Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

અમેરિકાથી સવા લાખ રેમડેસિવિર લઈને વિમાન અને જર્મનીથી ચાર ઓક્સિજન ટેન્કર ભારત પહોંચ્યા

450 ઓક્સિજન સિલિન્ડરને બ્રિટનથી એરલિફ્ટ કરીને ચેન્નાઈ એરબેસ પર પહોંચ્યા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર યથાવત છે. કોરોનાના વધતા જતા કેસો અને ઓક્સિજન તથા અન્ય આરોગ્ય સામગ્રીના અભાવને કારણે સંકટ વધી ગયું છે. ભારતમાં કોરોનાના નવા કેસો ચાર લાખને પાર કરી ગયા છે. આવી સ્થિતિમાં વિદેશી દેશો તરફથી ભારતને મદદ મોકલવામાં આવી રહી છે.

આ અંતર્ગત અમેરિકા તરફથી મોકલવામાં આવેલ રેમડેસિવિર ઈન્જેક્શનની 125,000 શીશીઓ સોમવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચી. આ પુરવઠાથી રેમડેસિવિરની અછતને પહોંચી વળવા થોડી મદદ મળશે. કોરોના વાયરસ સંકટની વચ્ચે ઓક્સિજનની આપૂર્તિ માટે ભારતીય વાયુસેનાએ સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે.

ભારતીય વાયુસેનાના સી-17 એરક્રાફ્ટે 4 ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કરને જર્મનીથી એરલિફ્ટ કરીને હિંડન એરબેસ પર પહોંચાડ્યા છે. આ ઉપરાંત 450 ઓક્સિજન સિલિન્ડરને બ્રિટનથી એરલિફ્ટ કરીને ચેન્નાઈ એરબેસ પર પહોંચાડ્યા છે. ભારતીય વાયુસેનાએ આ અંગે માહિતી આપી છે.

(11:12 am IST)