Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

હવે ભાજપના સત્તા લહેરના દાવાની આકરી કસોટી રહેશે

હવે ૧૬૮ સીટ પર મતદાન બાકી રહ્યું છે : જે ૧૬૮ સીટો પર મતદાન થનાર છે તે પૈકીની ભાજપની પાસે હાલમાં ૧૧૬ સીટ રહેલ છે : હેવાલમાં દાવો કરાયો

નવી દિલ્હી,તા. ૩: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના સત્તા પક્ષની તરફેણમાં લહેર છે કે કેમ તેને લઇને તેમના દાવાની હવે કસોટી થનાર છે. લોકસભા ચૂંટણીના ચાર તબક્કામાં મતદાન થઇ ચુક્યુ છે અને હવે ત્રણ તબક્કામાં મતદાન બાકી રહ્યુ છે. આવી સ્થિતીમાં ભારતીય જનતા પાર્ટીની કસોટી થનાર છે. હવે ૧૬૮ સીટ પર મતદાન બાકી રહ્યુ છે. જે પૈકી ૧૧૬ સીટ પર ભારતીય જનતા પાર્ટીનો કબજો રહેલો છે. આ સીટો મુખ્ય રીતે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઝારખંડ જેવા હિન્દી પટ્ટાના રાજ્યો સામેલ છે. ઉત્તરપ્રદેશમાં હજુ ૪૧ સીટ પર મતદાન બાકી છે. જ્યારે મધ્યપ્રદેશની ૨૩ અને બિહારની ૨૧ સીટ પર મતદાન બાકી છે. ભારતીય જનતા પાર્ટી આ વખતે બંગાળ અને ઓરિસ્સામાં પણ ઉલ્લેખનીય દેખાવ કરવા માટે તૈયાર છે. જ્યાં આગામી ત્રણ તબક્કામાં ૨૪ સીટ પર મતદાન થનાર છે. ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને પૂર્વાંચલમાં ખુબ સારી આશા દેખાઇ રહી છે. આ ક્ષેત્રમાં આજમગઢ, ઘોસી અને ગાજીપુરને છોડી દેવામાં આવે તો પશ્ચિમી ઉત્તરપ્રદેશની તુલનામાં લઘુમતિ મતદારોની સંખ્યા ઓછી છે. જો કે પૂર્વીય ઉત્તરપ્રદેશમાં લોકો જાતિ આધારિત મત આપે છે. જેમાં બસપા અને સપા ગઠબંધનને ફાયદો થઇ શકે છે. ઉત્તરપ્રદેશની જે ૪૧ સીટો પર મતદાન યોજાનાર છે ત્યાં ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી ચૂંટણીમાં માત્ર ત્રણ સીટો ગુમાવી હતી. જેમાં રાયબરેલી, અમેઠી અને આજમગઢનો સમાવેશ થાય છે. ચેોથા તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ ૩૭૩ સીટો ઉપર મતદાનની પ્રક્રિયા પરિપૂર્ણ થઇ ગઈ હતી.  ૧૧મી એપ્રિલના દિવસે પ્રથમ તબક્કામાં મતદાન યોજાયું હતું. ત્યારબાદ ૧૮મી એપ્રિલના દિવસે બીજા તબક્કામાં મતદાન યોજાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે  જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ.  ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે અને બીજા તબક્કામાં ૧૮મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થયુ હતુ. ૨૯મી એપ્રિલના દિવસે ચોથા ચોથા તબક્કામાં મતદાન બાદ પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થયુ હતુ. બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૯૫ સીટ પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી ૧૧૬ સીટ પર મતદાન થયુ હતુ. ચોથા તબક્કામાં નવ રાજ્યોને આવરી લેતી ૭૧ સીટ પર મતદાન થયુ હતુ.પાંચમા તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે.

 છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. અગાઉના ત્રણ તબક્કાની જેમ ચોથા તબક્કાના મતદાન વેળા પણ  તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી હતી.

(3:30 pm IST)