Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

૩૦મી જૂન સુધીના રોકાણ, LIC, મેડિકલેમ પ્રીમિયમ ૨૦૧૯-૨૦ માટે મજરે લઇ શકાશે

કોરોનાને કારણે નાણામંત્રાલયે રોકાણો માટે ત્રણ મહિના માટે મુદ્દત વધારી : આવા રોકાણો ૩૧ માર્ચ, ૨૦૨૦ સુધી કર્યા હોવાનું માની લેવામાં આવશે

નવી દિલ્હી તા. ૩ : જે કરદાતાને નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં LIC પ્રીમિયમ, પોરટના રોકાણો, મ્યુચુઅલ ફંડ કે મેડિકલેમ અથવા ડોનેશનની રકમ મજરે લેવી હોય તેનું રોકાણ ૩૧મી માર્ચ, ૨૦૨૦ પહેલાં કરી દેવાનું હોય છે. જોકે, કોરોનાના કહેરને કારશે નાણાં મંત્રાલયે કરદાતાઓને ઇન્કમ ટેકસમાં મજરે લેવા માટે રોકાણ કરવાની કે પ્રીમિયમ ભરવાની મુદત વધારીને ૩૦મી જૂન કરી આપી છે. એટલે હવે ૩૦મી જૂન સુધી ભરેલા LIC પ્રીમિયમ, પોસ્ટના રોકાણો, મ્યુચ્યુઅલ ફંડ, મેડિકલેમ તથા ડોનેશનની રકમ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં મજરે મળી શકશે.

નાણા મંત્રાલય દ્વારા કરદાતાઓ માટે કરવામાં આવેલી મહત્ત્વની જાહેરાત અંગે માહિતી આપતા ટેકસ એડવાઈઝર પ્રમોદ પોપટે જણાવ્યું હતું કે સામાન્ય રીતે હિસાબી વર્ષ ૨૦૧૯-૨૦માં કોઈપણ કરદાતાએ જે પણ કોઈ રોકાણો મજરે લેવાના હોય તો તે રોકાણો કે જે-તે પ્રીમિયમની ચૂકવણી ૩૧મી માર્ય, ૨૦૨૦ પહેલાં કરી દેવાની હોય છે. દેશમાં લોકો LIC પ્રીમિયમ પીપીએફ કે પછી મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણના રૂ. દોઢ લાખ સુધી ઇન્કમ ટેકસમાં મજરેમળતા હોવાથી ૩૧મી માર્ચ સુધી રોકાણ કરતા હોય છે.

ઇન્કમ ટેકસના કાયદા મુજબ મેડિકલેમના રૂ. ૩૦ હજાર તથા ડોનેશનમાં આપવામાં આવેલી રકમ પણ ઇન્કમ ટેકસમાંથી મજરે મળી જતી હોયછે. તેથી લોકો માર્ચ મહિનામાં ટેકસ બચાવવા માટે ખાસ રોકાણ કરતા હોય છે. પ્રમોદ પોપટના

જણાવ્યા મુજબ ચાલુ વર્ષે કોરોના કહેરને લઈને માર્ચ મહિનામાં રોકાણકારો રોકાણ કરી શકયા નથી. નાણા મંત્રાલયે કરદાતાઓ માટે રોકાણ માટેની મુદત વધારીને ૩૦મી જૂન કરી આપી છે.

(9:42 am IST)