Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd April 2024

ચૂંટણી પહેલા નવીન પટનાયકના ગઢમાં ભાજપને ફટકો: ઉપાધ્યક્ષ ભૃગુ બક્ષી પાત્રાએ રાજીનામુ આપ્યું

પ્રદેશ પક્ષ પ્રમુખને લખેલા પત્રમાં તેમણે તેમના 23 વર્ષના યોગદાનની અવગણના બદલ ખેદ વ્યક્ત કર્યો

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી પહેલા ઓડિશા ભાજપના ઉપાધ્યક્ષ ભૃગુ બક્ષી પાત્રાએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. પ્રદેશ પક્ષ પ્રમુખને લખેલા પત્રમાં તેમણે તેમના 23 વર્ષના યોગદાનની અવગણના બદલ ખેદ વ્યક્ત કર્યો છે. તેમણે પોતાની જવાબદારીઓ ખંતપૂર્વક નિભાવવા છતાં પાર્ટી નેતૃત્વ દ્વારા મહત્વ ન આપવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

  લોકસભાની ચૂંટણીને લઈને દેશમાં રાજકીય તાપમાન ઉંચુ છે. આ દરમિયાન ઓડિશામાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના ઉપાધ્યક્ષ ભૃગુ બક્ષી પાત્રાએ પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે બેરહમપુર લોકસભા સીટથી ટિકિટ ન મળવાના કારણે તેમણે આ નિર્ણય લીધો છે.

 ઓડિશા બીજેપી અધ્યક્ષ મનમોહન સામલને સંબોધીને લખેલા પત્રમાં તેમણે પાર્ટીમાં તેમના 23 વર્ષના યોગદાનની અવગણના બદલ ખેદ વ્યક્ત કર્યો છે. તેમણે પોતાની જવાબદારીઓ ખંતપૂર્વક નિભાવવા છતાં પાર્ટી નેતૃત્વ તરફથી મહત્વ ન મળવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

   પત્રમાં પાત્રાએ લખ્યું છે કે, 'મેં પાર્ટી અને ઓડિશાના લોકોની સંપૂર્ણ સેવા કરી છે. પરંતુ, મને લાગ્યું કે મારું યોગદાન હવે જરૂરી માનવામાં આવતું નથી. ભારે હૃદય સાથે, મેં મારું રાજીનામું આપવાનો અને મારા રાજ્યના લોકોની સેવા કરવાનું ચાલુ રાખવા માટે આગળ વધવાનું નક્કી કર્યું છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ બીજેપી પસંદગીની લોકસભા સીટ પર પોતાની સ્થિતિ મજબૂત કરવાની રણનીતિ બનાવી રહી છે તો બીજી તરફ પાત્રાએ ચૂંટણી પહેલા રાજીનામું આપીને મોટો ઝટકો આપ્યો છે.

આ રાજકીય ઉથલપાથલમાં મહત્વની વાત એ છે કે ગૃહ જિલ્લામાં બીજુ જનતા દળ (બીજેડી)ના સુપ્રીમો અને મુખ્ય પ્રધાન નવીન પટનાયકની આગવી ઓળખને ધ્યાનમાં રાખીને બેરહમપુર લોકસભા બેઠક વિશેષ મહત્વ ધરાવે છે. ભાજપે આ બેઠક પરથી ગોપાલપુરના ધારાસભ્ય પ્રદીપ પાણિગ્રહીને ઉમેદવાર બનાવ્યા છે. ગોપાલપુરથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા પાણિગ્રહી હાલમાં જ ભાજપમાં જોડાયા છે.

(8:16 pm IST)