Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના જે આંકડા આવ્યા તેમાં ૬૦% તબલગી કનેકશન

એકલા દિલ્હીમાં સામે આવેલા કોરોનાના ૧૪૧ કેસ પૈકી ૧૨૯ કેસ તબલીગી જમાતના છે

નવી દિલ્હી, તા.૩: દિલ્હીમાં થયેલા તબલીગી જમાતના કાર્યક્રમના કારણે દેશભરમાં કોરોનાનું સંકટ ગંભીર બની રહ્યું છે. સતત ત્રીજા દિવસે પણ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં વધી રહી છે. ગત મહિને જમાતના કાર્યક્રમમાં ભાગ લેનાર ૨૯૫ લોકો પોઝિટિવ મળ્યા. ગુરુવારે રાતના ૧૧.૪૫ સુધીમાં આખા ભારતમાં સામે આવેલ કોરોનાના નવા ૪૮૫ કેસમાં ૬૦ ટકાથી વધુ કેસ તબલીગી જમાતના કનેકશનવાળા છે.

બુધવારે દેશમાં કોરોના સંક્રમીતોની સંખ્યા ૨૦૦૦ની આસપાસ હતી પરંતુ એક જ દિવસમાં આ આંકડો ૨૫૦૦ને પાર કરી ગયો છે. ફકત દિલ્હીની વાત જ કરીએ તો ગુરુવારે ઓછામાં ઓછા ૧૪૧ કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. તેમજ મહારાષ્ટ્રમાં ૮૫ અને તામિલનાડુમાં ૭૫ નવા કેસ સામે આવ્યા છે. તેમજ ગુરુવારે કોરોના વાયરસના ૮ પીડિતો બાદ કુલ મૃતકોની સંખ્યા ૭૦ સુધી પહોંચી ગઈ છે. જોકે સરકારે સત્ત્।ાવાર રીતે હજુ સુધી કુલ ૨૦૬૯ કેસ અને ૫૪ મોતની પુષ્ટી કરી કરી છે.

એકલા દિલ્હીમાં સામે આવેલા કોરોનાના ૧૪૧ કેસ પૈકી ૧૨૯ કેસ તબલીગી જમાતના છે. તે જ રીતે દક્ષિણના રાજયો તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગણામાં સામે આવેલા કોરોના પીડિતોના કુલ આંકડામાંથી ૧૪૩ લોકો તબલીગી સાથે સંબંધ ધરાવે છે. તામિલનાડુમાં ૭૫માંથી ૭૪, તેલંગણામાં ૨૭માંથી ૨૬ અને કર્ણાટકમાં ૧૪માંથી ૧૧ નવા કેસ તબલીગી જમાતના છે. જયારે આંધ્રપ્રદેશમાં તમામ નવા ૩૨ કેસ તબલીગી જમાતના છે.

આ જ રીતે મધ્યપ્રદેશ, આસામ, મણિપુર અને અરુણાચલમાં પણ કન્ફર્મ થયેલા કોરોનાના નવા કેસ આ જ સંગઠનના સાથે જોડાયેલા છે. રાજસ્થાનમાં ૧૩ નવા કેસ પૈકી ૩, યુપીના ૧૦ નવા કેસ પૈકી ૨ અને મહારાષ્ટ્રના ૮૮ નવા કેસ પૈકી ૮ કેસ તબલીગી જમાત સાથે કોઈને કોઈ રીતે કનેકશન ધરાવે છે.

દક્ષિણ ભારતના રાજયો તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણામાં કોરોના પીડિતોની સંખ્યા સતત વધી રહી છે. અહીં પાછલા ૩ દિવસમાં અનેકગણો વધારો થયો છે. એકલા આંધ્રની જ વાત કરીએ તો અહીં ૨ દિવસમાં કોરોના પોઝિટિવ કેસમાં ત્રણ ગણો વધારો થયો છે. આંધ્ર પ્રદેશના નોડલ અધિકારી શ્રીકાંત કહે છે કે અમે દિલ્હીથી આવેલા ૭૫૮ લોકોના ટેસ્ટ કર્યા જે પૈકી ૯૧ લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે. આ રાજયમાંથી સૌથી વધુ લોકો મકરજમાં ગયા હતા. મકરજની કુલ સંખ્યાના ૧૬ ટકા જેટલા છે. અમારી પાસે તબલીગી જમાતના આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામની જાણકારી છે અને જિલ્લા અધિકારીઓને તેમને ટ્રેસ કરવા માટે કહેવામાં આવ્યું છે.

ત્યારે આસામના આરોગ્ય પ્રધાને કહ્યું કે, 'રાજયના ૫૦૩ લોકોએ તબલીગી જમાતના આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જે પૈકી ૪૮૮ લોકો સાથે અમારો સંપર્ક થઈ ચૂકયો છે. તે પૈકી ૩૬૧ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જયારે કાર્યક્રમમાં ભાગ લેનાર ૧૫ બીજા લોકોને ટ્રેસ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.'

(11:36 am IST)