Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

વિડીયો : રવિવારે રાત્રે ૯ વાગ્યે લાઈટો બંધ કરી દિવો, મીણબત્તી, ટોર્ચ પ્રગટાવો

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રના નામે વિડીયો સંદેશ જારી કર્યોઃ કોરોના સામેની લડાઈ લડવા સંકટના અંધકારને પડકારવાનો છેઃ કોરોનાને પ્રકાશની તાકાતનો પરિચય આપવાનો છેઃ સામુહિક શકિતના દર્શન કરાવવાના છે : વડાપ્રધાને લોકો પાસે રવિવારે રાત્રે ૯ વાગ્યાની ૯ મીનીટ માંગીઃ લોકોને પોતાના ઘરના દરવાજે કે બાલ્કનીમાં પ્રકાશ પ્રગટાવવા અપીલ કરીઃ શેરીમાં ન જવા-સોશ્યલ ડીસ્ટન્સીંગ રાખવા અપીલ

નવી દિલ્હી, તા. ૩ :. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રને એક વિડીયો સંદેશ થકી સંબોધન કર્યુ હતુ. તેમણે દેશવાસીઓને અપીલ કરી હતી કે તેઓ ૫ એપ્રિલ રવિવારે રાત્રે ૯ વાગ્યે ઘરની તમામ લાઈટો બંધ કરી ૯ મિનીટ માટે મીણબત્તી, ટોર્ચ, દીવો અને મોબાઈલની ફલેશ લાઈટ થકી પ્રકાશ ફેલાવે.

આજે લોકડાઉનના ૯મા દિવસે તેમણે દેશવાસીઓને કહ્યુ હતુ કે, લોકડાઉન દરમિયાન દેશવાસીઓએ શિસ્ત અને સેવાનો પરિચય આપ્યો છે. તંત્રએ પણ સ્થિતિને સંભાળી છે. લોકોએ જે રીતે ૨૨ માર્ચે જેમ કોરોના ફાઈટર્સને ધન્યવાદ આપ્યા હતા તેને સમગ્ર દુનિયા અપનાવી રહી છે. આપણે દુનિયાને ભારતની સામુહિક શકિતનો પરિચય આપ્યો હતો. લોકોએ એવો ભાવ પ્રગટ કર્યો હતો કે દેશ કોરોના વિરૂદ્ધ લડાઈ લડી શકે છે. લોકડાઉનના સમયમાં સૌની સામુહિકતા ચરિતાર્થ થતી નજરે પડી રહી છે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે લોકડાઉનનો સમય જરૂર છે, આપણે આપણા ઘરોમાં છીએ પરંતુ ઘરોમા આપણે કોઈ એકલા નથી. ૧૩૦ કરોડ દેશવાસીઓની સામુહિક શકિત દરેક વ્યકિતની સાથે છે. આપણે ત્યાં માનવામાં આવે છે કે જનતા જનાર્દન ઈશ્વરનું જ સ્વરૂપ હોય છે તેથી જ્યારે દેશ આવડી મોટી લડાઈ રડી રહ્યો તો આવી લડાઈમાં વારંવાર પ્રજારૂપી મહાશકિતનો સાક્ષાત્કાર કરતા રહેવો જોઈએ.

વિડીયો સંદેશમાં તેમણે કહ્યુ હતુ કે આ રવિવાર એટલે કે ૫ એપ્રિલે આપણે સૌએ સાથે મળીને કોરોનાના સંકટના અંધકારને પડકાર આપવાનો છે. તેને પ્રકાશની તાકાતનો પરિચય આપવાનો છે. ૫મીએ આપણે ૧૩૦ કરોડ દેશવાસીઓની મહાશકિતનું જાગરણ કરવાનું છે. ૧૩૦ કરોડ લોકોના મહાસંકલ્પને નવી ઉંચાઈ પર લઈ જવાનો છે. હું ૫ એપ્રિલે રાત્રે ૯ વાગ્યે તમારા સૌની ૯ મિનીટ ઈચ્છુ છું. ૫ એપ્રિલે રવિવારે રાત્રે ૯ વાગ્યે ઘરની તમામ લાઈટો બંધ કરી, ઘરના દરવાજા કે બાલ્કનીમાં ઉભા રહી ૯ મિનીટ સુધી મીણબત્તી, ટોર્ચ કે દીવો કે મોબાઈલની ફલેશ લાઈટ પ્રગટાવવી છે. તેમણે કહ્યુ હતુ કે વધુ સમય જો ઘરની તમામ લાઈટો બંધ રાખશું તો ચારેતરફ જ્યારે દરેક વ્યકિત એક એક દિવો પ્રગટાવશે તો પ્રકાશની એ મહાશકિતનો અહેસાસ થશે જેમાં એક જ હેતુથી આપણે બધા લડી રહ્યા છીએ તે ઉજાગર થશે. તેમણે જો કે કહ્યુ હતુ કે આ દરમિયાન સોશ્યલ ડીસ્ટન્સીંગનું ઉલ્લંઘન થવુ ન જોઈએ. તેમણે કહ્યુ હતુ કે રસ્તામાં, શેરીમા કે ગલીમાં જવાનુ નથી પોતાના ઘરના દરવાજા કે બાલ્કનીમાંથી જ આ કરવાનું છે. આપણો ઉત્સાહ, આપણી સ્પીરીટથી મોટી કોઈ શકિત કોઈ દુનિયામાં છે જ નહિ.

તેમણે કહ્યુ હતુ કે કોરોના મહામારીથી ફેલાયેલ અંધકાર વચ્ચે આપણે નિરંતર પ્રકાશ તરફ જવાનુ છે. મહામારીથી સૌથી વધુ પ્રભાવિત આપણા ગરીબ ભાઈ-બહેનોને નિરાશાથી આશા તરફ લઈ જવાના છે. આ અંધકારમય કોરોના સંકટને પરાજીત કરવા માટે પ્રકાશના તેજને ચારે દિશામાં ફેલાવવાનો છે.

(5:46 pm IST)