Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

કોરોનાથી ધંધા-રોજગાર ઠપ : દવાવાળાને લોટરી

સમય બદલાયો તો સ્ટોરમાં ધૂળ ખાતી મેડિકલ સામગ્રીના કાળાબજાર પણ થવા માંડ્યા : સવા વર્ષમાં મેડિકલ સ્ટોર્સનો બિઝનેસ ૫ ગણો વધ્યો, ઇન હાઉસ મેડિકલ સ્ટોર્સને તો ચાંદી જ ચાંદી

નવી દિલ્હી,તા. ૩: 'જો ના દેતે થે કભી જવાબ... ઉનકે સલામ આને લગે... જરા સા વકત કયા બદલા... નીમ પે ભી આમ આને લગે... '. સમયચક્રનું મહત્ત્વ સમજાવતી ઉપરોકત ઉકિત વ્યકિતના ખરાબ સમયમાંથી સારો સમય આવે ત્યારે જીવનમાં કેવો-કેવો બદલાવ આવે છે તેનો મર્મ સમજાવે છે. હાલના કોરોનાકાળમાં તમામ વેપાર-ધંધા ઠપ થઇ ગયા છે. સવા વર્ષથી ચાલી રહેલી મહામારીને કારણે સામાન્ય વર્ગને માથે હાથ દઇ રોવાનો વખત આવ્યો છે. ચોમેર ધંધા-રોજગાર બેહાલની સ્થિતિ છે ત્યારે મેડિકલ સ્ટોર્સવાળાને તો જેકપોટ લાગી ગયો છે.

કોરોનાની કપરી સ્થિતિમાં કેટલીક દવા સહિત મેડિકલ સામગ્રીની રાતોરાત ડિમાન્ડ ઊભી થઇ છે. જે ચીજવસ્તુ દુકાનમાં લાંબા સમય સુધી ધૂળ ખાતી હતી તે આજે ચપોચપ વેચાઇ રહી છે. સેનિટાઇઝર, આિેકસમીટર કે થર્મલ ગનની વાત કરીએ તો આ મેડિકલ સામગ્રી એક મેડિકલ સ્ટોરમાંથી મહિને માંડ બે-પાંચ વેચાતી હતી, તેની આજે એવી ડિમાન્ડ ઊભી થઇ છે દુકાનોમાં સ્ટોક ખૂટી પડયો છે. વર્ષે માંડ ૨-૫ વેચાતી દવા કે સામગ્રી આજે રોજની ૧૦-૨૦ વેચાઇ રહી છે. કેટલાક તકસાધુઓ કાળાબજારમાં ર-૫ ગણા ભાવે આ વસ્તુઓ વેચી રોકડી પણ કરી રહ્યા છે. આવી તો અનેક મેડિકલ સામગ્રી-દવા છે કે જેને ખરીદવા લોકોના કેમિસ્ટ્સના ત્યા લાઇન લાગી રહી છે. આમ, વેપાર-ધંધાની કફોડી હાલત વચ્ચે કેમિસ્ટ્સને લોટરી લાગી ગઇ છે. સવા વર્ષમાં સૌથી વધુ ભીડ દવાની દુકાનો બહાર જ જોવા મળી છે. જેને કારણે કેમિસ્ટ્સ કહો કે ફાર્માસિટ્સનો ધંધો ર-૫ ગણો વધી ગયો હોવાનું જાણવા મળે છે. તેમાંય હોસ્પિટલો સાથે સંકળાયેલા એટલે કે ઇન હાઉસ મેડિકલ સ્ટોર્સને તો જબ્બર જેકપોટ લાગ્યો છે. સામાન્ય મેડિકલ સ્ટોર્સ કરતા ઇન હાઉસ મેડિકલ સ્ટોર્સને કોરોનાકાળમાં બખ્ખાં થઇ ગયા હોવાનું જાણકારોનું કહેવું છે. (૨૨.૮)

આ સામગ્રીની ડિમાન્ડ

. માસ્ક . સેનિટાઇઝર . ગ્લોવ્ઝ . પલ્સ . ઓકિસમીટર . થર્મલ ગન . બાફ મશીન . ટોસિલીઝુમાબ . પીપીઇ કિટ . ફ્રેશ સિલ્ડ . રેમડેસિવિર . વિટામીન - સીની દવાઓ . મેથિલીન બ્લ્યુ . ઇમ્યુનીટી વધારતી દવા . સંશમની વટી

નામ ન સાંભળ્યુ તે જરૂરિયાત બની ગઇ

કોરોનાએ લોકોની  જીવનશૈલી બદલી નાખે છે. સવારે ઉઠીને ચા-નાસ્તા પહેલા લોકો બાફ કે ઇમ્યુનિટી વધારે તેવી દવા ખાતા થઇ ગયા છે. રાતે સુતા પહેલાં ઓકિસમીટરમાં ઓકિસજન લેવલ ચેક કરતા થઇ ગયા છે આ બદલાવ વચ્ચે જે વસ્તુનું નામ લોકોએ જિંદગીમાં કયારેય સાંભળ્યુ ન હતુ તે આજે દરેક ઘરની જીવનજરૂરિયાતની ચીજ બની ગઇ છે. સેનિટાઇઝર, ઓકિસમીટર, થર્મલ ગન, માસ્ક આજના કપરા સમયમાં દરેક ઘર-ઓફિસની અતિ જરૂરી ચીજ બની છે

માનવતાથી વેચાણ કરવું

ઇમ્યુનિટી વધારતી દવા, માસ્ક, સેનિટાઇઝ, ઓકિસમીટરની ડિમાન્ડ ખૂબ જ વધી ગઇ છે. આ સમયમાં કેમિસ્ટોએ લોકોની મજબુરી સમજી ધંધાકીય વૃતિ દાખવવાને બદલે માનવતાના ધોરણે નહિ નફો નહિ નુકસાનના ધોરણે વેચાણ કરવું જોઇએ.

-ભીખા સાકરિયા

(સેક્રેટરી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન)

(11:07 am IST)