Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

ગુજરાત, રાજસ્થાન સહિતના રાજયોમાં આ મહિને ગરમીનો પારો ૪૦ આસપાસ રહેશે

પવનની દિશામાં વારંવાર બદલાવ થતાં દિવસે ગરમી અને સાંજથી આંશિક રાહતનો અહેસાસઃ દ.ભારતમાં પણ ગરમીનો રાઉન્ડ

નવી દિલ્હીઃ વાતાવરણમાં પલ્ટો આવતા દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા બે- ત્રણ દિવસથી ફૂંકાતા જોરદાર પવનોના પગલે ગરમીમાં થોડી રાહત મળી છે, પરંતુ આગામી દિવસોમાં દિલ્હી સહિત ઉત્તર ભારતવાસીઓને ભીષણ ગરમીનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ત્રણ- ચાર દિવસમાં મહતમ તાપમાનમાં ત્રણેક ડીગ્રીનો વધારો થશે. રાજસ્થાનના અમુક ભાગોમાં લૂ ફૂંકાશે.

દરમિયાન જમ્મુ- કાશ્મીરમાં ભારે બરફવર્ષા ચાલુ છે. રાજૌરી જિલ્લામાં પીર પંજાલ પર્વત નજીક મુગલ રોડ ઉપર બરફ કાઢવાની કામગીરી ચાલુ છે.

હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે એપ્રિલ, મે અને જુનમાં ભીષણ ગરમી પડશે. ગુજરાત, રાજસ્થાન અને તેની સાથે જોડાયેલા રાજયોમાં આ મહિના એટલે કે એપ્રિલ મહિનામાં પારો ૪૦ ડીગ્રી આસપાસ ઘુમતો જોવા મળશે. દક્ષિણ ભારતમાં પણ ગરમીનો રાઉન્ડ આવી શકે છે.

હવામાન શાસ્ત્રી જે.પી. વિશ્વકકર્માએ જણાવ્યું કે હાલ કોઈ વેધર સિસ્ટમ્સ સક્રિય નથી. પવનની દિશામાં વારંવાર બદલાવ આવી રહ્યો છે. સાંજના સમયે ઉત્તર દિશામાંથી પવન ફૂંકાતા હોય રાજધાની  સહિત પ્રદેશના અનેક જિલ્લાઓમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થવા લાગે છે. જયારે સવારે પવનની દિશા દક્ષિણ- પશ્ચિમ થઈ જતાં તાપમાન ઉંચકાઈ રહ્યું છે.

(3:03 pm IST)