Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

કોરોનાથી દેશનો મૃત્યુઆંક ૭૬ : કુલ ૨૫૦૦ દર્દીઓ

૨૪ કલાકમાં જ ૫૦૦થી વધુના નવા કેસ નોંધાયા : દિલ્હીના જ ૧૪૧ કેસ

નવી દિલ્હી તા. ૩ : દેશમાં કોરોનાનો પ્રકોપ તેજીથી વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકની અંદર કોરોનાના ૫૦૦થી વધુ નવા કેસ સામે આવ્યા હોવાનું હિન્દુસ્તાન ટાઇમ્સ નોંધે છે. તેમાં સૌથી વધુ સંખ્યા દિલ્હીમાં પોઝીટીવ મળેલા દર્દીઓની છે. છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હીમાં ૧૪૧ નવા કેસ સામે આવ્યા છે. તેમાંં ૧૨૯ કેસ મરકજ સાથે જોડાયેલા છે. આ દરેક લોકોને અલગ-અલગ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. દેશમાં દર્દીનો આંકડો ૨૫૦૦ને પાર કરી ગયો છે. કોરોનાથી મૃત્યુઆંક ૭૫ને પાર થયો છે પરંતુ સરકાર કહી રહી છે કે મૃત્યુઆંક ૫૭ છે.

દિલ્હીના નિઝામુદ્દીન તબલીગી જમાતના મરકજથી જમાતિઓને ખાલી તો કરાવ્યા પરંતુ દર્દીઓના આંકડામાં ખૂબ જ તેજીથી વધારો થયો છે. દિલ્હીમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને ૨૯૩ સુધી પહોંચી છે. જેમાં ૧૮૨ મરકજના છે. દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૪૧ નવા કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોનાથી ૪ દર્દીઓના મોત થઇ ચુકયા છે. મહામારીથી ગઇકાલે ૨ના મોત થયા તે મરકજ સાથે જોડાયેલા હતા.

કોરોનાનું સંક્રમણ હવે દેશની સૌથી મોટી હોસ્પિટલ એમ્સમાં પહોંચી ગયો છે ત્યાં એક રેજીડેન્ટ ડોકટરનો રિપોર્ટ પોઝીટીવ  આવ્યા બાદ તેની પત્નીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા તો તેનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો.

બીજી બાજુ મહારાષ્ટ્રમાં પણ કોરોના દર્દીઓની સંખ્યા તેજીથી વધી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૦ નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં ૪૨૦ કેસ સામે આવ્યા છે. જેમાં ૧૭ના મોત ૪૨ લોકો સાજા થયા છે. રાજસ્થાનમાં પણ કોરોનાના ૫ નવા કેસની પુષ્ટી થઇ છે. આ દરેક લોકો દિલ્હીથી તબલીગી જમાત સાથે જોડાયેલા હતા. નવા કેસની સાથે રાજ્યમાં ૧૩૮ લોકો સંક્રમિત થયા છે. દેશભરમાં ગઇકાલે કોરોનાના અંદાજે ૫૦૦ આવ્યા બાદ પોઝીટીવ કેસની સંખ્યા ૨૫૦૦ને પાર થઇ છે જ્યારે તેમાંથી ૭૬ના મોત થયા છે.

(11:59 am IST)