Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

પ્રદૂષણ - ધૂળ - ધુમાડાથી તારા અદ્રશ્ય થઇ ગયા છે

શું તમે કદી રાત્રે ઉપર જોયું છે?

નવી દિલ્હી તા. ૩ : શું તમે આજકાલ કયારેય થોડી નવરાશની પળોમાં રાત્રે આકાશ જોયું છે. તમને ચળકતું આકાશ દેખાશે પરંતુ તારા કયાંય શોધ્યા નહીં જડે, જોકે આ શહેરના પ્રદૂષણ, ધૂળ કે ધુમાડાના કારણે નથી. પરંતુ રાત પડતા જ LED તેમજ એલોઝન લાઈટથી ઝળહળી ઉઠતા ગુજરાતના શહેરોના રસ્તાઓ, બિલ્ડિંગ્સ તેના માટે જવાબદાર છે. આવું તાજેતરમાં રજૂ કરવામાં આવેલ એક સંશોધન અભ્યાસમાં જાણવા મળ્યું છે.

એલ્સીવિઅર અર્બન કલાઈમેટ જર્નલના માર્ચ ૨૦૧૯ના ઈશ્યુમાં પબ્લિશ કરવામાં આવેલ એક રિસર્ચ અહેવાલ મુજબ ગુજરાત તેમજ અન્ય બે રાજયો પ.બંગાળ અને તામિલનાડુમાં પાછલા ૨ દાયકામાં નહીવતથી સૌથી વધુ લાઈટ પોલ્યુશનની સમસ્યા વધી છે. જયારે નવી દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટકા અને યુપીમાં પણ ખૂબ જ વધારે પ્રમાણમાં લાઈટ પોલ્યુશન નોંધાયું છે. આ લાઈટ પોલ્યુશન હાઈવે અને ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સમાં આવેલ એકબીજા સાથે જોડાયેલા ડોમ્સના કારણે લાઈટના કિરણો પરાવર્તિત થવાના કારણે થાય છે.

સંશોધકોના મતે શહેરીકરણ, ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ અને એર પોલ્યુશનના કારણે લાઈટ પોલ્યુશનમાં સતત વધારો થઈ રહ્યો છે. લેન્ડ એન્ડ વોટર રીસોર્સ મેનેજમેન્ટ(CLWRM)ના સૌરભ સિંહ અને સંશોધકોએ લાઈટ પોલ્યુશનના કારણે શહેરોમાં માનવ જીવન પર પડતી અસરો અંગે અભ્યાસ કર્યો છે.

સૌરભ સિંહે જણાવ્યું કે, 'લાઇટ પોલ્યુશનના કારણે આંખોમાં તણાવની સમસ્યા રહે છે અને લાંબા ગાળે દ્રષ્ટી પણ નબળી પડે છે.' જયારે નિશાચર પશુ-પક્ષીઓ પર અને તેમની સાયકોલોજી પર પણ લાઈટ પોલ્યુશન ખૂબ જ ઘેરી અસર કરે. ત્યાં સુધી કે કેટલીય જીવાત, પક્ષીઓ અને સરિસૃપોમાં થોડા એવા કૃત્રિમ પ્રકાશના કારણે તેમની કુદરતી પ્રકૃતિમાં નુકસાન થતું જોવા મળ્યું છે.

આ સંશોધન નવી દિલ્હી, JMIના નેચરલ સાયન્સ વિભાગની ફેકલ્ટી પવન કુમાર, સુફિયા રેહમાન, હારૂન સૌજાદ, તેમજ ત્રિવેન્દ્રમના નેશનલ સેન્ટર ફોર અર્થ સાયન્સ સ્ટડિઝના બિસ્મય ત્રિપાઠી અને કોસીના સેન્ટર ફોર લેન્ડ અને વોટર રીસોર્સ મેનેજમેન્ટના સૌરભ સિંહ અને મીનુ રેનિક દ્વારા કરવામાં આવ્યું છે.

(3:36 pm IST)