Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

રાયપુરમાં જન્મેલા જોડિયા બાળકોના નામ 'કોરોના' અને 'કોવિડ'રાખ્યા!

૨૧ દિવસના લોકડાઉનમાં મહા મુશ્કેલીથી થયેલી ડીલિવરીની યાદગીરીરૂપે દંપતીએ આ નિર્ણય લીધો

રાયપુર, તા.૩: દેશમાં હાલમાં મહામારીને પગલે ૨૧ દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. મહામારી સામે દેશ અને દુનિયાના લોકો ઘૂંટણીયે પડી ગયા છે. ખતરનાક વાયરસથી લોકો ડરી રહ્યા છે ત્યારે છત્તીસગઢમાં એક દંપતીએ તેમને ત્યાં જન્મેલા જોડિયા બાળકોના નામ આ વાયરસ પરથી 'કોરોના' અને 'કોવિડ' રાખ્યા છે.

આ બન્ને શબ્દો હાલ એટલા પ્રચલિત થઈ ગયા છે કે લોકો તેનું નામ પડતા જ ફફડી ઉઠે છે. રાયપુર સ્થિત દંપતીને ત્યાં આ મહામારીમાં બે બાળકો અવતર્યા છે. જો કે તેમણે આ મહામારીની યાદમાં બન્ને બાળકો (એક પુત્ર અને એક પુત્રી)ના નામ વાયરસને લગતા નામ પરથી પાડયા છે.

લોકડાઉનનાં પડેલી મુશ્કેલીઓ અને તેની વચ્ચે સફળ ડીલિવરીની યાદમાં બન્ને બાળકોના નામ કોરોના વાયરસ પરથી રાખ્યા હોવાનું દંપતીએ જણાવ્યું હતું. રાયપુરની સરકારી હોસ્પિટલમાં ૨૬ માર્ચના મધરાતે મહિલાએ બે સંતાનોને જન્મ આપ્યો હતો. દંપતીએ જણાવ્યું કે હાલમાં તેમણે આ નામ આપ્યા છે પરંતુ પાછળથી તેઓ પોતાનો નિર્ણય બદલી શકે છે.

પ્રીતિ વર્મા (ઉં.૨૭)એ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે હું ગર્ભવતિ હતી અને પૂરા દિવસો થયા હતા જેને પગલે ૨૬મી માર્ચના પરોઢીયે પ્રસુતિ પીડા ઉપડતા હોસ્પિટલમાં દાખલ થઈ હતી. રાયપુર સ્થિત સરકારી હોસ્પિટલમાં મે એક દીકરો (કોવિડ) અને દીકરી (કોરોના)ને જન્મ આપ્યો હતો. આ ડીલિવરી મહા મુશ્કેલીમાં થઈ હોવાથી મે તેમજ મારા પતિએ આ દિવસને યાદગાર બનાવવા બન્ને બાળકોના નામ આ મુજબ રાખ્યા છે.

વાયરસ ખૂબ જ ખતરનાક છે અને જીવલેણ છે પરંતુ આ મહામારીથી લોકોમાં સેનિટેશન, હાયજિન અને અન્ય સારી ટેવોનો સંચાર થયો છે. એટલા માટે જ અમે અમારા બાળકો વિશે આ નામ વિચાર્યા. હોસ્પિટલના સ્ટાફે પણ આ બન્નેને આ નામથી બોલાવાનું શરૂ કરી દીધું હોવાથી અમે મહામારી બાદ બન્ને બાળકોનું નામકરણ કરવાનું નક્કી કર્યું છે.

(3:27 pm IST)