Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ફાની વાવાઝોડુ : મમતાએ ૪૮ કલાક સુધી તમામ રેલીઓ રદ્દ કરી

કુદરતી આફતને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઝારખંડના ચૂંટણી પ્રવાસને એક દિવસ પાછળ ઠેલવી દેવામાં આવ્યો : હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શનિવારે ફાની વાવાઝોડું પશ્ચિમ બંગાળમાંથી પસાર થશે

કોલકાતા તા. ૩ : પશ્ચિમ બંગાળના વિસ્તારોને 'ફાની' વાવાઝોડું ધમરોળવા જઈ રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી મમતા બેનરજીએ આગામી ૪૮ કલાકની તમામ ચૂંટણી રેલીઓ રદ કરી નાખી છે. આગામી ૪૮ કલાક દરમિયાન મમતા બેનરજી ખડગપુરના કાંઠા વિસ્તારમાં રહીને પરિસ્થિતિ પર નજર રાખશે. મુખ્યમંત્રી આજે મેદીનીપુરમાં ચૂંટણી રેલીને સંબોધન કરવાના હતા.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શનિવારે ફાની વાવાઝોડું પશ્ચિમ બંગાળમાંથી પસાર થશે. કુદરતી આફતને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઝારખંડના ચૂંટણી પ્રવાસને એક દિવસ પાછળ ઠેલવી દેવામાં આવ્યો છે. જમશેદપુર ખાતે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની રેલી રદ કરી દેવામાં આવી છે. ખરાબ હવામાન અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઝારખંડની આજની ત્રણેય રેલીઓ રદ કરી નાખવામાં આવી છે.

કોલકાતા એરપોર્ટ પર આજ બપોરે ત્રણ વાગ્યાથી શુક્રવાર સવાર સુધી એક પણ ફલાઇટ ટેક ઓફ કે લેન્ડ નહીં કરે. કાંઠાના વિસ્તારોમાં એનડીઆરએફની ટીમોને તહેનાત કરી દેવામાં આવી છે. આ વિસ્તારમાંથી ૫૨ બાળકો સહિત હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હાવરા રેલવે સ્ટેશન પર આવતી અને જતી ૨૩૩ ટ્રેનને રદ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ફાની વાવાઝોડું આજે (શુક્રવારે) સવારે ઓડિશાના કાંઠા વિસ્તારોમાં ટકરાયું હતું. ફાની વાવાઝોડું કાંઠા વિસ્તારોમાં ટકરાયું ત્યારે તેની ઝડપ ૧૭૫ કિલોમીટર પ્રતિ કલાકની હતી.

(3:43 pm IST)