Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ઈન્ટર સ્ટેટ ઈ-વે બીલ્સના મામલે ગુજરાતનો ડંકોઃ દેશમાં પ્રથમ નંબર

૨૦૧૮-૧૯માં ગુજરાતે ૪.૩ કરોડ ઈન્ટર સ્ટેટ ઈ-વે બીલ્સ જનરેટ કર્યાઃ ગુજરાત પછી મહારાષ્ટ્ર, હરીયાણા, તામીલનાડુ અને કર્ણાટકનો ક્રમઃ ગુજરાત મેન્યુફેકચરીંગ હબ છેઃ કેમીકલ્સ, એન્જીનીયરીંગ ગુડસ, દવાઓ, ટેક્ષ ટાઈલ્સ, કૃષિ પ્રોડકટ, સિરામીક વગેરે દેશભરમાં સપ્લાય કરે છેઃ કુલ ૬.૭ કરોડ ઈ-વે બીલ્સ બન્યા જેમાં ૨.૪૭ કરોડ ઈન્ટ્રા સ્ટેટ ઈ-વે બીલ્સ હતા

નવી દિલ્હી, તા. ૩ :. એક વર્ષ પહેલા જ્યારે ઈલેકટ્રોનિક વે (ઈ-વે) બીલ સિસ્ટમ અમલમાં આવી ત્યાર પછી જ્યારે પણ ઈન્ટર સ્ટેટ ઈ-વે બીલ્સની વાત આવે ત્યારે ગુજરાતના ડંકા વાગે છે. ગુજરાતે ૨૦૧૮-૧૯માં ૪.૩ કરોડ ઈન્ટર સ્ટેટ ઈ-વે બીલ્સ જનરેટ કર્યા હતા. જે દેશમાં કોઈપણ રાજ્યએ જનરેટ કરેલા ઈ-વે બીલ્સ કરતા સૌથી વધુ છે, અર્થાત ગુજરાત આ મામલામાં દેશમાં સર્વ પ્રથમ છે. ગુજરાતના કોમર્શિયલ ટેક્ષ વિભાગે આ વિગતો આપી છે.

એપ્રિલ ૧, ૨૦૧૮ના રોજ આ સિસ્ટમનો પ્રારંભ થયો હતો. જેમાં કોઈપણ વેપારી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રૂ. ૫૦,૦૦૦થી વધુનો માલ મોકલે તો તેણે ઈ-વે બીલ પ્રોડયુસ કરવાનું હોય છે. ગુજરાતના કોમર્શિયલ ટેક્ષ વિભાગના સ્પેશ્યલ કમિશ્નર અજયકુમારના જણાવ્યા પ્રમાણે ગુજરાત મેન્યુફેકચરીંગ હબ છે. અહીંથી દેશના વિવિધ ભાગોમાં માલ રવાના થતો હોય છે. આ ઉપરાંત ગુજરાતના ઉદ્યોગો અન્ય રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં કાચો માલ પણ મંગાવતા હોય છે. આ બન્ને જરૂરીયાતોમાં ઉંચા પ્રમાણમાં ઈ-વે બીલ્સની જરૂરીયાત ઉભી થતી હોય છે.

ગુજરાત ચેમ્બરના પ્રમુખ જયમીન વસાના કહેવા મુજબ જીએસટી બાદ દેશભરમાં એક સરખા ટેક્ષ થઈ ગયા છે. જેને કારણે અહીં બનતી ચીજવસ્તુઓ માટે નવા બજારો ઉભા થયા છે. ઈ-વે બીલની આટલી મોટી સંખ્યા દર્શાવે છે કે ગુજરાતમા મેન્યુફેકચરીંગનુ પ્રમાણ વધ્યુ છે. કેમીકલ્સ, એન્જીનીયરીંગ ગુડસ, ફાર્મા, ટેક્ષટાઈલ્સ, કૃષિ પ્રોડકટ અને સિરામીક ગુજરાતમાંથી દેશના અન્ય ભાગોમાં સપ્લાય કરવામાં આવે છે.

માલની ઈન્ટર સ્ટેટ મુવમેન્ટ સિવાય ઈન્ટ્રા સ્ટેટ માટે પણ ઈ-વે બીલ્સ બનાવવાની જરૂર રહેતી હોય છે. ૨૦૧૮-૧૯માં ૬.૭ કરોડ ઈ-વે બીલ્સ જનરેટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૨.૪૭ કરોડ ઈન્ટ્રા સ્ટેટ ઈ-વે બીલ્સ હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના કોમર્શિયલ ટેક્ષ વિભાગે ૨૦૧૮-૧૯માં ૫૧૫૨ જેટલા વાહનો પાસેથી ટેક્ષ ચોરી અને પેનલ્ટી સ્વરૂપે રૂ. ૮૨.૧૫ કરોડ વસુલ્યા હતા. ૨૦૧૮-૧૯માં ગુજરાતે ૪.૩ કરોડ ઈન્ટર સ્ટેટ ઈ-વે બીલ્સ બનાવ્યા હતા તે પછી મહારાષ્ટ્રએ ૩.૬૪ કરોડ, હરીયાણાએ ૨.૩૩ કરોડ, તામીલનાડુએ ૨.૨ કરોડ અને કર્ણાટકે ૧.૫૭ કરોડ ઈ-વે બીલ્સ બનાવ્યા હતા.

(12:29 pm IST)