Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

વૈશ્વિક મહામારીની

હાલની જોખમી અને ભયજનક સ્થિતિમાં અડીખમ ફરજ બજાવતા ડોકટર્સ, નર્સિંગ એન્ડ પેરામેડીકલ સ્ટાફ

લોકડાઉન અને 'કોરોના એરા'માં લોકો દિવસમાં સેંકડો વખત માત્ર ભગવાન અને ડોકટર્સને જ યાદ કરે છે. : સામાન્ય તાવ, શરદી, ઉધરસ કે ગળુ ખરાબ થાય તો પણ નીતનવા હજ્જારો વિચારો સાથે ડોકટર્સ, દવાખાનું, હોસ્પિટલ, નર્સિંગ એન્ડ પેરામેડીકલ સ્ટાફ વિગેરે તુરત જ નજર સમક્ષ આવી જાય છે : WHO, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર તથા ICMR ની ગાઇડલાઇન મુજબ સતત ટ્રીટમેન્ટ કરતાં ડોકટર્સ પોતાના ઘરે ફેમિલી પાસે પણ નથી રહી શકતા કે સમયસર ઘરે પહોંચી પણ નથી શકતા : દર્દીઓ સાજા થઇ જાય તે માટે ડોકટર્સ તથા નર્સિંગ-પેરામેડીકલ સ્ટાફની દિવસ-રાતની અથાગ મહેનતઃ છતાં પણ કડવા અનુભવો માટે તૈયાર રહેવું પડે છે : ડોકટર્સ અને પેશન્ટસ વચ્ચેની અતૂટ અને વિશ્વાસપાત્ર કડી એટલે નર્સિંગ એન્ડ પેરામેડીકલ સ્ટાફ : ડોકટર્સ તથા નર્સિંગ-મેડીકલ સ્ટાફ ઘરની આસપાસ રહેતા હોય તો પણ તેઓ પ્રત્યે શંકા અને નેગેટીવીટી ન રહે તે જરૂરીઃ તેઓ ચીવટ સાથે PPE નો ઉપયોગ કરતાં જ હોય છે : હાલમાં કોરોનાગ્રસ્ત પેશન્ટ સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થાય છે ત્યારે સમગ્ર મેડીકલ ટીમને એક યુદ્ધ જીત્યા જેવી અનહદ ખુશી મળે છે

રાજકોટ તા.૩: ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના (COVID 19) એ હાહાકાર મચાવી દીધો છે અને કોરોનાને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરી દીધી છે ત્યારે હાલની જોખમી અને ભયજનક  સ્થિતીમાં ડોકટર્સ, નર્સિંગ એન્ડ પેરામેડિકલ સ્ટાફ અડિખમ - સતત ફરજ બજાવી રહ્યા છે.

હાલમાં ભારતમાં અપાયેલા ૨૧ દિવસના લોકડાઉનમાં તથા હાલના 'કોરોના એરા' માં લોકો દિવસ  દરમ્યાન  સૌથી વધુ વખત માત્ર  ભગવાન અને ડોકટર્સને જ યાદ કરતા જોવા મળે છે. પ્રિન્ટ અને  ઈલેકટ્રોનિક મિડીયા, સોશ્યલ મિડીયા, ઈન્ટરનેટ, સગા-સંબંધીઓ સાથે ફોન ઉપર વાતો દરમ્યાન વિગેરેમાં સતત કોરોના , પોઝીટીવ અને નેગેટીવ કેસ, આઇસોલેશન, કવોરન્ટાઇન, સેનિટાઇઝ, ડોકટર્સ સહિતની મેડીકલ ટીમ, ભગવાન   વિગેરેનો જ  ઉલ્લેખ થતો જોવા મળે છે.

અત્યારના સમયમાં તો લોકોને સામાન્ય તાવ, શરદી, ઉધરસ કે ગળુ ખરાબ થાય તો પણ કોરોનાના લક્ષણો સંદર્ભે નીતનવા હજ્જારો વિચારો આવવા લાગે છે  અને મગજ ચકરાવે ચડી જતા જોવા મળે છે. સાથે-સાથે સ્ટેસ્થોસ્કોપ  સાથેના ડોકટર્સ, દવાખાનું હોસ્પિટલ, એપ્રન પહેરેલા નર્સિંગ એન્ડ પેરામેડિકલ સ્ટાફ, લેબોરેટરી, દવાઓ  વિગેરે તુરત જ નજર સમક્ષ આવી જાય છે.

પરંતુ હકિકતે જે પેશન્ટ કોરોનાગ્રસ્ત  (પોઝીટીવ) છે તેઓની તથા કવોરોન્ટાઇન અને આઇસોલેટ કરેલા લોકોને   સાજા કરવા અને ટ્રીટમેન્ટ આપવા તથા દેખરેખ રાખવા ડોકટર્સ સહિતની મેડીકલ ટીમ દિવસ - રાત  અથાગ મહેનત કરી રહી છે. ભારત સહિત સમગ્ર વિશ્વ માટે કોરોના (COVID 19) સાવ નવી બિમારી છે. તેમ છતા સમગ્ર મેડીકલ ટીમ દર્દીઓને  સાજા કરવા અવિરત ફાઇટ કરી રહી છે. 

કોરોનાગ્રસ્ત વ્યકિતઓની તમામ  ટ્રીટમેન્ટ WHO,  મિનિસ્ટ્રી ઓફ  હેલ્થ એન્ડ ફેમીલી વેલ્ફેર તથા  ICMR (ઈન્ડિયન કાઉન્સીલ મેડીકલ રીસર્ચ ) ની ગાઇડલાઇન્સ પ્રમાણે જ  કરવામાં આવે છે. આ ગાઇડલાઇનમાં  (૧) દર્દીના લક્ષણો (૨) ટ્રીટમેન્ટ(૩) અલગ-અલગ સમયે વિવિધ રીપોર્ટસ વિગેરેનો સમાવેશ થાય છે. આ તમામ બાબતોનો ડેટા કલેકટ કરીને  ગાઇડલાઇન આપતી ઉપરોકત ત્રણેય એજન્સીને   અધિકૃત ડેટાની  જાણ કરવામાં આવે છે. હાલની આ નવી બિમારીમાં પોતાની રીતે કે  પોતાના  અનુભવના આધારે ડોકટર્સને ટ્રીટમેન્ટ ન કરવા જણાવાયુ હોવાનું અગ્રણી સ્પેશ્યાલીસ્ટ  ડોકટર્સ જણાવી રહ્યા છે.

દિવસ - રાત  અથાગ મહેનત સાથે સતત ફરજ બજાવતા ડોકટર્સ પોતાના ફેમીલી સાથે પણ પુરો સમય નથી રહી શકતા કે સમયસર ઘરે પણ નથી પહોંચી શકતા. જો કે તેઓના ફેમીલી મેમ્બર્સને પણ ચોક્કસપણે સલામ મારવી જ ઘટે.

આ વખતે તાજેતરમાં  ભારતના વડાપ્રધાન  શ્રી નરે્ન્દ્રભાઇ મોદીએ ચાલુ વર્ષેને નર્સિંગ અને પેરા મેડીકલ સ્ટાફના માનમાં પસાર કરવા જણાવ્યુ છે. અને સાથે જ જો ડોકટર્સ અને પેશન્ટસ વચ્ચેની કોઇ અતૂટ અને વિશ્વાસપાત્ર કડી હોય તો તે  નર્સિંગ અને પેરામેડીકલ સ્ટાફ હોય છે. કારણ કે દર્દીઓ પાસે તેઓના સગા વ્હાલાઓ ન હોય ત્યારે એક સ્વજન તરીકે અને ટ્રીટમેન્ટ કરનાર  એમ બેવડી ભૂમિકા નર્સિંગ  અને પેરામેડિકલ સ્ટાફે બજાવવી પડતી હોય છે.

તાજેતરમાં કોરોના કહેર વચ્ચે એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે કે  લોકોના ઘરની આસપાસ  જો કોઇ ડોકટર્સ તથા નર્સિંગ અને પેરામેડીકલ સ્ટાફ રહેતો હોય તો લોકો મનમાં ભય સાથે તેનાથી દૂર ભાગે  છે અને તેઓને  શંકાની અને નકારાત્મક દ્રષ્ટિીથી જોવા લાગ્યા છે. પરંતુ દરેક ડોકટર PPE (પર્સનલ પ્રોટેકસન ઈકિવપમેન્ટસ) નો ઉપયોગ  કરતા જ હોય છે અને  તેઓ બિમાર કે કોરોના  સંક્રમિત ન થાય તે માટે ખૂબ જ ચીવટ રાખતા જ હોવા જોવા મળે છે.

ભારત  કરતા  ઘણાં નાના ગણાતા દેશો જેવા કે ઈટલી, સ્પેન, ફ્રાન્સ વિગેરેમાં જેટલા ડોકટર્સ કોરોનાગ્રસ્ત થયા છે કે મૃત્યુ પામ્યા છે તેના પ્રમાણમાં ભારતમાં કોરોનાગ્રસ્ત મેડીકલ સ્ટાફનો આંકડો સાવ ઓછો છે.  મૃત્યુનો તો એક પણ કેસ સાંભળવા મળ્યો નથી.  માટે ભારતમાં ડોકટર્સ કે નર્સિંગ પેરામેડીકલ સ્ટાફ પ્રત્યે નેગેટીવીટી રાખવી અપરાધ સમાન દેખાઇ  રહ્યુ છે.

હાલની મહામારી વચ્ચે એવુ પણ  અમુક ડોકટર્સ જણાવી રહ્યા છે કે કોરોનાગ્રસ્ત પેશન્ટ સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થાય છે ત્યારે સમગ્ર મેડીકલ ટીમને એક યુધ્ધ જીત્યા હોય તેવી  અનહદ ખુશી થતી હોય છે. કોરોનાગ્રસ્ત અન્ય દેશોની સરખામણીમાં અને અન્ય દેશોની વસ્તીના પ્રમાણમાં ભારતમાં કોરોના વાઇરસથી થયેલ મૃત્યુદર હજુ ઘણો ઓછો છે. જે ડોકટર્સની એક સિધ્ધી જ ગણી શકાય . જો કે કોરોનાનો ઉપાય - ઈલાજ શોધવા માટે WHO એ ચાર મોટા ટ્રાયલ્સને મંજુરી  આપી છે. જે દિશામાં રીસર્ચર્સ અને સાયન્ટીસ્ટસ યુધ્ધના ધોરણે કામ કરી રહ્યા છે.  (૩.૫)

વેન્ટીલેટરની રમુજ

વેન્ટીલેટર પોતે અત્યારે વિચારતુ હશે કે મને જે લોકો સતત ગાળો આપતા હતા તે લોકો જ મારી પુજા કરવા માંડ્યા છે

ડોકટર્સને ડયુટી દરમ્યાન થતા કડવા અનુભવો

. ઘણાં દર્દીઓ હોસ્પિટલમાં એકસ્ટ્રા અને સ્પેશ્યલ રજવાડી સુવિધાઓ માંગતા હોય છે. પરંતુ તે મહામારીના આવા સમયે વ્યાજબી નથી. બધાં માટે સારવાર સરખી જ હોય છે. આવા દર્દીઓને કારણે ડોકટર્સ તથા નર્સિંગ-પેરામેડીકલ સ્ટાફની લાગણી દુભાતી હોય છે.

. પેશન્ટ તદ્દન ક્રિટીકલ કન્ડીશનમાં હોસ્પિટલે આવે ત્યારે ઘણી વખત તુરત જ તેનું ડેથ થઇ જાય છે. આવા સમયે કયારેક ડોકટર્સ ઉપર હુમલો થાય છે જેને કારણે ડોકટર્સનું મનોબળ નબળું પડે છે.

. હાલમાં મેડીકલ સ્ટાફ જે તે વિસ્તારમાં કવોરનટાઇન કરેલા શંકાસ્પદ કેસના સ્ક્રીનિંગ અને તપાસમાં રોજ જાય છે ત્યારે આસપાસના લોકો સહકાર આપવાને બદલે મેડીકલ સ્ટાફ સાથે ઝઘડા કે હિંસક પ્રવૃત્તિ કરતા હોવાનું ડોકટર્સ જણાવી રહ્યા છે.

લોકડાઉન પુરૂ થયા પછીની 'નવી દુનિયા'

કેવી હશે અને કેવી હોવી જોઇએ ?

ડોકટર્સના વિવિધ ગ્રુપ્સમાં લોકડાઉન પુરૃં થયા પછીની 'નવી દુનિયા' કેવી હશે કે પછી હજુ સરકાર દ્વારા કેવા પગલા લેવાવા જોઇએ તેની રસપ્રદ ચર્ચા થઇ રહી છે. આ ચર્ચા મુજબ,

. સંપૂર્ણપણે બધી જ સેવાઓ અને ગતિવિધિ એકસાથે ફુલ ફલેજડમાં શરૂ ન કરવી જોઇએ. પરિસ્થિતિ પ્રમાણે વન બાય વન શરૂ કરવું જોઇએ.

. જે જગ્યાએ તુરત જ મોટી સંખ્યામાં લોકો ભેગા થાય તેની ઉપર નિયંત્રણ રાખવું જોઇએ. જેમ કે થીયેટર, મોલ, સભા-સમારંભો, ધાર્મિક-સામાજિક અને રાજકીય મેળાવડા, માસ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વિગેરે બાબતે ચીવટ રાખવી જરૂરી છે.

. કોરોના (COVID 19) સંદર્ભે WHO ની ગાઇડલાઇન પ્રમાણે જ કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓનું સ્ક્રનિંગ કરવું અને કવોરન્ટાઇન ફેસેલિટી પુરી પાડવી.

. હવે જીંદગીમાં નવા પરિબળોનો ઉમેરો થશે જેમાં સ્વચ્છતા, ઇન્ડીવિડયુઅલ કલીન્લીનેસ, સોશ્યલ એન્ડ ફીઝીકલ ડીસ્ટન્સીંગ, હેન્ડવોશ, સેનીટાઇઝર્સ વિગેરે આવશ્યક હશે.

. વિશ્વની મોટાભાગની વસ્તી શાકાહારી બની રહેશે. જેમાં ભારતને તો ફાયદો જ છે.

. લોકમુખે ચર્ચાતી વિગતો પ્રમાણે ચાઇનીઝ પ્રોડકટસથી દૂર રહેવું જોઇએ. તો પછી મેડીકલ પ્રોફેશનમાં પણ આ વસ્તુ લાગુ પાડી શકાય અને ફર્નિચર -ઇન્સ્ટ્રુમેન્ટસ સહિતની તમામ વસ્તુ સંદર્ભે સ્વદેશી અપનાવી શકાય.

ભારતમાં ડોકટર્સની શોર્ટેજ ન થાય તે માટે રોટેશન અને કવોરન્ટાઇન

કોરોના કહેર વચ્ચે વિશાળ વસ્તી ધરાવતા ભારત દેશમાં ડોકટર્સની શોર્ટેજ ન થાય અને ડોકટર્સ ખુદ કોરોનાગ્રસ્ત ન બને તે માટે સંબંધિત તંત્ર દ્વારા એકસાથે એક જ સમયે બધાં જ ડોકટર્સને હોસ્પિટલમાં ડયુટીમાં નથી જોડયા. રોટેશન પ્રમાણે જોડવામાં આવી રહ્યા છે. નિશ્ચિત દિવસોની ડયુટી પૂરી થતાં ડોકટર્સને કવોરન્ટાઇનમાં પણ રાખવામાં આવે છે, કે જેથી ફોરેનના અમુક દેશો જેવી સ્થિતિનું નિર્માણ ભારતમાં ન થાય તેવી માહિતી સ્પેશ્યાલીસ્ટ ડોકટર્સ આપી રહ્યા છે.

(3:37 pm IST)