Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

કોરોનાનો કોહરામ યથાવત

૨૪ કલાકમાં ૩.૬૮ લાખ કેસઃ ૩૪૧૭ના મોત

૩૪ લાખથી વધુ સક્રિય કેસઃ કુલ મોત ૨૧૮૯૫૯

નવી દિલ્હી, તા.૩: દેશમાં કોરોનાની બીજી લહેર એ કોહરામ મચાવી દીધો છે. સ્થિતિ એવી છે કે છેલ્લા ૧૨ દિવસથી સતત ત્રણ લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. એક દિવસે તો કોરોનાનો આ આંકડો ૪ લાખને પાર પણ પહોંચી ગયો હતો. સોમવારે જાહેર થયેલા આંકડાઓમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા અને મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં સામાન્ય દ્યટાડો નોંધાયો છે.

 કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩,૬૮,૧૪૭ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૩,૪૧૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૯૯,૨૫,૬૦૪ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૧૫,૭૧,૯૮,૨૦૭ લોકોને કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે

બીજી તરફ, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૬૨ લાખ ૯૩ હજાર લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૩,૦૦,૭૩૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૩૪,૧૩,૬૪૨ એકિટવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૨,૧૮,૯૫૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

 કોરોના સેમ્પલ ટેસ્ટિંગની વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨ મે સુધીમાં ભારતમાં કુલ ૨૯,૧૬,૪૭,૦૩૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે રવિવારના ૨૪ કલાકમાં ૧૫,૦૪,૬૯૮ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

(10:59 am IST)