Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

અડધા ભારતમાં આંધી-તોફાની વરસાદઃ ૧૦૦ના મોત

સૌથી વધુ નુકસાન રાજસ્થાન અને યુપીમાં: જન-જીવન અસ્તવ્યસ્તઃ ૧૫૦થી વધુ પશુના મોત : દિલ્હી, એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વાવાઝોડા - વરસાદનો કહેરઃ મોટી સંખ્યામાં લોકો ઘાયલ

નવી દિલ્હી તા. ૩ : દિલ્હી-એનસીઆલ સહિત પૂર્વોતર રાજયો અને દક્ષિણ ભારતમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં આવેલા વાવાઝોડા અને વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

સૌથી વધુ નુકસાન યુપી અને રાજસ્થાનમાં થયું છે. કુલ ૮૫ લોકોના મોતના અહેવાલો તેમાં ૫૧ મોત યુપીના અને ૨૪ના મોત રાજસ્થાનમાં થયા છે. સૌથી વધુ ૪૨ના મોત આગ્રામાં થયા છે. બિઝમોરમાં ૩ અને સહારનપુરમાં ૨ના મોત થયા છે.

હવામાન વિભાગે આવતા બે કલાકમાં મેરઠ મુઝફફરનગર, બિઝમૌર, સંભળ, મોદીનગર, ગાઝીયાબાદ, અલવર, હોડલ, મથુરા તેમજ આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપી છે. રેતીલા તોફાન બાદ તાપમાનમાં ૧૦ ડીગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો હતો. હવામાનના નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બસના કારણે આવેલા વાવાઝોડાના લીધે જનજીવન પ્રભાવિત થયું છે.

રાજસ્થાનના ચાર જિલ્લામાં બંવડરના કારણે કુલ ૨૦ લોકોના મોત થયા છે. ભરતપુરમાં ૧૦, ધૌલપુરમાં ૬, અલવરમાં ૩ અને ઝુંઝુનુંમાં એક વ્યકિતનું મોત થયું છે. આ વિસ્તારોમાં મોડી રાતે સુધી વીજળી પણ નહતી. ગત સાંજે અંદાજે ૬ વાગે શરૂ થયેલા આ બવંડરની સ્પીડ ૧૦૦ કિમી પ્રતિ કલાકની હતા. આ ઘટનામાં અંદાજે ૧૦૦ જેટલા લોકો ઘાયલ થયા છે.

આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે ૧૩ લોકોના મોત થયા છે જયારે પાંચ લોકો ગુમ થઈ ગયા છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં વીજળીના કારણે દિવાલ પડવાથી બે અલગ અલગ જગ્યાએ કુલ ચાર લોકોના મોત થયા છે.

કમોસમી વાવાઝોડા અને વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ઘણાં વિસ્તારોમાં પાકને ઘણું નુકસાન થયું છે. આ સિવાય ઘણી જગ્યાએ ગોડાઉન અને ખેતરમાં રહેલા અનાજ પણ વરસાદના કારણે ભીના થઈ ગયા છે. ગઈકાલે દિલ્હી-એનસીઆર સહિત ઉત્ત્।ર ભારતના ઘણાં રાજયોમાં વાવાઝોડા અને વરસાદના કારણે અંધારૂ છવાઈ ગયું હતું. થોડી વાર સુધી આકાશમાં ધૂળ સિવાય કઈ દેખાતું જ નહતું. લુધિયાણા સહિત ઘણાં શહેરોમાં દિવસે પણ અંધારૂ છવાઈ ગયું હતું અને રોડ-રસ્તાની સ્ટ્રીટ લાઈટો કરવી પડી હતી.

(3:09 pm IST)