Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ગુરૂદેવ ચિત્રભાનુજીનું ૧૯ એપ્રિલ ૨૦૧૯ના રોજ ૯૭ વર્ષની વયે દેહાવસાનઃ જૈન ધર્મના પ્રચાર માટે દરિયાપાર જનારા સૌપ્રથમ જૈન સાધુ તરીકે પ્રખ્યાત હતાઃ અમેરિકામાં ૪૦ જેટલા જૈન સેન્ટરના સ્થાપક ગુરૂદેવ ચિત્રભાનુજીએ ૧૯૭૧ની સાલમાં સાધુપદનો ત્યાગ કરી પ્રમોદાબેન સાથે ગાંધર્વ લગ્ન કર્યા હતાઃ હિટ સ્પીકર તરીકે સન્માનિત કરાયા હતા તથા અહિંસા એવોર્ડ અપાયો હતોઃ અનેક લોકોને માંસાહારનો ત્યાગ કરી શાકાહારી બનાવ્યા હતા

ન્યુયોર્કઃ સખેદ જણાવવાનું કે ગુરૂદેવ ચિત્રભાનુજીએ ૧૯ એપ્રિલ ૨૦૧૯ના રોજ વહેલી સવારે ૯૭ વર્ષની વયે નશ્વર દેહનો ત્યાગ કર્યો છે. આ સમયે તેમના નિવાસ સ્થાને તેઓ પરિવારજનોથી ઘેરાયેલા હતા.

જૈનોમાં ખૂબ પ્રિય ગણાતા ''મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું'' ગીતના તેઓ રચયિતા હતા. અમુક લોકો તેમને શ્રી ચંદ્રપ્રભ સાગરજી મહારાજ તરીકે ઓળખતા હતા. તથા તેઓ જૈન ધર્મના પ્રચાર માટે દરિયાપાર જનારા જૈન સાધુ તરીકે પ્રખ્યાત હતા.

આગળ જતા તેમણે સાધુપણાનો ત્યાગ કરી પરિવાર જીવન શરૂ કર્યુ હતું.

તેમનો જન્મ રર જુલાઇ ૧૯૨૨ના રોજ રાજસ્થાનમાં થયો હતો. તેમના માતા-પિતાનું નામ છોગાલાલજી અને ચુનીબાઇ હતું. તેમનું બાળપણનું નામ રૂપરાજેન્દ્ર હતું. ૪ વર્ષની વયે તેમના માતુશ્રીનું ૧૧ વર્ષની વયે તેમના બહેનનું તથા ૧૯ વર્ષની વયે અંગત મિત્રનું અવસાન થતાં તેમના જીવનમાં પરિવર્તન આવ્યું  હતું. તેથી આગળ જતા તેઓ વૈરાગી બની ગયા હતા. તેમણે શ્રી અરવિંદો તથા શ્રીરમણ મહર્ષિ પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. તેમજ સુભાષ ચંદ્ર બોઝ તથા મહાત્મા ગાંધી સાથે સ્વાતંત્ર્ય ચળવળમાં પણ ઝંપલાવ્યું હતું. પરંતુ બાદમાં તેમના જીવનમાં આધ્યાત્મિક પરિવર્તન આવતા ૨૦ વર્ષની વયે પિતાજીની આજ્ઞા લઇ દિક્ષા લીધી હતી. તથા ત્યારપછીના થોડા માસમાં તેમના પિતાશ્રીએ પણ દિક્ષા લીધી હતી. તથા બંનેએ ૧૮ વર્ષ સુધી ભ્રમણ કર્યુ હતું. તથા જૈન ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. તથા મહાવીર સ્વામીનો ઉપદેશનો પ્રચાર તથા પ્રસાર કર્યો હતો. તથા જીનીવા, ફ્રાંસ, યુ.કે. અમેરિકા સહિત દેશ વિદેશોમાં જૈન ધર્મનો પ્રચાર કર્યો હતો.

૧૯૭૧ની સાલની શરૂઆતમાં તેમણે સાધુપણું છોડી દઇ સુશ્રી પ્રમોદાબેન સાથે ગાંધર્વ લગ્ન કર્યા હતા. તેઓ હિટ સ્પીકરતરીકે સુવિખ્યાત હતા. તેમણે અમેરિકામાં ૪૦ જૈન સેન્ટરની સ્થાપના કરી હતી. જેના ૧ લાખ ઉપરાંત અનુયાયીઓ છે. તેમણે અનેક લોકોને માંસાહાર મુકાવી શાકાહારી બનાવ્યા હતા.

તેમને તથા પ્રમોદાબેનને ૨૦૧૪ની સાલમાં અહિંસા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. જુન ૨૦૧૮માંજૈન સોસાયટી ઓફ શિકાગોએ તેમનું બહુમાન કર્યુ હતું. તથા તેમના જીવંત સ્મારકનું નિર્માણ કર્યુ હતું. તેવું શ્રી દિલીપ વી શાહ ફિલાડેલ્ફિયાના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(9:05 pm IST)