Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ચીન હવે સુધર્યું: પાલતું પ્રાણીના માંસ ખાવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો

હજારોના મોત બાદ ભેજું ઠેકાણે આવ્યું: કાચબા-દ઼ેડકા-સર્પને ખાવાની મનાઇ ફરમાવી

ઝી મીડિયા/બ્યૂરો કોરોના વાયરસ (Corona Virus) ના જન્મદાતા ચીનના શહેર શેનજેને એક ઐતિહાસિક નિર્ણય લઇને નવો કાયદો પાસ કર્યો છે. હવેથી અહીં કૂતરા અને બિલાડીઓને ખાવું ગેરકાયદેસર ગણાશે. નવા કાયદાના અનુસાર, પેટ એનિમલ એટલે કે પાલતું પ્રાણીઓનું માંસ ખાવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. સાથે જ કાચબા, દેડકા અને સાપના ખાવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.

તમને જણાવી દઇએ કે, કોરોના વાયરસને કારણે ચીનમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમ છતાં આ કાયદાને તાત્કાલિક લાગુ કરવામાં આવ્યો ન હતો. આ કાયદાને ૧ મેથી લાગુ કરવામાં આવશે. આશ્ચર્યની વાત તો એ છે કે, આ પ્રકારનો કોઇપણ કાયદો ચીને અત્યાર સુધી બનાવ્યો નથી, જે આખા દેશમાં લાગુ કરી શકાય.

અહીં સવાલ એ પણ થાય છે કે, આખરે શું કારણ છે કે ચીનમાં તેને તરત પ્રભાવથી લાગુ કરવામાં નથી આવી રહ્યો. ૧ મહિનો એટલે કે ૩૦ દિવસનો સમય પસાર થયો છે, તેમ છતાં કેમ લોકોને તેને ખાવાની પરમિશન આપવામાં આવી હતી. એનિમલ એકિટવિસ્ટ લાંબા સમયથી પાળતું પ્રાણીઓના ખાવા પર પ્રતિબંધની માંગણી કરી રહ્યા હતા અને હવે આ નવા કાયદાનું જોરદાર સ્વાગત કરી રહ્યાં છે.

યુલિન ડોગ ફેસ્ટિવલ ચીનનો સૌથી વધુ વિવાદાસ્પદ ફૂડ ફેસ્ટિવલ છે. જેમાં હજારો કૂતરાઓને ક્રુરતા પૂર્વક મારવામાં આવે છે અને ચામડી કાઢી લેવામાં આવે છે. તેના બાદ લોકો દ્વારા કૂતરાના માંસને પકાવીને ખાવામાં આવે છે.

ઇન્ટરનેશનલ મીડિયા અનુસાર, સરકારી જાહેરાતના માધ્યમથી કહેવામાં આવ્યું છે કે, શેનજેનમાં સરકારે ૧ એપ્રિલથી આ કાયદાને પાસ કર્યો છે, જેને ૧ મે થી લાગુ કરી દેવામાં આવશે. આમ તો આ નિર્ણય સરકારે કોરોના વાયરસના પ્રાણીઓના શરીરમાંથી માણસોના શરીરમાં પહોંચીને વૈશ્વિક તબાહી મચાવ્યા બાદ લીધો છે. પરંતુ ચીને સમગ્ર દેશમાં હજી આ કાયદો લાગુ કર્યો નથી. જેને કારણે ચીન સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

તો અધિકારીઓના કહેવા અનુસાર, લોકોની રોજિંદી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી દસ્તાવેજ ૯ પ્રકારના જીવ-જંતુઓને ખાવા માટે યોગ્ય માને છે જેમ કે ભુંડ, ગાય, પાડા, ગધેડા, સસલુ, ચિકન, બતક, કબૂતર અને હંસ.

ચીનમાં એનિમલ પ્રોટેકશન ચેરિટીની એક પોલિસી સ્પેશિયાલિસ્ટ ડોકટર પીટર લી માને છે કે, ચીનમાં દર વર્ષે ૧૦ મિલિયન કૂતરા અને ૪ મિલિયન બિલાડીઓની દર્દનાક હત્યા કરીને તેને ક્રૂર કારોબાર પર પ્રતિબંધ મૂકવાના દિશામાં આ એક મોટું પગલું છે.

(3:24 pm IST)