Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

GSTમાં ધરખમ ફેરફારો થવાની શકયતા

નવી સરકારની રચના થયા બાદ તરત જઃ જુનમાં મળશે GST કાઉન્સીલની ૩૫મી બેઠક

નવી દિલ્હી તા. ૩ : નવી સરકાર બન્યા પછી જીએસટીમાં કેટલાક જરૂરી ફેરફારો થઇ શકે છે. જીએસટી કાઉન્સીલના અધિકારીઓએ આ સંભવિત ફેરફારો પર વિચારમંથન ચાલુ કરી દીધું છે. માનવામાં આવે છે કે, જીએસટી કાઉન્સીલની આગામી બેઠકમાં આ ફેરફારો અંગેના પ્રસ્તાવો રજૂ થશે. સૂત્રો અનુસાર અર્થવ્યવસ્થાના વિભિન્ન ક્ષેત્રોના પ્રતિનિધિઓએ જીએસટીમાં ફેરફાર અંગે સૂચનો આપ્યા છે. આ ફેરફાર જીએસટીના નિયમોથી માંડીને કાયદા અંગેના છે. કાઉન્સીલની કાયદા સમિતિએ હાલમાં જ તેના પર વિચાર કર્યો છે. આવતા અઠવાડિયે પણ કાયદા સમિતિની બેઠક થવાની છે. જેમાં આ ફેરફારો પર વિચાર વિમર્શ થશે. કાઉન્સીલની આ સમિતિમાં કેન્દ્ર અને રાજ્યોના અધિકારીઓ શામેલ છે. સૂત્રોએ કહ્યું કે, આગામી સમયમાં જીએસટીમાં વિવાદ નિવારણ તંત્ર, મુનાફારોધી તંત્ર અને રીફંડની હાલની પ્રક્રિયામાં જરૂરી ફેરફારો થઇ શકે છે. આ વ્યવસ્થાને કરદાતાઓ માટે અનુ કૂળ બનાવી શકાય છે.  સૂત્રોએ કહ્યું કે, જીએસટી કાઉન્સીલની ૩૫મી બેઠક હવે નવી સરકાર બન્યા પછી જૂનમાં થશે. નવી સરકાર ભલે કોઇ પણ પક્ષની બને પણ જીએસટીની કાર્ય પધ્ધતિને સરળ બનાવવા માટે જરૂરી ફેરફાર થવાની આશા છે. સૂત્રોએ કહ્યું કે, ઉદ્યોગજગતના સૂચનોને અમલમાં મુકવા માટે સકર્યુલર બહાર પડી શકે છે. કેટલાક અન્ય મુદ્દા પર સરકાર ચોખવટ પણ કરી શકે છે.

(12:31 pm IST)