Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

દિલ્હી એઈમ્સનું ડોકટર દંપતિ કોરોના પોઝીટીવઃ પત્નીને ૯ માસનો ગર્ભ

પતિ ફિઝીયોલોજીમાં અને પત્ની ઈમરજન્સી વિભાગમાં સેવા બજાવતા હતા

નવીદિલ્હીઃ રાજધાની દિલ્હી સ્થિત એઈમ્સમાં એક ડોકટર દંપતિ કોરોના પોઝીટીવ હોવાનું જાહેર થયુ છે. ડોકટર પતિ ફીઝીયોલોજી વિભાગમાં રેજીડેન્ટ ડોકટર છે, જયારે ડોકટર પત્ની એઈમ્સમાં ઈમરજન્સી વિભાગમાં ફરજ બજાવે છે. બન્ને હાલ આઈસોલેશનમાં રખાયા છે. ડોકટર પત્ની નવ માસના ગર્ભવતી છે. તેમની અહીં એકસપર્ટ ડોકટરો દ્વારા સારવાર કરાઈ રહી છે અને તેમની ડીલીવરી પણ એઈમ્સમાં જ કરવામાં આવશે.

એઈમ્સના વરિષ્ઠ ડોકટરના કહેવા મુજબ બન્નેને કોરોના પોઝીટીવ છે અને આગળની તપાસ અને અન્ય ટેસ્ટ માટે તેમને ખાનગી વોર્ડમાં દાખલ કરાયા છે. ઉપરાંત એ દરેક વ્યકિતની પણ ઓળખ કરવામાં આવી રહી છે. જે આ બન્નેના સંપર્કમાં આવ્યા હોય. થોડા દિવસ પહેલા ફેરવેલ પાર્ટીમાં તેઓ ગયેલ જયાં અન્ય આઠ ડોકટરો સાથે તેમનો સંપર્ક થયેલ.

આ તમામ આઠ ડોકટરોને પણ કોરોના પોઝીટીવ આવ્યો છે. બુધવારે દિલ્હીના કેન્સર હોસ્પિટલના એક ડોકટરમાં કોવીડ-૧૯ વાયરસની પુષ્ટી થયા બાદ સફદરજંગ હોસ્પિટલના બે રેજીડેન્ટ ડોકટર પણ કોરોના સંક્રમિત થયા હતા.

(3:35 pm IST)