Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદી - અમિત શાહની સામે ફરિયાદ પર છઠ્ઠી સુધી નિર્ણય કરાશે

પંચને છઠ્ઠી સુધી નિર્ણય લેવા સુપ્રીમનો હુકમ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની સામે કોંગ્રેસ તરફથી કુલ ૧૧ ફરિયાદો હજુ સુધી કરાઈ જે પૈકીના બેમાં નિર્ણય લેવાયો

નવી દિલ્હી, તા. ૨ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહની સામે કોંગ્રેસની ફરિયાદો ઉપર સુપ્રીમ કોર્ટે છઠ્ઠી મે સુધી નિર્ણય લેવા માટે ચૂંટણી પંચને આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ચૂંટણી પંચ આચારસંહિતાના ભંગ સાથે જોડાયેલી મોદી અને અમિત શાહની સામે નવ ફરિયાદો પર નિર્ણય લઇ શકે છે. આ પહેલા ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, મોદી અને અમિત શાહની સામે કોંગ્રેસ તરફથી કુલ ૧૧ ફરિયાદો દાખલ કરવામાં આવી ચુકી છે જે પૈકી બે ઉપર નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. મંગળવારના દિવસે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ સાંસદ તરફથી મોદી અને અમિત શાહની સામે આચારસંહિતા ભંગની ફરિયાદ ઉપર ચૂંટણી પંચ પાસેથી જવાબની માંગ કરી હતી. કોર્ટે આના માટે આગામી સુનાવણીની તારીખ આજની નક્કી કરી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વમાં બેંચે કહ્યું હતું કે, ચૂંટણી પંચ આ અંગે નિર્ણય લેવાને લઇને બિલકુલ સ્વતંત્ર છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની સામે કથિતરીતે સેનાના રાજકીય ઉપયોગ અને હેટ સ્પીચ આપવાની કોંગ્રેસ ફરિયાદ કરી હતી. આના પર ચૂંટણી પંચ તરફથી નિર્ણયમાં વિલંબનો આક્ષેપ કરીને વાત કરી હતી. કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા વિલંબ કરવામાં આવી રહ્યો છે. આખરે કોંગ્રેસ પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી. આ પહેલા મંગળવારના દિવસે પંચે એક મામલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપી હતી. પંચે કહ્યું હતું કે, મોદીએ આચારસંહિતાનો કોઇ ભંગ કર્યો નથી. આ મામલામાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આખરે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. ચૂંટણી પંચે મંગળવારના દિવસે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી અને મોદીની સામે ફરિયાદની તપાસ કરી હતી. અંતે તેમની સામે કરવામાં આવેલા આક્ષેપોને ફગાવી દેવામાં આવ્યા હતા.

(12:00 am IST)