Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

6 લાખનો વિમો અને પેન્‍શન સહિત પાંચ ફાયદા મળે છે પીએફ એકાઉન્‍ટ પર

નવી દિલ્હી : હાલમાં સરકારે EPF (પ્રોવિડન્ટ ફંડ) પર વ્યાજ દર વધાાર્યા છે જેના કારણે પહેલાં કરતા વધારે વ્યાજ મળે છે. પ્રોવિડન્ટ ફંડને ભવિષ્ય નિધિ તરીકે જોવામાં આવે છે. હાલમાં બેસિક સેલરીનો 12 ટકા હિસ્સો પ્રોવિડન્ટ ફંડમાં જમા થાય છે. 12 ટકા કંપની પણ આપે છે જેમાંથી 8.33 ટકા તમારા પેન્શન સ્કીમ (EPS)  એકાઉન્ટમાં અને બાકીના 3.67 ટકા EPFમાં જમા થાય છે. આ સિવાય પણ PFના પાંચ મોટા ફાયદા છે.

1. 6 લાખ સુધીનો ઇન્શ્યોરન્સ

પીએફ એકાઉન્ટ પર બાય ડિફોલ્ટ વીમો મળે છે. EDLI (એમ્પ્લોઇ ડિપોઝીટ લિન્ક્ડ ઇન્શ્યોરન્સ) યોજના અંતર્ગત આ લાભ મળે છે. આનો ફાયદો કોઈ બીમારી કે આકસ્મિક મૃત્યુ વખતે મળે છે.

2. નિવૃત્તિ પછી પેન્શન

10 વર્ષ સુધી નિયમિત રીતે પીએફ ખાતામાં પૈસા જમા થાય તો આ સ્થિતિમાં એમ્પ્લોઇ પેન્શન સ્કીમનો પણ ફાયદો મળે છે. આના કારણે નિવૃત્તિ પછી દર મહિને પેન્શન તરીકે એક હજાર રૂપિયા મળે છે.

3. કટોકટીમાં પૈસા કાઢી શકવાની સુવિધા

તમને ખાસ પારિવારિક સ્થિતિમાં પીએફ એકાઉન્ટમાંથી પૈસા કાઢવાની સુવિધા મળે છે. મકાન ખરીદવા કે બનાવવા માટે, લોક રિપેમેન્ટ માટે, ઉચ્ચ અભ્યાસ માટે, દીકરીના લગ્ન માટે તેમજ બીજા કારણોસર પૈસા કાઢી શકાય છે. જોકે આ લાભ ઉઠાવવા માટે ખાતાધારક એક નિશ્ચિત સમય સુધી ઇપીએફઓનો સભ્ય હોય એ જરૂરી છે.

4. નિષ્ક્રિય ખાતાઓ પર પણ વ્યાજ

ઇપીએફઓએ ગયા વર્ષે જ નિષ્ક્રિય ખાતાઓ પર પણ વ્યાજ દેવાનો નિર્ણય લીધો હતો. હવે જે પીએફ ખાતા ત્રણ વર્ષથી વધારે સમયગાળાથી નિષ્ક્રિય હોય એના પર પણ વ્યાજ મળે છે. જોકે આ ખાતું પાંચ વર્ષ કરતા વધારે નિષ્ક્રિય રહે તો પૈસા કાઢતી વખતે ટેક્સ ચુકવવો પડે છે. આવી સ્થિતિ ઉભી ન થાય એ માટે પીએફ ખાતાને ટ્રાન્સફર કરાવી લેવું જોઈએ.

5. આપમેળે ટ્રાન્સફર થશે પીએફ ખાતું

નોકરી બદલવાની સ્થિતિમાં હવે પીએફના  પૈસા ટ્રાન્સફર કરવાનું સહેલું થઈ ગયું છે. આધારથી લિંક તમારા યુએએ નંબર મારફતે એકથી વધારે પીએફ એકાઉન્ટને તમે એક જ જગ્યાએ રાખી શકો છો. હવે નવી નોકરીની શરૂઆત કરતી વખતે ઇપીએફ પાસેથી પૈસા ક્લેમ કરવા માટે ફોર્મ-13 ભરવાની જરૂર નથી. ઇપીએફઓએ હાલમાં ફોર્મ-11 જાહેર કર્યું છે જેની મદદથી જુનું ખાતું નવા ખાતામાં તરત ટ્રાન્સફર થઈ જશે.

(12:00 am IST)