Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

પશ્ચિમ બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે TMCની જીતનો શ્રેય મમતા આપ્યો

બંગાળ ચૂંટણી અંગે વિજય વર્ગીયની પ્રતિક્રિયા : સંગઠનમાં કમી રહી ગઈ કે ચહેરાનો અભાવ રહી ગયો, અમે જોશું ક્યાં ભૂલ થઈ છે : પરિણામ ઉપર મંથન કરીશું

કોલકત્તા, તા. : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીની જંગી બહુમતીથી વાપસી થઈ રહી છે. વચ્ચે ભાજપના મહાસચિવ અને પશ્ચિમ બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે રવિવારે ચૂંટણી પરિણામમાં ટીએમસીની શાનદાર જીતનો શ્રેય મુખ્યમંત્રી મમતા બેનર્જીને આપ્યો અને કહ્યું કે, તેમની પાર્ટી પરિણામ પર આત્મમંથન કરશે.

ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં સારા પરિણામની આશા હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક કેન્દ્રીય નેતાઓએ ત્યાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. પરંતુ આજે આવેલા પરિણામમાં મમતા બેનર્જીની પાર્ટી ૨૧૬ સીટો પર આગળ છે તો ભાજપને માત્ર ૭૫ સીટો મળી રહી છે. અંગે કૈલાશ વિજયવર્ગીયે કહ્યુ કે, અમિત શાહે તેમને ફોન કરી પાર્ટીના ખરાબ પ્રદર્શન વિશે જાણકારી લીધી છે. ભાજપના અનેક મોટા નેતાઓ પણ પાછળ ચાલી રહ્યાં છે.

વિજયવર્ગીયે કહ્યુ, તૃણમૂલ કોંગ્રેસ મમતા બેનર્જીને કારણે જીતી. એવુ લાગી રહ્યું છે કે લોકોએ દીદીને પસંદ કર્યા. ક્યાં ભૂલ થઈ, અમે તેની સમીક્ષા કરીશું. શું કોઈ સંગઠનમાં કમી રહી ગઈ કે ચહેરાનો અભાવ રહી ગયો કે આંતરિક-બાહરી વિવાદ, અમે જોશું ક્યાં ભૂલ થઈ છે. ટીએમસીએ મમતા બેનર્જીની આગેવાનીમાં સતત ત્રીજીવાર રાજ્યની સત્તા કબજે કરી છે. ૨૦૧૧માં પ્રથમવાર મમતા બેનર્જી મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ ૨૦૧૬માં ૨૦૦થી વધુ સીટો જીતી સત્તામાં વાપસી કરી હતી. હવે ૨૦૨૧માં સતત ત્રીજીવાર મમતા બેનર્જી રાજ્યના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે.

(12:00 am IST)