Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

કોરોનાની બીજી લહેર છતાં ભયાનક સ્થિતિ છતાં વૈષ્ણોદેવી યાત્રા ચાલુ : સરકારની આકરી ઝાટકણી : યાત્રાળુઓને લીધે કોરોનાના કેસોમાં ૩૫% વધારો : સ્થિતિ સ્ફોટક

જમ્મુ : ૨૦૨૦ની સાલમાં જેટલા શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવીની યાત્રા ઉપર આવ્યા હતા તેટલા આ વર્ષના પ્રથમ ૪ મહિનામાં આવી ચૂકયા છે. તેનાથી મોટો પ્રશ્ન સર્જાયો છે કે આ વર્ષે કોરોનાની બીજી લહેર અને ભયાનક સ્થિતિ હોવા છતા વૈષ્ણોદેવી યાત્રા ચાલુ રાખવા પાછળનો ઈરાદો શું છે? સરકાર ઉપર આ નિર્ણયને લઈને આકરી ઝાટકણીઓ કાઢવામાં આવી રહી છે. જો કે કોરોનાની બીજી લહેર શરૂ થતા વૈષ્ણોદેવી યાત્રામાં દરરોજના ૨૦ હજાર યાત્રાળુઓને બદલે ૨૦૦ થી ૫૦૦ યાત્રાળુઓ માત્ર આવી રહ્યા છે. યાત્રામાં આવનારાઓમાં જમ્મુથી બહારથી આવનારાઓની સંખ્યા નહિવત છે. કારણ કે કટરા સુધી આવતી રેલ્વે ટ્રેનો ખાલી ખમ આવી રહી છે. લખનપુરમાં કોરોનાના સખત પ્રતિબંધો હોય કોઈ જોખમ લેવા કરતા નથી. સત્તાવાર રીતે વૈષ્ણોદેવી યાત્રા ચાલુ રાખવા માટે બોર્ડના કર્મચારીઓ સહિત ૪ થી ૫ હજાર લોકો દિવસ - રાત ડ્યુટી ઉપર છે. તેમાંથી અનેકને કોરોના વળગી ચૂકયો છે. જેમાં સુરક્ષા કર્મીઓ પણ સામેલ છે. આ ઉપરાંત ઘોડા અને ડોલીવાળાઓની સંખ્યા અલગ છે. કટરાનો વેપારી વર્ગ યાત્રાળુઓની ઓછી સંખ્યાથી હેરાન - પરેશાન છે. કોરોનાની બીજી લહેર દરમિયાન જમ્મુ કાશ્મીરમાં ૩૫% બનાવોમાં વૈષ્ણોદેવીની યાત્રા ઉપર આવનારા શ્રદ્ધાળુઓ અને ટુરીસ્ટોના હોવાનુ બહાર આવ્યુ છે. વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના એડી. સીઈઓ વિવેક વર્માએ કહ્યું છે કે યાત્રા સ્થગિત કરવા માટે તેમને કોઈ જ હુકમો મળ્યા નથી એટલે સરકાર ઈચ્છશે ત્યાં સુધી યાત્રા ચાલુ રહેશે.

(12:54 pm IST)