Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

બ્રાઝિલમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો: કબ્રસ્તાનોમાં જગ્યા ઓછી પડતા મૃતદેહને દફન કરવા જૂની કબરો ખોદવી પડી

કબ્રસ્તાનના કર્મચારીઓએ જૂની કબજો ખોદીને ૧૦૦૦ હાડપિંજરો બહાર કાઢ્યા

બ્રાઝિલિયા: દક્ષિણ અમેરિકી દેશ બ્રાઝિલમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તેના કારણે કબ્રસ્તાનોમાં જગ્યા ઓછી પડવા માંડી છે. મૃતદેહને દફન કરવા માટે જૂની કબરો ખોદવાની ફરજ પડી હતી.
બ્રાઝિલમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે. સંખ્યાબંધ લોકોનાં મોત થઈ જતાં કબ્રસ્તાનોમાં જગ્યા ઓછી પડવા લાગી છે. મૃતદેહોને દફન કરવાની લાંબી લાઈનો લાગી ગઈ છે.

મૃતદેહોને દફન કરવાની જગ્યા કરવા માટે કબ્રસ્તાનના કર્મચારીઓએ જૂની કબજો ખોદીને ૧૦૦૦ હાડપિંજરો બહાર કાઢ્યા હતા અને એમાં મૃતદેહોને દફન કરવાની જગ્યા કરવી પડી હતી.
દુનિયાની સૌથી વધુ વસતિ ધરાવતા શહેરોમાં સામેલ સાઓ પાઉલોના કબ્રસ્તાનની તસવીરો દર્દનાક હતી. કાશોઈરિન્હા સીમેન્ટ્રીમાં આવેલા કબ્રસ્તાનમાં વર્ષો પહેલાં દફનાવાયેલા હાડપિંજર બહાર કાઢવામાં આવ્યાં હતાં.
આ હાડપિંજરોને અન્ય સ્થળોએ ગળવાની પ્રક્રિયા માટે મોકલાશે એવું પણ એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું. કબ્રસ્તાનનું સંચાલન કરતી સંસ્થાના અધિકારીઓએ કહ્યું હતું કે અમારી પાસે બીજો કોઈ જ વિકલ્પ બચ્યો ન હોવાથી આ અંતિમ નિર્ણય લેવો પડયો હતો.
બ્રાઝિલમાં કબ્રસ્તાન ખોદવામાં આવતું હોય એની ભાવનાત્મક તસવીરો જાહેર થઈ હતી. એ તસવીરોમાં દર્દ છલકાતું હતું.

(11:18 pm IST)