Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

યુ.એસ.માં IHCNJ ના ઉપક્રમે 5 તથા 12 મે 2019 ના રોજ હેલ્થફેર : શ્રી સ્વામિનારાયણ મંદિર (ISSO ) વિહોકેન ન્યુજર્સી મુકામે યોજાનારા કેમ્પમાં તમામ પ્રકારના રોગોના નિદાન કરી અપાશે તેમજ રોગો થતા અટકાવવા નિષ્ણાત તબીબો દ્વારા માર્ગદર્શન અપાશે : મેડિકલ ઈન્સ્યુરન્સ નહિ ધરાવતા અથવા ઓછો ધરાવતા જરૂરિયાતમંદ સાઉથ એશિયન નાગરિકો અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લાભ લઇ શકશે

દિપ્તીબેન જાની દ્વારા : ન્યુજર્સી : યુ.એસ.માં ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યુજર્સી (IHCNJ ) ના ઉપક્રમે આગામી 5 તથા 12 મે 2019 ના રોજ  હેલ્થફેરનું આયોજન કરાયું છે.શ્રી સ્વામિનારાયણ મંદિર (ISSO ) વિહોકેન ન્યુજર્સી મુકામે યોજાનારા આ વર્ષના પ્રથમ કેમ્પમાં મેડિકલ ઈન્સ્યુરન્સ નહીં ધરાવતા અથવા ઓછો ધરાવતા જરૂરિયાતમંદ સાઉથ એશિયન નાગરિકો અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લાભ લઇ શકશે

5 તથા 12 મે એમ બે વિભાગમાં આયોજીત આ હેલ્થફેરમાં 5 તારીખે સવારે 8-30 થી 10-30 દરમિયાન રક્તનિદાન કેમ્પ યોજાશે તથા આ રક્તનિદાન કેમ્પનો રિપોર્ટ 12 તારીખે યોજાનારા કેમ્પમાં અપાશે.આ કેમ્પનો સમય સવારે 8-30 થી બપોરે 1- વાગ્યા સુધીનો રહેશે જેમાં ફિઝિકલ ,ડેન્ટલ,તથા આંખોના નિદાન સહીત વિવિધ રોગોનું નિદાન કરી આપવામાં આવશે તેમજ રોગો થતા અટકાવવા માર્ગદર્શન અપાશે

કેમ્પમાં બ્લડટેસ્ટ , EKG ,આંખોનું નિદાન ,ડાયાબિટીક રેટિનોપથી ,ફિઝિકલ એક્ઝામિનેશન ,કાર્ડીઓલોજી ,ફિઝિકલ થેરાપી ,જુદા જુદા પ્રકારના કેન્સરના નિદાન તેમજ  મેમોગ્રાફી, એચ.આઇ વી.ટેસ્ટ ,ઉપરાંત ડાયાબિટીસ ,હાઇપરટેંશન , માનસિક રોગોનું નિદાન ,તેમજ તમામ પ્રકારના  હઠીલા દર્દોના વિનામૂલ્યે  નિદાન કરી અપાશે તેમજ તમામ રોગો થતા અટકાવવા નિષ્ણાત તબીબો માર્ગદર્શન આપશે ઉપરાંત અંધાપો દૂર કરવા તથા નિવારવા કાર્યરત ન્યુજર્સી સ્ટેટ કમિશન ફોર બ્લાઇન્ડની સેવાઓ પણ મળી રહેશે તેમજ ડિપ્રેશન ,માનસિક તનાવ સહિતની સમસ્યાઓના નિરાકરણ માટે SAMHIN ની સેવાઓ મળી રહેશે

કેમ્પને સફળતા પૂર્વક સંપન્ન કરાવવા માટે વિવિધ પ્રકારના દર્દોના નિષ્ણાતો ,ઈ.કે.જી.ટેક્નિશિયન ,નર્સ સ્ટાફ ,મેડિકલ સ્ટુડન્ટ્સ,તથા વોલન્ટિયર્સ સેવાઓ આપશે તેવું ડો.તુષાર બી.પટેલની યાદી જણાવે છે.

 

(12:06 pm IST)