Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

'સાદ' જેવા લોકો ઇસ્લામ ધર્મની ભલાઇ નહિં પણ તેના વિરૂદ્ધ કામ કરી રહ્યા છેઃ આરીફ મોહમદખાનનો આક્ષેપ

'આપ'ના ધારાસભ્ય ખાને નકવી અને ખાનને અપશબ્દો પણ બોલી નાખ્યા

નવી દિલ્હી તા. ૩: કેરળના રાજયપાલ આરિફ મોહમદખાને તબલીગી જમાતના વડા મૌલાના સાદ ઉપર લોકોને ઉશ્કેરવાનો આરોપ લગાવી કહ્યું છે કે, તેઓએ કયારેય માફ ના થઇ શકે તેવો અપરાધ કર્યો છે અને સાદ જેવા લોકો ઇસ્લામની ભલાઇ નહીં પણ તેના વિરૂદ્ધ કામ કરી રહ્યા છે.

દેશભરમાં તબલીગી જમાતનો મુદ્દો ચર્ચામાં છે. સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ૩૩૪ પોઝીટીવ કેસને હોસ્પિટલમાં રખાયા છે. એ સાથે આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહખાને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી અને કેરળના રાજયપાલ આરિફ મોહમદખાનને અપશબ્દો પણ બોલી નાખ્યા છે.

નકવીએ તબલીગી જમાતની સરખામણી તાલિબાની જેવા કૃત્ય સાથે કરી હતી ત્યારે અમાનતુલ્લાહખાને કહ્યું કે, આ લોકોએ કોરોનાને પણ મુસ્લિમ બનાવી દીધાનો અફસોસ છે.

મરકઝ સામે એફઆઇઆર દાખલ થયા પછી તપાસ ગતીમાં છે ત્યારે ૧૬૦ મૌલવી એવા હતા જેનામાં કોરોના વાયરસના લક્ષણો દેખાયા હતા તેવું ખૂલ્યું છે પણ આ લોકોની તબીબી તપાસણી કરાવાઇ જ ન હતી.

દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે માર્ચના પહેલા સપ્તાહમાં મરકઝ આખું ભરેલ હતું જેમાં બે હજારથી વધુ વિદેશીઓ હતા અને અન્ય ભારતીયો હતા જે ર૭ ફેબ્રુ. પછી વિદેશ થઇને આવ્યા હતા આમ મરકઝમાં કુલ ૬ હજારથી વધુ લોકો હાજર રહ્યા હતા.

જો કે, આ અરસામાં કેટલાક લોકો ચાલ્યાં ગયા હતા પણ કેન્દ્રીય એજન્સી તપાસમાં આવી ત્યારપછી ૧પ થી ૧૯ માર્ચ વચ્ચેના રહેલા લોકોને અહીંથી બહાર કઢાયા હતા જેઓને તાવ હતો જેમાંથી સૌથી વધુ તેલંગણા પહોંચ્યા હતા.

વિદેશીઓમાં ઇન્ડોનેશિયા-૭ર, થાઇલેન્ડ-૭૧, શ્રીલંકા-૩૪, મિયાનમાર-૩૩, કિર્ઝસ્તાન-ર૮, મલેશિયા-ર૦, નેપાલ-ર૦, બાંગ્લાદેશ-૧૯ સહિતના અન્ય દેશોના જે લોકો મરકઝમાં હતા તેમની તબિયત સૌ પહેલાં લથડી હતી ગૃહ મંત્રાલયના કહેવા મુજબ ર૧ માર્ચ સુધી મરકઝમાં ૧૭૪૬ લોકો હતા. જેમાં વિદેશી ર૧૬ હતા.

બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સાર્વજનીક સ્થળો ઉપર નમાઝ પઢવા ઉપર મનાઇ ફરમાવી દીધી છે અને જે કોઇપણ તબલીગી જમાતી વ્યકિત ગેરવર્તણુંક કરે તો તેની સામે સખ્ત કાર્યવાહી કરવા સુચના આપી છે.

(11:32 am IST)