યુના આંકડાઓ તમામ જીલ્લામાં વધતા જતાં હોય એક પણ જીલ્લો હવે ગ્રીન કેટેગરીમાં નથી. શ્રીનગર જીલ્લાને તો રેડ કેટેગરીમાં રાખવામાં આવેલ છે. અહિં કોરોના સંક્રમીતો અને કોરોના મૃત્યુની સંખ્યા સૌથી ટોચ ઉપર છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત રાજયના પ્રવેશદ્વાર કઠુઆના લખનપુર અને જવાહર ટનલ વિસ્તારોને પણ રેડ ઝોન જાહેર કરી દેવામાં આવેલ છે. તમામ જીલ્લાઓને ઓરેન્જ કેટેગરીમાં નાખવામાં આવેલ છે, કારણ કે કોરોનાના કેસ અટકવાનું નામ નથી લેતા. અત્યારે કાશ્મીરમાં ૨૦ હજાર અને જમ્મુ ક્ષેત્રમાં ૧૨ હજાર કોરોના પોઝીટીવ કેસો છે. મૃત્યુની સંખ્યા જોઈએ તો કાશ્મીરમાં ૧૪૨૪ અને જમ્મુ ક્ષેત્રમાં ૯૪૬ સહિત ૨૩૭૦ મૃત્યુ થયા છે. જેમાં શ્રીનગર જીલ્લો ૫૫૩ મોત સાથે પ્રથમ નંબરે છે. બીજા નંબરે જમ્મુમાં ૫૧૦ મૃત્યુ થયા છે. દરરોજ કોરોનાની બીજી લહેરમાં ૨૫ થી ૩૫ લોકોના મોત થઈ રહ્યા છે. શનિ અને રવિવારે એક  જ દિવસમાં ૪૭ અને ૪૧ મૃત્યુ નોંધાયા છે. જેને કાબુમાં લેવા કોરોના કર્ફયુ સતત વધારવામાં આવી રહ્યો છે, પરંતુ સ્થિતિ બેકાબુ બનતી જાય છે.

(12:54 pm IST)