Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં હોમલોન સબસીડી પેટે ચુકવ્યા ૧૨૦૦૦ કરોડ

સરકાર ૨.૬૭ લાખની આપે છે સબસીડી

નવી દિલ્હી તા. ૩ : કેન્દ્ર સરકારની હોમ લોન પર સબસિડી આપવાની સ્કીમમાં અત્યાર સુધીમાં ૧૨,૦૦૦ કરોડ રુપિયાની ચૂકવણી કરી દેવાઈ છે. એક આરટીઆઈનો જવાબ આપતા શહેરી વિકાસ મંત્રાલયે જણાવ્યું છે કે માર્ચ ૨૦૧૯ સુધીમાં સરકાર દ્વારા આટલી રકમ લાભાર્થીઓને આપી દેવાઈ છે. આ સ્કીમમાં સરકાર પહેલું ઘર ખરીદનારાને લોનની રકમ પર સરકાર ૨.૬૭ લાખ રુપિયા સુધીની સબસિડી આપે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના પીએમ મોદી દ્વારા જૂન ૨૦૧૫ના રોજ શરૂ કરવામાં આવી હતી. ૨૦૨૨ સુધીમાં દરેક વ્યકિતને રહેવા માટે ઘર ઉપલબ્ધ કરાવવાના સરકારના મિશનના ભાગરુપે પોતાનું પહેલું ઘર ખરીદનારા લોકોને આ યોજનાનો લાભ અપાઈ રહ્યો છે. ક્રેડિટ લિંકડ સબસિડી સ્કીમ (CLSS) હેઠળ જે રકમ જમા થાય છે તેનાથી સીધી હોમ લોનની પ્રિન્સિપાલ અમાઉન્ટ બાદ થઈ જતી હોવાથી લોનધારક પર વ્યાજનો બોજ ઘટે છે.

આ યોજના અગાઉ ૩૧ માર્ચ ૨૦૧૯ના રોજ પૂરી થતી હતી. જોકે, સરકારે તેને એક વર્ષ માટે લંબાવી છે. તેનો લાભ મેળવવા માટે ઘરના દસ્તાવેજમાં મહિલા સભ્યનું નામ હોવું પણ જરુરી છે. હમણા સુધી આ સ્કીમનો લાભ લેવામાં ગુજરાતીઓ સૌથી આગળ હતા.

(3:38 pm IST)